લંડનઃ નેશનલ ઓફેન્ડર મેનેજમેન્ટ સર્વિસના ઈસ્લામ અંગેના સલાહકાર અહતશામ અલીને નોકરી ગુમાવવી પડે તેવા સંજોગો સર્જાયાં છે. જેલોમાં ઈસ્લામ ધર્મનો ઉપદેશ આપવા બ્રિટન વિરોધી વિચારધારા ધરાવતા ૧૪૦ ઈમામોની નિમણુકને મંજૂરી મુદ્દે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે.
અલીની ભૂમિકાની તપાસમાં જણાયું કે તેમણે બ્રિટિશ મૂલ્યો અને માનવ અધિકારોથી તદ્દન વિરુદ્ધ દેવબંદી ઈસ્લામના અભ્યાસી ઈમામોની ભરતી કરી હતી. અલીએ નીમેલા ઈમામો પૈકી ૭૦ ટકા ઈમામો દેવબંદી હતા. અલીએ ૨૦૧૧માં હોમ એફેર્સ પાર્લામેન્ટરી કમિટિને જણાવ્યું હતું કે તમામ મુસ્લિમ ધર્મગુરુઓની નિમણુક માટે પોતે જવાબદાર છે. ૧૯મી સદીમાં ભારતમાં બ્રિટિશ સંસ્થાનવાદ સામેની પ્રતિક્રિયારૂપે દેવબંદી ઈસ્લામનો ઉદ્ભવ થયો હતો.

