લંડનઃ પુત્ર દેશના વડા પ્રધાન છે. માતા એક ચિલ્ડ્રન સેન્ટરમાં નોકરી કરે છે. દેશમાં મોંઘવારી વધી અને મંદીના વાદળો ઘેરાયાં તો પુત્રે સરકારી કાઉન્સિલ્સને ફાળવાતા નાણાંમાં કાપ મુકી દીધો. તેના પગલે ચિલ્ડ્રન સેન્ટર બંધ થઈ ગયું અને વડા પ્રધાનનાં માતાની જ નોકરી જતી રહી. હવે પુત્રના નિર્ણયથી માતા ખૂબ જ દુઃખી છે.
આ વાત છે વડા પ્રધાન ડેવિડ કેમરન અને તેમના ૭૨ વર્ષીય માતા મેરી કેમરનની. હકીકતમાં મોંઘવારી અને મંદીના પગલે સરકારે ખર્ચ ઘટાડવાની કવાયત શરૂ કરી હતી. આ પછી સરકારે તમામ કાઉન્સિલને અપાતા સહાયતા ભંડોળમાં ૨૦૨૦ સુધી ૨૪ ટકા કાપ મૂકવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે અનેક કાઉન્સિલના જુદાં જુદાં સેન્ટરને તાળા લાગી ગયા છે. આમાં કેમરનના માતા જે ચિલ્ડ્રન સેન્ટર સાથે જોડાયેલા હતા તેનો પણ સમાવેશ થાય છે.
૭૨ વર્ષનાં મેરી ઓક્સફર્ડશાયરમાં બાળકોના શીવેલી એન્ડ એરિયા સેન્ટરમાં જોબ કરે છે. અહીં અંદાજે ૬૭૦ બાળકો છે. આ વિસ્તારમાં રહેતા યુવાન પરિવારોના સંતાનોને મદદરૂપ થતા આ સેન્ટરમાં મફતમાં શિક્ષણ અને ચાઇલ્ડકેર મળે છે. ૨૪ માર્ચથી આ સેન્ટર બંધ થઇ રહ્યું છે જેનો સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે. બે બાળકોની માતા ગાઈલ વિલિયમ્સ કહે છે, ‘આ સેન્ટર આજુબાજુના ગામોના પરિવારો માટે લાઇફલાઇન છે. આ કેવી રીતે બંધ થઈ શકે? આ શરમજનક બાબત છે.’ વિક્ટોરિયા સ્ટાપ્લેટન કહે છે, ‘સેન્ટર બંધ થવાના સમાચારથી હું ખૂબ જ દુઃખી છું.’
સરકારના આ પગલાં વિરુદ્ધ કેટલાક લોકોએ અરજી પણ કરી છે. તેમાં વડા પ્રધાનના માતા મેરીનો પણ સમાવેશ થાય છે. જોકે હજુ સુધી તો કોઇ પગલાં લેવાયા હોવાનું જાણવા મળતું નથી. સેન્ટરને સત્તાવાર રીતે ૨૪ માર્ચે બંધ કરાશે ત્યાં સુધી મેરી કામ કરતાં રહેશે.
માતા દુઃખી છે, પણ...
મેરી કહે છે, ‘સરકારના નિર્ણયથી મને દુઃખ છે. મને ચિલ્ડ્રન સેન્ટરમાં કામ કરવામાં ખૂબ જ આનંદ આવે છે. હું નથી જાણતી કે હકીકતમાં શું થયું, પરંતુ સેન્ટર બંધ થવા અંગે મને માહિતી મળી છે. જો આમ જ હશે તો હું પણ વોલન્ટિયર તરીકે નહીં રહું. જોકે હું ભવિષ્યમાં પણ લોકોને મદદ અવશ્ય કરતી રહીશ.’ મેરી કેમરને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેમણે આ અંગે વડા પ્રધાન પુત્ર સાથે વાત કરી છે તો તેમણે કહ્યું, ‘મેં ડેવિડ સાથે વાત નથી કરી, કારણ કે હું તેના કામમાં દખલ કરવા માગતી નથી.’

