લંડનઃ વૈભવી એપાર્ટમેન્ટમાં ભાડુઆતોના સ્વાંગમાં રહેતી એક ટોળકીને પડોશીની ટપાલો ચોરીને તેમના બેંક ખાતામાંથી ૨,૯૦,૦૦૦ પાઉન્ડની ઉચાપત કરવા બદલ જેલભેગી કરાઈ હતી. લંડન, નોર્વિક, નોટિંગહામ, શેફિલ્ડ, ટનબ્રિજ, વેલ્સ, ડોનકાસ્ટર અને લિવરપુલમાં કુલ ૨૦૦ પીડિતો આ ઠગાઈનો ભોગ બન્યા હતા. સફોક એન્ડ નોર્ફોક સાઈબર એન્ડ સિરીયસ ક્રાઈમ ડિપાર્ટમેન્ટના ઓપરેશન ડસ્ટનના પરિણામે ઈપ્સવીચ ક્રાઉન કોર્ટે દસ વ્યક્તિને સજા ફરમાવી હતી. મુખ્ય સૂત્રધારો ઈસેક્સના ઈલ્ફોર્ડના ડેનિયલ ફ્રેન્ક (૩૮)ને ૪૦ મહિનાની અને લોરેન્સ સિઆવને પાંચ વર્ષની કેદની સજા થઈ હતી.
આ ટોળકીએ ખોવાયેલા ઓળખપત્રો અને સાચા લાગે તેવા લેન્ડલાઈન નંબરો દર્શાવીને ઉભી કરેલી બે બોગસ કંપનીઓના રેફરન્સ સાથે એપાર્ટમેન્ટના ભાડૂત બન્યા હતા. એક વખત ભાડૂત તરીકે ઓળખ ઉભી થયા પછી તેમણે પડોશીઓના બેંક અને ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ મેળવવા તેમના મેલ બોક્સ પર હાથ અજમાવ્યો હતો.
બેંકના ભ્રષ્ટ અધિકારીઓની મદદથી તેમણે પીડિતોના ખાતાઓની ખાનગી માહિતી મેળવી હતી, જેના આધારે ટોળકીએ બેંક કાર્ડ અને પીન બદલવા અરજી કરી રોકડ રકમ ઉપાડી હતી અને વિદેશી ચલણ તથા અત્યંત કિંમતી ચીજવસ્તુઓ ખરીદી હતી.
