લંડનઃ બ્રિટિશ ઈમામોએ પાકિસ્તાનના રાજકારણી સલમાન તાસીરના હત્યારા મુમતાઝ કાદરીની મુક્ત મને પ્રશંસા કરી હતી. પંજાબના ગવર્નર તાસીરે દેશના ધર્મનિંદા કાયદામાં સુધારા લાવવા ઝુંબેશ હાથ ધરી હતી. બ્રિટનના કેટલાક અગ્રણી વિદ્વાનોએ ૨૦૧૧માં રાજકારણી સલમાન તાસીરની હત્યા કરવા બદલ મુમતાઝ કાદરીને ઈસ્લામનો મહાન વીર પુરુષ અને શહીદ ગણાવતા સંદેશા પોસ્ટ કર્યા હતા.
તાસીરના પોલીસ બોડીગાર્ડ કાદરીએ ઈસ્લામાબાદના એક બજારમાં પંજાબના ગવર્નરના શરીરમાં ૨૮ ગોળી ધરબી દીધી હતી. તેને સોમવારે ફાંસી અપાઈ હતી. બીજા દિવસે તેના અંતિમસંસ્કાર કરાયા હતા. બોલ્ટનસ્થિત ધર્મઉપદેશક મુહમ્મદ મસુદ કાદરી તેની અંતિમવિધિમાં ભાગ લેવા માટે હવાઈમાર્ગે પાકિસ્તાન ગયા હતા.
ફેસબુક પર ૧૩૫,૦૦૦થી વધુ ફોલોઅર્સ ધરાવતા બ્રેડફોર્ડના યુવાન વિદ્વાન ઈમામ મુહમ્મદ આસીમ હુસૈને કાદરીને અપાયેલા મૃત્યુદંડને પાકિસ્તાનના ઈતિહાસનો કાળો દિવસ ગણાવ્યો હતો. એક ટીવી ચેનલ પર સાપ્તાહિક કાર્યક્રમ રજૂ કરતાં મુહમ્મદ મસુદ કાદરીએ મુમતાઝ કાદરીની અંતિમવિધિના વીડિયોમાં મૃતદેહને લઈ જતી એમ્બ્યુલન્સ પર હજારો ટેકેદારોને ગુલાબની પાંદડીઓની વર્ષા કરતાં દર્શાવાયા હતા.
