નવી દિલ્હીઃ પર્યાવરણને નુકસાનના વિવાદ મધ્યે ૧૧મી માર્ચે યમુના નદીના કિનારે આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરની સંસ્થા આર્ટ ઓફ લિવિંગના કાર્યક્રમ વિશ્વ સાંસ્કૃતિક મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો હતો. પર્યાવરણવાદી જૂથોએ કરેલી ફરિયાદને પગલે આર્ટ ઓફ લિવિંગને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પાંચ કરોડનો દંડ ફટકાર્યો હતો, પરંતુ રવિશંકરે ૧૦મીએ જણાવ્યું હતું કે, અમે કશું ખોટું કર્યું નથી. અમે જેલમાં જઈશું, પરંતુ એક પાઈ પણ ચૂકવીશું નહીં. જોકે ૧૧મીએ આર્ટ ઓફ લિવિંગ સંસ્થાએ એનજીટી સમક્ષ નવેસરથી અરજી કરી હતી.
અરજીની સુનાવણી બાદ ટ્રિબ્યૂનલે આર્ટ ઓફ લિવિંગને ચાર હપ્તામાં પૈસા ચૂકવવાની સુવિધા આપી હતી. ટ્રિબ્યૂનલે સંસ્થાને ૧૧મીએ જ રૂ. ૨૫ લાખ અને આગામી ત્રણ સપ્તાહમાં બાકીના રૂ. ૪.૭૫ કરોડ ચૂકવી દેવાનો આદેશ આપ્યો હતો અને આર્ટ ઓફ લિવિંગે રૂ. ૨૫ લાખની ચૂકવણી કરતાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત ૧૫૫ દેશોના પ્રતિનિધિઓની હાજરીમાં ૧,૦૫૦ પંડિતોના વૈદિક મંત્રોચ્ચાર સાથે કાર્યક્રમનો આરંભ થયો હતો.
નરેન્દ્ર મોદીએ કાર્યક્રમમાં કહ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં ભારતની છબી પહોંચાડવા માટે હું આર્ટ ઓફ લિવિંગને અભિનંદન આપું છું અને સુવિધા વચ્ચે રહેવું એ આર્ટ ઓફ લિવિંગ નથી. હુંનો ત્યાગ કરી આપણે તરફ પ્રયાણ જ આર્ટ ઓફ લિવિંગ છે.
કાર્યક્રમનો વિરોધ
કોંગ્રેસી નેતા જયરામ રમેશે કાર્યક્રમનો વિરોધ કરતાં કહ્યું હતું કે, આ કાર્યક્રમથી યમુના નદીની ઇકોલોજી સિસ્ટમને નુકસાન થઈ રહ્યું છે તો જનતાદળ(યુ)ના સાંસદ શરદ યાદવે કહ્યું કે, પર્યાવરણના નુક્સાન બદલ શ્રી શ્રીને જેલમાં મોકલી દેવા જોઇએ. જોકે તેનો જવાબ આપતાં શ્રી શ્રી રવિશંકરે કહ્યું હતું કે, મહાન કામમાં વિઘ્ન આવે જ છે, પણ તેનાથી કાર્યક્રમ રોકાય નહીં.
પાક. કલાકારો મોદી પર ફિદા
કાર્યક્રમમાં આવેલા પાકિસ્તાની ગ્રુપે ‘દિલ-દિલ પાકિસ્તાન, જાન-જાન હિંદુસ્તાન’ના સૂત્રોચ્ચાર કર્યા
હતા અને કહ્યું કે મોદી સારા પ્રધાનમંત્રી છે, કેમ કે તેઓ દિલની વાત કરે છે.
શ્રી શ્રીનો બફાટ
૧૨મી માર્ચે શ્રી શ્રીએ ગૃહપ્રધાન રાજનાથસિંહની હાજરીમાં ‘જય હિંદ અને પાકિસ્તાન ઝિંદાબાદ’નો નારો લગાવી દીધો હતો પછી સ્થિતિ પારખીને શ્રી શ્રીએ કહ્યું કે જો બંને દેશો એક થઈને પ્રગતિ કરે તો ‘જય હિંદ અને પાકિસ્તાન ઝિંદાબાદ’નાં સૂત્રો એક સાથે બોલી શકાય.
મહોત્સવની સાથે સાથે....
• ૧૫૫ દેશોના પ્રતિનિધિઓ • ૧,૦૦૦ એકરમાં આયોજન • ૩૫ લાખ લોકો ભાગ લેશે • ૭ એકરમાં મંચ બનાવાયો • ૩૫,૦૦૦ સંગીતકારો-નૃત્યકારો • ૮,૦૦૦ દિલ્હી-યુપી પોલીસના જવાનો • ૧૨થી વધુ કંટ્રોલરૂમ • ૬૫૦ પોર્ટેબલ ટોઇલેટ, ૩ પુલ • ૬,૦૦૦ સ્વયંસેવકો મદદરૂપ બનશે • ૧૨૦૦ ફૂટ લંબાઈ • ૪૦૦ ફૂટ પહોળાઈ • ૨૮ હજાર લોકો બેસી શકશે. • લગભગ ૨૦૦ સાંસદોની હાજરી • કાર્યક્રમ વિવાદોમાં ઘેરાવાથી રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની ગેરહાજરી • ઝિમ્બાબ્વેના પ્રેસિડન્ટ રાબર્ટ મુગાબની પ્રોટોકોલ અને સિક્યુરિટીને કારણે ગેરહાજરી • ગિનિસ બુકની ટીમ હાજર • ૧૩ ઝોનમાં સમગ્ર વિસ્તાર વિભાજિત કરાયો હતો અને ૬ પાર્કિંગનું નિર્માણ કરાયું હતું

