કરચોરોને છોડીશ નહીં, આઝાદીથી અત્યાર સુધીનો હિસાબ લઈશઃ મોદી

Wednesday 16th November 2016 05:27 EST
 
 

ટોક્યોઃ જાપાન પ્રવાસ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસાકામાં બે ખાતે આવેલાં કોબે શહેરમાં ભારતીય સમુદાયને સંબોધતાં જણાવ્યું હતું કે, ભારતમાં જે કાંઈ થઈ રહ્યું છે તેનાથી તમને ઘણું ગૌરવ થશે. નોટબંધી પર તેમણે જણાવ્યું હતું કે, પહેલાં લોકો ગંગામાં ચાર આની પણ નાખતાં નહોતાં, હવે ચલણી નોટો વહાવી રહ્યાં છે. તેઓ સારી રીતે જાણે છે કે, હું બેઇમાનોને છોડવાનો નથી. આઝાદીથી અત્યાર સુધીનો હિસાબ લેવાશે. કાળું ધન ધરાવનારાઓને છોડાશે નહીં. ૩૦ ડિસેમ્બર બાદ હું કાળા નાણાં જાહેર કરવાની કોઈ બીજી સ્કીમ લાવીશ તેની કોઈ બાંયધરી નથી. સરકારે જૂની નોટો જમા કરાવવા માટે ૩૦મી ડિસેમ્બર સુધીનો સમય આપ્યો છે, ત્યારબાદ કોઈ પગલાં નહીં લેવાય તેની કોઈ ગેરંટી નથી, આ સૌથી મોટું સ્વચ્છતા અભિયાન છે.
મોદીએ જણાવ્યું હતું કે, પ્રમાણિકતાથી કર ભરતાં લોકોએ ગભરાવાની કોઈ જરૂર નથી. ઇમાનદારોને કોઈ મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે. હું સ્પષ્ટ જણાવી દેવા માગું છું કે, જો કોઈ બેહિસાબી નાણું ઝડપાયું તો હું તે એકાઉન્ટના આઝાદીથી અત્યાર સુધીના તમામ રેકોર્ડની તપાસ કરાવીશ, તેની તપાસ માટે જેટલાં લોકોની જરૂર પડશે તેટલાને કામે લગાવીશ. કોઇને માફ નહીં કરાય. જે લોકો મને ઓળખે છે તે સમજદાર પણ છે. તેમણે કાળું નાણું બેન્કોમાં જમા કરાવવાને બદલે ગંગામાં વહાવી દેવાનું ઉચિત માન્યું છે. ભારતમાં જનતાએ ૫૦૦ અને ૧૦૦૦ની નોટ રદ કરવાના સરકારના નિર્ણયને વધાવી લીધો છે, પરંતુ કેટલાંક લોકો રાજકારણને લીધે સરકાર વિરુદ્ધ બોલી રહ્યાં છે.

ગરીબોએ અમીરી દેખાડી

વડા પ્રધાને જણાવ્યું હતું કે, ભાજપ સત્તામાં આવ્યો ત્યારે ૪૦ ટકા વસતી બેન્કમાં એકાઉન્ટ ધરાવતી નહોતી. અમે મોટું અભિયાન શરૂ કર્યાં બાદ હવે દેશનો લગભગ દરેક નાગરિક બેન્કમાં ખાતું ધરાવે છે. અમે ગરીબોને જણાવ્યું કે તમારી પાસે એક પણ પૈસો નહીં હોય તો પણ બેન્કમાં ખાતું ખૂલશે. ભારતના ગરીબોએ અમીરી દેખાડી છે. પહેલી વાર ગરીબોને અમીરી દેખાડવાનો અવસર મળ્યો છે. ગરીબોએ બેન્કનાં ખાતાઓમાં રૂપિયા ૪૫,૦૦૦ કરોડ જમા કરાવ્યા છે, આ છે ભારતીય ગરીબોની અમીરી. ભારતીય ગરીબોએ તેમનું ખમીર દેખાડી દીધું છે.

માતાઓ મને આશીર્વાદ આપે છે

મોદીએ જણાવ્યું હતું કે, અમે કહી દીધું છે કે જો કોઇ ગૃહિણી અઢી લાખ રૂપિયા ખાતામાં જમા કરાવશે તો સરકાર સવાલ કરશે નહીં. તેનું પરિણામ એ આવ્યું કે પોતાની માતાને વૃદ્ધાશ્રમમાં તરછોડી ચૂકેલા સંખ્યાબંધ દીકરાઓએ તેમના ખાતામાં અઢી-અઢી લાખ જમા કરાવી દીધાં છે. શું આ માતાઓ મને આશીર્વાદ નહીં આપે?
મોદીએ જણાવ્યું હતું કે ૫૦૦ અને ૧૦૦૦ની નોટ રદ કરવાનો નિર્ણય સરકારે ઉતાવળે લીધો નથી. સરકારે આ નિર્ણય લેતાં પહેલાં બેહિસાબી આવક જાહેર કરવા અમે લોકોને સપ્ટેમ્બર સુધીનો ૫૦ દિવસનો સમય આપ્યો હતો. રાતોરાત કોઇ નિર્ણય લેવાયો નથી. અમે પહેલાં યોજનાઓ લાવ્યાં હતાં. કોઇ કહી શકે નહીં કે તેમને તક આપવામાં આવી નહોતી.

કોઇ ભ્રમમાં ન રહે

મોદીએ ચેતવણી ઉચ્ચારી હતી કે પાછળથી જોઇ લઇશું તેમ વિચારીને બેન્કમાં કાળું નાણું જમા કરાવનારાને છોડાશે નહીં. મને જાણનારા સમજદાર છે. આવાં લોકો વિચારે છે કે કાળું નાણું ગંગામાં વહાવી દેવું સારું છે. પૈસા ભલે ન મળે પુણ્ય તો મળશે.
મોદીએ જણાવ્યું હતું કે, ૫૦૦ અને ૧,૦૦૦ની નોટો પર પ્રતિબંધનો નિર્ણય મુશ્કેલ હતો. મારી ટીમનાં લોકો તેના ફાયદા વિચારી રહ્યા હતા જ્યારે હું તેને કારણે પડનારી મુશ્કેલીઓ અંગે વિચારી રહ્યો હતો. હું ૧૨૫ કરોડ ભારતીયોને નમન કરું છું કે, મુશ્કેલીઓ છતાં તેમણે દેશ માટે આ નિર્ણય સ્વીકારી લીધો છે. કોઇનાં ઘરમાં લગ્ન છે, પરંતુ પૈસા નથી. માતા બીમાર છે અને હજારની નોટ ચાલી રહી નથી. કોઇ ૪ કલાક તો કોઇ ૬ કલાક બેન્કની લાઇનમાં ઊભા રહે છે. કેટલાક લોકોએ બેંક પર જઇ લોકોના મોંમાં આંગળીઓ નાખી પૂછયું, પરંતુ કોઇએ ફરિયાદ કરી નહીં. લોકોને મોદી વિરુદ્ધ બોલવા ઉશ્કેરવામાં આવે છે, પરંતુ હું જનતાને સો સો સલામ કરું છું.

૩૦મી ડિસેમ્બર સુધી સમય

મોદીએ જણાવ્યું હતું કે, કાળું નાણું શોધવા માટે અમે ગમે તે હદ સુધી જઇશું. ૩૦મી ડિસેમ્બર સુધી કોઇને પરેશાન નહીં કરાય. જે તમારું છે તે તમને મળવાનું જ છે.

ભારત સાથે ભાગીદારી વધારો

કોબે શહેરની મુલાકાત દરમિયાન વડા પ્રધાને જાપાની ઉદ્યોગો અને ભારતીય સમુદાયને ભારતના નાના-મધ્યમ કદના ઉદ્યોગો સાથે ભાગીદારી કરવાનું આહવાન કર્યું હતું. મોદીએ કોબેની મુલાકાત દરમિયાન વર્ષ ૨૦૦૭ અને ૨૦૧૨ની ગુજરાત સાથેની જૂની યાદો પણ તાજી કરી હતી. મોદીએ ભૂકંપ દરમિયાન કોબેની મળેલી મદદનો પણ આભાર માન્યો હતો. કોબેમાં યોજાયેલી બિઝનેસ મીટમાં હ્યોગોના ગવર્નર તોશિઝો ઈડો અને કોબેના મેયર ક્યુઝો હિસામાઓતો પણ હાજર રહ્યા હતા. ગુજરાત સાથે ખૂબ જ સારા સંબંધો વિક્સાવવા બદલ મોદીએ આ બંને નેતાઓનો આભાર માન્યો હતો.
આ લોકોની હાજરીમાં મોદીએ વેપાર, શિક્ષણ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને એન્વાર્યમેન્ટલ પ્રોટેક્શન ક્ષેત્રે દ્વિપક્ષીય કરારો કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે આ ક્ષેત્રોમાં ભારત અને જાપાન સાથેની પરરસ્પર ભાગીદારીથી જાપાનને નહીં, ભારતીય ઉદ્યોગને પણ ફાયદો થશે.


comments powered by Disqus