જશુબહેન વેકરિયાને પ્રતિષ્ઠિત ‘પીઅર્સન ટીચીંગ એવોર્ડ’

Wednesday 16th November 2016 05:57 EST
 
 

લંડનઃ શિક્ષણ ક્ષેત્રે પ્રશંસનીય યોગદાન બદલ ગ્રેટર લંડનના કેન્ટનની અક્સન્ડન મેનોર પ્રાઈમરી સ્કૂલના ટીચર જશુબહેન વેકરિયા સહિત યુકેના ૧૦ ટીચર્સને ૨૦૧૬ના પ્રતિષ્ઠિત પીઅર્સન ટીચીંગ એવોર્ડથી સન્માનિત કરાયા છે. તેમને ‘ગોલ્ડ પ્લેટો એવોર્ડ ફોર એક્સેલન્સ ઈન ટીચીંગ’ એનાયત કરાયો છે. બ્રિટનના શિક્ષણ ક્ષેત્રે આ એવોર્ડ ઓસ્કાર ઓફ ધ ટીચીંગ વર્લ્ડ તરીકે જાણીતો છે. જશુબહેનને વિદ્યાર્થીઓ પ્રત્યેની પ્રતિબદ્ધતાની કદરરૂપે પ્રાઈમરી સ્કૂલના ટીચર ઓફ ધ યર તરીકે નોમિનેટ કરાયા હતા. એવોર્ડ મેળવ્યા બાદ તેમણે જણાવ્યું હતું કે તેઓ સ્કૂલ મેન્જમેન્ટને સોંપેલી જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવશે.
જશુબહેન કચ્છના દહિંસરાની રહેવાસી છે. તેમનાં માતા માંડવીના અને પિતા લંડનના છે. જશુબહેન વેકરિયાનો જન્મ અને ઉછેર લંડનમાં જ થયો છે. જશુબહેન તેમની ફરજ પ્રત્યે સંપૂર્ણપણે સમર્પિત છે. તેનું એક ઉદાહરણ જોઇએ તો, ડાઉન સિન્ડ્રોમથી પીડાતું એક બાળક સ્કૂલ ટ્રીપમાં જોડાયું હતું. આ બાળક પોતાના પેરન્ટ્સ સાથે સૂઈ શકે તે માટે તેમણે સ્ટાફ સ્લિપીંગ ક્વાર્ટરનો પોતાનો રૂમ તેમને આપી દીધો હતો. જશુબહેને તે રાત્રિ ઈલેકટ્રિસિટી, હીટીંગ કે લાઈટીંગ જેવી પાયાની સગવડ વગરના શેડમાં વીતાવી હતી.
લંડનના ગિલ્ડ હોલ ખાતે યોજાયેલા ઓસ્કાર ઓફ ધ ટીચીંગ વર્લ્ડ તરીકે જાણીતા આ એવોર્ડ વિતરણ કાર્યક્રમના હોસ્ટ કોમેડિયન અને એક્ટર હુઘ ડેનિસ હતા. આ એવોર્ડ માટે ઈંગ્લેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડની તમામ શાળાઓ ભાગ લેતી હોય છે. લોર્ડ પુટનમ CBEદ્વારા ૧૯૯૮માં શરૂ કરાયેલા આ એવોર્ડનું સંચાલન સ્વતંત્ર ચેરિટી ટીચીંગ એવોર્ડ્સ ટ્રસ્ટ દ્વારા થાય છે.
એવોર્ડ માટે શિક્ષકોની પસંદગીનો પ્રસ્તાવ વિદ્યાર્થીઓ, પેરન્ટ્સ અને સહકર્મચારીઓએ મૂક્યો હતો. નિષ્ણાતોની પેનલ દ્વારા દસ શ્રેષ્ઠ શિક્ષકોને વિજેતા જાહેર કરાયા હતા. ટીમ વિજેતામાં રેડિયો દ્વારા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર અંતરિક્ષયાત્રી ટીમ પીકનો સંપર્ક સાધનાર હર્ટફર્ડશાયરની સેન્ડ્રિંઘામ સ્કૂલનો પણ સમાવેશ થાય છે.
‘આઉટસ્ટેન્ડિંગ સ્કૂલ ટીમ ઓફ ધ યર’નો એવોર્ડ સેન્ટ આલ્બન્સ સ્થિત ગ્રૂપને ફાળે ગયો હતો. સેકન્ડરી સ્કૂલની કેટેગરીમાં એવોર્ડ ફોર હેડ ટીચરના વિજેતા હાર્ડિયલ હેયર લેન્કેશાયરના ઓલ્ધામસ્થિત રેડક્લિફ સ્કૂલનું છેલ્લાં ૨૦ વર્ષથી સંચાલન કરે છે. યુકેમાં વિવિધ ન્યૂઝ સ્ટેશનો પર અંદાજે ૧૮ મિલિયન લોકોએ કાર્યક્રમ નિહાળ્યો હતો.


comments powered by Disqus