લંડનઃ તાજેતરમાં લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સની ઈસ્લામિક સોસાયટી દ્વારા યોજાયેલા વાર્ષિક કાર્યક્રમમાં હોલની વચ્ચોવચ મહિલાઓ અને પુરુષોને અલગ પાડતો ૭ ફૂટનો સળંગ સ્ક્રીન મૂકવામાં આવ્યો હતો. તેને લીધે પુરુષો અને મહિલાઓ એકબીજાને જોઈ શકતા નહોતા. આ ઘટનાની લોર્ડ ડોલર પોપટે ભારે ટીકા કરી હતી.
હોલ્બોર્નમાં યુનિવર્સિટી નજીક ગ્રાન્ડ કોનોટ રૂમ્સ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં LSEના મુસ્લિમ વિદ્યાર્થીઓને તેમના ‘ભાઈઓ’ અને ‘બહેનો’ દરેક માટે ૨૦ પાઉન્ડની અલગ ટિકિટ ખરીદવી પડી હતી.
લોર્ડ ડોલર પોપટે જણાવ્યું હતું, ‘અત્યારના સમયમાં અને ખાસ તો બ્રિટનમાં દુનિયાની સૌથી પ્રગતિશીલ શૈક્ષણિક સંસ્થાના યુવાનો દ્વારા આ રીતે પુરુષો અને મહિલાઓને અલગ રખાતા મને ખૂબ આશ્ચર્ય થયું છે. આ યુવાનો આપણું ભવિષ્ય છે અને તેઓ આવું ઉદ્દામવાદી વિભાજન કરતાં ટેવાઈ જાય તો મને ભાવિ ધૂંધળું લાગે છે. કેટલીક ધાર્મિક સંસ્થાઓ અને દેશોમાં પુરુષો અને મહિલાને અલગ રાખવા એ સામાન્ય બાબત હોઈ શકે. પરંતુ તેને સામાજિક સ્તરે ઉત્તેજન આપવું જોઈએ નહીં.’
LSEએ જણાવ્યું કે તે આ બાબતે ઈક્વોલીટી એન્ડ હ્યુમન રાઈટસ કમિશન (ઈએચઆરસી)ના માર્ગદર્શનનું પાલન કરે છે અને કાર્યક્રમમાં પુરુષો અને મહિલાઓ વચ્ચે સ્ક્રીન રખાયો તે કાયદા વિરુદ્ધ હોવાનું માને છે.
