લંડનઃ કોમ્યુનિટીઝ એન્ડ લોકલ ગવર્નમેન્ટ સેક્રેટરી સરએરિક પીકલ્સ શહેરના પ્રવદા પ્રકાશનોને બંધ કરાવવાની લડાઈમાં વિજય ભણી આગળ વધી રહ્યા છે. આથી સતત દબાણનો અનુભવ કરી રહેલા સ્થાનિક અખબારોને હવે રાહત થશે. જૂનમાં છેલ્લો કાઉન્સિલ ન્યૂઝલેટર પ્રકાશિત થશે તે પછી તેનું સાપ્તાહિક પ્રકાશન બંધ થઈ જશે. હવે તેનું પ્રકાશન ત્રિમાસિક ધોરણે જ થઈ શકશે. પ્રવદા એ રશિયાના દૈનિક અખબાર માટે વપરાતો શબ્દ છે. પ્રવદા ૧૯૧૮થી ૧૯૯૧ સુધી સોવિયેત કોમ્યુનિસ્ટ પાર્ટીનું સત્તાવાર મુખપત્ર હતું.
રોયલ બરો ઓફ ગ્રીનવીચનું સત્તાવાર પ્રકાશન ગ્રીનવીચ ટાઈમ હવે ત્રિમાસિક ગાળામાં પ્રકાશિત થશે. હેકની, ન્યૂહામ, ટાવર હેમ્લેટસ અને વોલ્ટહામ ફોરેસ્ટ સહિતની અન્ય લંડન ઓથોરિટીને પણ ત્રિમાસિક સિવાય પ્રકાશન ન કરવાનો આદેશ અપાયો છે.
ઘણાં વર્ષોથી સ્થાનિક અખબારોને લાગતું હતું કે કાઉન્સિલના નાણાંથી પ્રકાશિત થતાં પેપરોની તેમની સાથે ગેરવાજબી સ્પર્ધા થતી હતી અને મહત્ત્વની કાઉન્સિલ સર્વિસીસના નાણાં અન્યત્ર વપરાતા હતા.

