લંડનઃ મૂળ પાકિસ્તાનીઠગ આતિફ મોહમ્મદ અને તેના પરિવારે ૪૨ વૃદ્ધ પેન્શનરો સાથે ટેલિફોન કૌભાંડ આચરીને તેમની જીવનભરની બચતના ૧૩ લાખ પાઉન્ડની ઉચાપત કરી હતી. તે રકમ તેમણે લક્ઝરી કારો અને રોલેક્સ ઘડિયાળો પાછળ ઉડાવી દીધી હોવાની બ્રિસ્ટલ કોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ હતી. નવેમ્બર,૨૦૧૪માં ગ્લાસ્ગોમાં ક્રોસહિલના મકાનમાંથી આ પરિવારના સભ્યોની ધરપકડ કરાઈ ત્યારે પોલીસને ૪૧ મોબાઈલ અને ૫૭ સીમકાર્ડ મળ્યાં હતા.
સૂત્રધાર આતિફ મોહમ્મદના ઠગ પરિવારના સભ્યો પીડિતોને ફોન કરીને પોતાની ઓળખ બેંકના સિક્યોરિટી વિભાગના વડા તરીકે આપતા હતા અને તેમના ખાતા પર ચોરોની નજર હોવાનું કહેતા હતા. પોલીસને તપાસમાં મદદરૂપ થવા નાણાં ઈલેક્ટ્રોનિક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા પેન્શનરોને સમજાવી તેમના નાણાં પોતાના ખાતામાં ટ્રાન્સફર કરીને ઉપાડી લેતા હતા. ઠગાઈનો ભોગ બનેલા મેરિયન હોજીસને ૮૪,૦૦૦ પાઉન્ડ અને ડુડલે સ્મિથે ૧૫૪૦૦ પાઉન્ડ ગુમાવ્યા હતા.

