લોકજાગૃતિ અને કાયદાથી ધૂમ્રપાન સહિતના દૂષણો ઘટ્યાં

Wednesday 23rd March 2016 08:59 EDT
 
 

લંડનઃ ખુલ્લા વાતાવરણ સિવાય અન્યત્ર ધૂમ્રપાન પર પ્રતિબંધ મુકતો કાયદો તેમજ સ્મોકિંગ, ડ્રીંકસ અને ડ્રગ્સના સેવનની ખરાબ અસરો વિશે લોકોમાં જાગૃતિ લાવવાના સરકારના પ્રયાસો સફળ થઈ રહ્યા છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના આંકડા મુજબ વિશ્વમાં હકારાત્મક ફેરફાર થવા સાથે લોકોમાં આ દૂષણોનું પ્રમાણ ઘટી રહ્યું છે.

હવે યુવાનો નાઈટક્લબમાં જવાને બદલે ઘેર જ ‘સ્પોટીફી’ સાંભળવાનું અથવા વીડિયો ગેમ્સ રમવાનું પસંદ કરે છે. નાઈટક્લબોની સંખ્યા ૨૦૦૫માં ૩,૧૪૪ હતી જે ઘટીને માત્ર ૧,૭૩૩ જ રહી છે. સ્મોકિંગ તેમજ સ્ટુડન્ટ લોન પર પ્રતિબંધ તથા આલ્કોહોલના વેચાણ અંગે પબ અને બાર લાઈસન્સના કાયદા હળવા કરાતા આ ઘટાડો થયો છે.

ધૂમ્રપાન કરતાં લોકોની સંખ્યા પણ ઘટી છે. સ્મોકર્સનો દર ૧૯૭૯માં ૪૦ ટકા હતો, જે ઘટીને ૨૦ ટકા થયો છે. ટીનેજરો દ્વારા ડ્રગ્સના સેવન પણ ઘટ્યું છે. હેલ્થ એન્ડ સોશિયલ કેર ઈન્ફર્મેશન સેન્ટર મુજબ ૨૦૦૧માં ૨૯ ટકા ટીનેજરો ડ્રગ્સ લેતા હતા, જે પ્રમાણ ૨૦૧૫માં ઘટીને ૧૬ ટકા થયું હતું.

એક અભ્યાસ મુજબ ૧૯૯૫માં ટીનેજરો સરેરાશ ત્રણ કલાક ટીવી જોતા હતા, જે સમય ૨૦૧૫માં ૬.૫ કલાકનો થયો છે. હવે પેરેન્ટસ સાથે રહેનારા ૨૦-૩૪ વયજૂથના યુવાનોની સંખ્યા ૩.૩ મિલિયન થઈ છે, જે ૧૯૯૬ની સરખામણીએ ૨૫ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. 


comments powered by Disqus