લંડનઃ ઘરના વડીલના સલાહસૂચન તમને તો ઉપયોગી બની શકે તેની સાથોસાથ આવી સલાહ આપવાથી તેમને પણ સારું લાગે છે તેમ એક અભ્યાસના તારણો જણાવે છે. ઘરના વડીલ તમને ચા બનાવવા કે મજબૂત હેન્ડશેક કરવા વિશે સલાહ આપે અને સૂચવેલા વિકલ્પ ગમે નહિ છતાં સાંભળશો તો સારું રહેશે. એક અભ્યાસમાં જણાયું છે કે ઘરનાં સભ્યો, મિત્રો, પડોશી અથવા તો અજાણી વ્યક્તિ સુદ્ધાંને પણ સલાહ આપનારી વ્યક્તિને પોતાનું જીવન સાર્થક લાગે છે.
જો વડીલોને પોતાના અનુભવ શેર કરતા અટકાવાય તો તેમને જીવન નિરર્થક લાગે છે અને તેઓ હતાશ થઈ શકે છે. અભ્યાસ મુજબ પાછલી ઉંમરમાં સલાહ આપનારા લોકોને ઘણો લાભ થાય છે, પરંતુ આવી તક મળવી મુશ્કેલ હોય છે.
ટોરન્ટો યુનિવર્સિટીના પ્રો. માર્કસ શેફરે જણાવ્યું કે સલાહ આપવા અને જીવનની સાર્થકતા વચ્ચેનો સંબંધ અન્ય વયજૂથમાં જોવા મળતો નથી. પ્રો. શેફર અને સોશિયોલોજીના ડોક્ટરેટના વિદ્યાર્થીની લૌરા ઉપેનિકને ૨૮૫૩ અમેરિકી પુખ્ત લોકોના સર્વે કર્યો હતો. તેમણે જણાવ્યું કે વડીલોને સલાહકારો તરીકે કેવી રીતે સક્રિય બનાવી શકાય તે અંગે સ્કૂલો, ચર્ચ, સિવિક ઓર્ગેનાઈઝેશન્સ અને અન્ય કોમ્યુનિટી ગ્રૂપ્સે વિચારવું જોઈએ.

