લંડનઃ સ્ટેટફોર્ડ ઓવન અપોન ખાતે આવેલી વિખ્યાત સાહિત્યકાર વિલિયમ શેક્સપિયરની કબરમાંથી તેની ખોપરી ગુમ હોવાની વાતને આખરે વૈજ્ઞાનિક સમર્થન સાંપડ્યું છે. શેક્સપિયરની કબરમાંથી ખોપરી ચોરાઈ ગઇ હોવાની વાત આમ તો છેલ્લા ૧૦૦ વરસથી ચર્ચાતી રહી છે, પણ આ અંગેના નક્કર પુરાવા ન મળતાં ન હતા. જોકે હવે પુરાતત્ત્વશાસ્ત્રીઓએ કબરને નુકસાન ન થાય એ રીતે રડાર સ્કેનિંગ કર્યુ હતું. એક્સ-રે જેવી આ તપાસમાં જાણવા મળ્યું છે કે જગતના મહાનતમ નાટયકારની ખોપરી કબરમાં નથી. કોઈ તેને ચોરી ગયું હોવાની પૂરી શક્યતા છે.
શેક્સપિયરની કબરમાંથી ખોપરી ગુમ હોવાની વાતે ૨૦૧૪ના વર્ષથી વેગ પકડયો હતો. આ પછી આર્કિયોલોજીસ્ટ કેલિન કોલ્સે કબરની તપાસ કરવાનું નક્કી કર્યું હતું. જોકે આ કબર જ્યાં આવેલી છે, એ ટ્રીનીટી ચર્ચે શરૂઆતમાં કબર સાથે કોઈ પણ છેડછાડ કરવાની મનાઈ ફરમાવી હતી. પણ પછીથી કબરને કોઈ નુકસાન ન થાય એ રીતે તપાસની છૂટ આપી હતી. રડાર સ્કેનિંગમાં કબરને કોઈ નુકસાન થતું નથી કે કોઇ જાતનું ખોદકામ પણ કરવું પડતું નથી.
અભ્યાસમાં એ તો ખાતરી થઈ છે કે કબરમાં શેક્સપિયરની ખોપરી નથી. આથી હવે સવાલ એ ઉદ્ભવ્યો છે કે ખોપરી ગઈ ક્યાં? ચોરી કરી હોય તો કોણે અને શા માટે કરી હશે? શેક્સપિયરની કબર અહીં ૪૦૦ વર્ષથી છે. ભૂતકાળમાં પણ ખોપરીની ચોરી અંગે અનેક થિયરીઓ વહેતી થઈ હતી.
૧૫૬૪માં જન્મેલા શેક્સપિયર અંગ્રેજી ભાષાના સર્વાધિક લોકપ્રિય કવિ અને નાટયકાર હતાં. ચાર સદી પછી પણ તેમની લોકપ્રિયતામાં ઉણપ આવી નથી. અંગ્રેજી ભાષાના મહાનત્તમ લેખકોમાં તેની ગણના થાય છે. તેમણે ૩૮ નાટકો, ૧૫૪ સોનેટ, બે લાંબા વર્ણનાત્મક કાવ્યો અને બીજું કેટલુક સાહિત્ય સર્જ્યું છે. ઈંગ્લેન્ડે તેમને રાષ્ટ્રીય કવિનો દરજ્જાથી સન્માનિત કર્યા છે. ૧૯૧૬ની ૨૩મી એપ્રિલે માત્ર ૫૨ વર્ષની વયે તેમનું અવસાન થયુ હતું.
સેલિબ્રિટીના મૃતદેહની ચોરીની પરંપરા
શેક્સપિયર કંઇ પહેલા મહાનુભાવ નથી કે જેમની કબરમાંથી તેમના શરીરનું કોઈ અંગ ચોરી થયું હોય. સેલિબ્રિટીના શરીરના અંગોની ચોરીની પરંપરા જૂની છે. ઈટલીના તાનાશાહ મુસોલીનીનું મગજ કોઈએ કબરમાંથી ચોર્યા પછી ઈબે નામની વેબસાઇટ પર ઓનલાઈન વેચાણ માટે પણ મૂક્યું હતું. જ્યારે ૧૭૯૧માં મૃત્યુ પામેલા
ઓસ્ટ્રિયન કમ્પોઝર વોલ્ફગેંગ મોઝાર્ટની કબરમાંથી કોઇ તેમની ખોપરી કાઢી ગયું હતું. મહાન સેનાપતિ નેપોલિયનના મોત પછી તેમની ઓટોપ્સી વખતે શરીરના કેટલાક અંગો ડોક્ટરે ચોરી લીધા હતા. તો આલ્બર્ટ આઈન્સ્ટાઈનના મોત પછી ડોક્ટરે તેમનું મગજ કાઢી લીધું હતું, જે આજે પણ લેબોરેટરીમાં સચવાયેલું છે. કબરમાં પોઢેલા ગેલિલિયોની આંગળી કાપી લેવાઈ હતી.

