જૂનાગઢઃ હોળીના હાસ્યને માણવું હોય તો જૂનાગઢના પ્રભાતપુરા ગામમાં છેલ્લા ૪૦ વર્ષથી ધૂળેટીના દિવસે ‘રા’નો વરઘોડો નીકળે છે તેને માણવો જોઈએ.
‘રા’ના વરઘોડામાં બે યુવાનો વર અને વહુ બને છે. લગ્નની વિધિ પ્રમાણે વરરાજાનો વરઘોડો નીકળે છે. તેમાં ગામના તમામ લોકો જાનૈયા તરીકે જોડાય છે. વરરાજાને સર્કસના જોકરની જેમ તૈયાર કરીને ગધેડા ઉપર ઊંધો બેસાડાય છે. તેની સાથે ગામના અન્ય યુવાનો રાક્ષસની સેનાની જેમ વેશ ધારણ કરીને ગધેડાની ફરતે નાચતા હોય છે. વરરાજાની પાછળ ચાલતી મહિલાઓ ફટાણાં અને રમૂજી લગ્નગીતો ગાય છે. જાનૈયાઓ માટે બળદગાડાં પણ શણગારાય છે.
વરઘોડો ઘરે ઘરે ફરીને અનાજ અને પૈસા ઉઘરાવે છે. આ પૈસા અને અનાજ અબોલ પશુ-પક્ષીઓ પાછળ ખર્ચાય છે. વરઘોડો ગામમાં ફરીને માંડવે આવે ત્યારે વરરાજાને વિધિસર પોંખાય છે. જયમાલાની વિધિ પછી વરરાજાને ચોરીમાં લઇ જવાય છે અને દુલ્હન બનેલા યુવક અને વર બનેલા યુવકની લગ્નવિધિ થાય છે. સાત ફેરા ફર્યા બાદ બંને વડીલોના આશીર્વાદ પણ લે છે.
આ પ્રથા અંગે ગામના સરપંચ માધવજી ચૌહાણ હોલિકા દહનનો પ્રસંગ વર્ણવતાં કહે છે કે, હોલિકાએ પ્રહલાદને ખોળામાં લઈને તેને બાળી નાંખવાનો પ્રયત્ન કર્યો, પણ તેનું જ દહન થયું. ‘રા’ શબ્દનો અર્થ રાખ થાય છે.
પ્રહલાદ અગ્નિમાં ભસ્મ ન થયો તેથી વધેલી રાખને રાક્ષસોએ ઉછાળી હતી તેવી વાયકાથી આ ‘રા’નો વરઘોડો હોળીએ નીકળે છે. ગામલોક રમૂજી વરઘોડાનો આનંદ લે છે અને અબોલ પશુ પંખી માટે દાન એકઠું થાય છે.
