ધર્મજના નલિનીબહેનની સટન કાઉન્સિલના ડેપ્યુટી મેયર પદે વરણી

Wednesday 29th June 2016 06:35 EDT
 
 

મૂળ ધર્મજના હાલ લંડન સ્થાયી થયેલા નલિનીબહેન પટેલની લંડનની સટન બરોના ડેપ્યુટી મેયર પદે વરણી કરાઇ છે. તેઓ ૨૦૧૪માં સટનમાં યોજાયેલી ચૂંટણીમાં કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા. તેઓ કાર્શલ્ટનમાં રહે છે અને રેથ વોર્ડનું પ્રતિનિધિત્વ કરે છે. માતા-પિતાના અવસાન બાદ અપરિણિત નલિનીબહેન તેમના ભાઈ સાથે સ્થાયી થવા માટે ૨૦૦૩માં લંડન આવ્યા હતા.
શારીરિક તકલીફને લીધે જોબ માટે તેઓ તકલીફ અનુભવતા અને નવા વાતાવરણમાં સેટ થવું પણ ખૂબ અઘરૂં લાગતું હતું. જોકે, ખૂબ જ ટૂંકા ગાળામાં સ્કોલા કોલેજમાં જોડાઈને તેમણે આસિસ્ટન્ટ ઈંગ્લીશ ટીચર તરીકે વોલન્ટરી સેવા આપી હતી. ત્યારબાદ તેઓ સંગમ, યુરો-એશિયા, યુકે એશિયન વિમેન ગ્રૂપ, લાઈબ્રેરી ફ્રેન્ડસ ગ્રૂપ અને બ્રિટિશ પોલિયો ફેલોશિપ સટન બ્રાન્ચ જેવી વિવિધ સંસ્થાઓ સાથે જોડાયા હતા. આ સંસ્થાઓના માધ્યમથી વડીલોને ટ્રાન્સપોર્ટની નવી સુવિધાથી પરિચિત કરીને, ફોર્મ ભરવાની, હોસ્પિટલની એપોઈન્ટમેન્ટ બુક કરવાની સેવા આપતા તેમજ લોકલ એમપીની ઓફિસમાં પણ વોલન્ટરી સેવા આપી હતી.
આ સંસ્થાઓમાં કામ કરતા તેમને ઘણા કાઉન્સિલરોને મળવાની તક પ્રાપ્ત થઈ હતી. એક વખત મજાકમાં તેમણે એક મહિલા કાઉન્સિલર મિત્રએ કહ્યું કે 'તમારે કાઉન્સિલર તરીકે ઉભા રહેવું જોઈએ.' તો તેમણે નલિનીબહેનને કાઉન્સિલરના કામકાજ વિશે વિસ્તૃત સમજ આપી હતી અને અરજીપત્ર ભરવા જણાવ્યું હતું.
તેઓ દિવ્યાંગ અને અલગ મૂળના હોવા છતાં લીબડેમ કાઉન્સિલરો તેમને ખૂબ આદર અને સહકાર આપતા અને તેમના સહકારના લીધે જ નલિનીબહેન માને છે કે તેમને ડેપ્યુટી મેયરનો હોદ્દો મળ્યો છે.


comments powered by Disqus