શ્રીનગરઃ અમદાવાદથી શ્રીનગરના લાલચોકમાં તિરંગો ફરકાવવા ગયેલી ૧૩ વર્ષની તુલીપ સ્કૂલની વિદ્યાર્થિની તન્ઝીમ અને પંજાબમાં આવેલા લુધિયાણા શહેરની ૧૫ વર્ષીય જ્હાનવીને જમ્મુ-કાશ્મીર પોલીસે અધવચ્ચે એરપોર્ટથી જ પાછી વાળી દીધી હતી. તેમના પિતા અને બાકી સાથીદારોને શ્રીનગર એરપોર્ટથી પરત મોકલી દેવાયા હતા. બંને દીકરીઓને પરત મોકલવાનું કારણ કરફ્યુ અને કાશ્મીરની વણસેલી સ્થિતિ જણાવવામાં આવી છે.
જોકે કાશ્મીર પોલીસે તન્ઝીમને વચન આપ્યું છે કે પરિસ્થિતિ કાબૂમાં આવતાં તેઓ સાથે ઝંડો લહેરાવશે. દરમિયાન સ્વતંત્રતા દિવસને લીધે ભાગલાવાદીઓએ પોતાની હડતાળ ૧૮મી ઓગસ્ટ સુધી આગળ ધપાવી છે. ભાગલાવાદી સંગઠનોએ આજથી બે દિવસ સુધી શ્રીનગરમાં લાલચોક સુધી જનમતસંગ્રહ માર્ચ કાઢવાનું એલાન કર્યું છે.

