નવી દિલ્હીઃ દેશમાં તાજેતરમાં સમાજના નબળા વર્ગ પર થઈ રહેલા હુમલાઓનો ઉલ્લેખ કરીને રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ સ્વતંત્રતાની પૂર્વસંધ્યાએ ૧૪મી ઓગસ્ટે હુમલાખોરો સામે સખતાઈથી કામ લેવા અનુરોધ કર્યો હતો. આ સાથે વિશ્વમાં ફેલાયેલા ત્રાસવાદ સામે આખા વિશ્વએ સંગઠિત બનીને સામનો કરવો પડશે તેમ તેમણે કહ્યું હતું. ૧૫ ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને પ્રજાજોગ સંદેશમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ કહ્યું હતું કે, જો આપણે આપણા દેશની મહિલાઓ અને બાળકોને સુરક્ષા અને સલામતી આપવામાં નિષ્ફળ જઈએ તો આપણી જાતને સભ્યસમાજ તરીકેની ઓળખ આપવી જોઈએ નહીં. જીએસટી બિલ પસાર થયું તે આપણી પરિપક્વ લોકશાહીનો પુરાવો છે તમામ રાજકીય પક્ષોએ એકતા અને સંગઠનનું પ્રદર્શન કરીને લોકતંત્રનાં જતન માટેની તત્પરતા દર્શાવી છે.
વિદેશનીતિ સહઅસ્તિત્વની
ભારતની વિદેશનીતિ હંમેશાં શાંતિપૂર્ણ સહઅસ્તિત્વની રહી છે. આર્થિક વિકાસ માટે નવી નવી ટેક્નોલોજીનો તેમજ સંસાધનોનો આવિષ્કાર જરૂરી છે. તમામ દેશો સાથે પરસ્પર લાભ અને મૂલ્યોનું આદાનપ્રદાન કરીને આપણે નવા સંબંધો બાંધવાની પ્રક્રિયા અપનાવી રહ્યા છીએ. આપણા સૌનો ફક્ત એક જ મંત્ર હોવો જોઈએ. શાંતિ. શાંતિ. શાંતિ
લોકશાહીના ચાર સ્તંભ મુખર્જીએ કહ્યું કે, આપણી લોકશાહીના મુખ્ય ચાર સ્તંભ ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારો છે જેનું આપણે જતન કરવાનું છે. આપણે દેશમાં જ્યારે સ્માર્ટ સિટી, ટાઉન અને વિલેજીસનું નિર્માણ કરતાં હોઈએ ત્યારે તે માનવીય, હાઈટેક અને આનંદમય હોય તેની તકેદારી રાખવી જરૂરી છે
ત્રાસવાદ સામે સંગઠિત બનો તેમણે કહ્યું હતું કે, આખા વિશ્વમાં ત્રાસવાદી પ્રવૃત્તિઓનો વ્યાપ બેફામ રીતે વધી રહ્યો છે, ધર્મનાં નામે લોકોમાં કટ્ટરવાદનાં ઊંડાં મૂળ રોપાઈ રહ્યાં છે. આ પરિબળો સામે બિનશરતી અને સંગઠિત થઈને લડવાનો સમય થઈ ગયો છે.
સદ્ધર ભારતનું નિર્માણ
આપણે એવા ભારતનું નિર્માણ કરવાનું છે જેમાં દેશના ૬૦ કરોડ યુવાનો આર્થિક રીતે સદ્ધર બને. આપણે ડિજિટલ ભારત, સ્ટાર્ટઅપ ભારત અને એક કુશળ ભારતનું નિર્માણ કરવાનું છે. બે વર્ષના દુકાળ છતાં આપણે ફુગાવાના દરને ૬ ટકા કરતાં નીચો રાખી શક્યા અને કૃષિઉત્પાદન વધ્યું છે જે આપણી સિદ્ધિ છે.

