સન ૧૯૫૦માં શાસ્ત્રીજી મહારાજે શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસ એટલે કે પ્રમુખસ્વામી મહારાજને માત્ર ૨૮ વર્ષની ઉંમરે સંસ્થાના પ્રમુખપદે નિયુક્ત કર્યા ત્યારે કેટલાકના અંતરમાં દ્વેષની જ્વાળાઓ ભડકતી થઈ હતી. ૧૯૫૪માં દ્વેષમાં બળી રહેલી એક વ્યક્તિએ પ્રમુખસ્વામીને ઝેર આપવાનો પ્રયત્ન કર્યો હતો. તેમના મુખ સુધી આવી ગયેલું ઝેર શરીરમાં પહોંચે તે પહેલાં જ વાત ફૂટી ગઈ અને તેમની રક્ષા થઈ. સંસ્થાના પ્રમુખ તરીકે પ્રમુખસ્વામીએ ધાર્યું હોત તો તે વ્યક્તિની હકાલપટ્ટી કરી શક્યા હોત. પરંતુ એવું ન કરતાં તેને ક્ષમા આપીને તેમને જિંદગીભર સંસ્થામાં નિભાવ્યા. આ પ્રસંગના સાક્ષી એવા એક-બે અગ્રણી ટ્રસ્ટી અને એક સંતને પ્રમુખસ્વામીએ એ જ વખતે હાથમાં જળ આપીને આ પ્રસંગની કોઈને પણ જાણ ન થાય તેવો સંકલ્પ કરાવ્યો હતો. સન ૧૯૮૩માં ઝેર આપવાનો પ્રયાસ કરનારા એ માણસનું મોત થયું ત્યારબાદ છેક છ વર્ષે ૧૯૮૯માં એ ઘટનાના સાક્ષી ધર્મજીવન સ્વામીએ સંતોની એક શિબિરમાં આ ઘટનાનો પહેલી વાર ઉલ્લેખ કર્યો ત્યારે પ્રમુખસ્વામી મહારાજની ક્ષમાભાવનાની વાત સામે આવી હતી.

