સારંગપુરઃ પ્રમુખસ્વામી મહારાજના આજીવન અભિગમ શું રહ્યો? બીએપીએસ સંસ્થાના બ્રહ્મવિહારી સ્વામી કહે છે કે તેઓ હંમેશા માનતા કે બીજાના ભલામાં જ આપણું ભલું છે. સ્વામીબાપા સાથેના અનુભવો વર્ણવતાં તેમણે કહ્યું હતું કે, તેમની આ સાહજિકતા જ એમના વ્યક્તિત્વમાં સુવાસ ઉમેરે છે. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની ઓળખાણ તેના ૧૧૦૦થી વધુ મંદિરો, અક્ષરધામ કે આંતરરાષ્ટ્રીય આયોજનોથી નથી, પણ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના વ્યક્તિ વ્યક્તિ સાથે પ્રેમ, ભક્તિ, સચ્ચાઈના સાહજિક સંબંધોથી છે. બહેરિનની ઈન્ટરનેશનલ માતા હોસ્પિટલના વડા ડો. ફૈઝલ ઝીરા પોતાની ઓફિસમાં બે જ ફોટા રાખે છેઃ એક તેમનાં પિતાનો અને બીજો પ્રમુખસ્વામી મહારાજનો. કેમ? કારણ કે તેઓ માને છે, ‘જે પવિત્ર, કુદરતી અને દિવ્ય પ્રેમ સ્વામીશ્રીમાંથી સ્ફૂરે છે તે મને મારાં મા-બાપ, કુટુંબ, મિત્રો.. મારા ચારે બાજુના તમામ લોકો સાથેના સાચા અને સાહજિક સંબંધો ટકાવે છે!’ પૂ. પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં સૌ કોઈ પોતપોતાના ભેદભાવ ભૂલીને નાત-જાત, ઊંચનીચ, દેશ-પરદેશથી, દેહથી પર થઈને દિવ્ય સુખનો અનુભવ કરે છે. તેઓ કહેતા કે કોઈ પણ પરિવાર, મંડળ કે સંસ્થા તેમાં રહેતા સભ્યોથી બને છે, માટે કુટુંબનું બળ કે સંસ્થાની કિંમત તેની સંખ્યા કે વ્યાપથી નથી અંકાતી. અંદરોઅંદર સંપ અને સંબંધોથી મૂલ્યાંકન થાય છે. સાચા સંતનું જીવન નિઃસ્વાર્થ, નદીના જેવું નિર્મળ હોય છે.
પ્રમુખસ્વામી મહારાજના નામે પાંચ વિક્રમ
• વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર - અક્ષરધામ દિલ્હી
• ૧૦૦૦ વધુ મંદિર નિર્માણનો રેકોર્ડ
• ભારત બહાર સૌથી મોટા હિન્દુ મંદિરનું નિર્માણઃ એટલાન્ટા-યુએસ
• વિશ્વનો સૌથી મોટો અન્નકુટોત્સવઃ નિસ્ડન મંદિર-લંડન
• વિશ્વના સૌથી વધુ ૨૦ પ્રભાવશાળી વ્યક્તિમાં સ્થાન

