મહાનુભાવોના શોકસંદેશ

Wednesday 17th August 2016 07:45 EDT
 
 

• માનવમનની અંદર કોઈક પ્રકારનો ખાલીપો છે તે સંજોગોમાં આજના યુગમાં ધાર્મિક પ્રણાલિકાઓ ખૂબ અનિવાર્ય છે. આપણા મહાન સંતોએ પોતાનાં ઉદાહરણ દ્વારા સંતોષ, સહિષ્ણુતા અને નિઃસ્વાર્થ સેવાની આપણે પ્રેરણા આપી છે. પ્રવર્તમાન યુગમાં તેનું ઉત્તમ ઉદાહરણ છે પ્રમુખસ્વામી મહારાજ. - દલાઈ લામા, ધર્મગુરુ
• પ્રમુખસ્વામી મહારાજમાં મેં હંમેશાં અતિશાય સાદાઈ, આચરણની વિનમ્રતા અને અહશૂન્યતાના દર્શન કર્યા હતા. - ચિદાનંદ સરસ્વતી
• આધ્યાત્મિક પ્રગતિ તો જેની પાસે ભગવાન હોય એવા મહાપુરુષના સંબંધથી જ સાધી શકાય! પ્રમુખસ્વામી મહારાજ એવા મહાપુરુષ છે. - સ્વામી ચિન્મયાનંદજી
• પ્રમુખસ્વામી મહારાજમાં મેં જે એક મૈત્રીનો ભાવ જોયો તે જોઈ મને લાગ્યું કે, આવું વાતાવરણ આખા દેશમાં ફેલાઈ જાય તો બધી જ સાંપ્રદાયિક સમસ્યાઓનું મોટું સમાધાન થઈ શકે. તેમણે ત્યાગ કર્યો છે. તપશ્ચર્યા કરી છે. - આચાર્ય મહાપ્રજ્ઞજી
• પ્રમુખસ્વામી મહારાજ અક્ષરધામવાસી થયા તે સમાચાર મળ્યા. પૂજ્ય બાપાએ જીવન દરમિયાન સેવાકીય ક્ષેત્રોમાં બહુ મોટું પ્રભુકાર્ય કર્યુ છે. તેમના નિર્વાણને મારા પ્રણામ અને હૃદયની શ્રદ્ધાંજલિ. અન્ય સૌને મારી દિલસોજી. - મોરારિબાપુ
• પ્રમુખસ્વામીએ વિશ્વને માનવતા, શાંતિ અને ભાઈચારાનો સંદેશો આપ્યો છે. વિશ્વના અનેક દેશોમાં તેમણે કરોડો લોકોને હિંદુ સંસ્કૃતિનો પરિચય કરાવ્યો હતો. - સાધુ માધવપ્રિયદાસજી, એસજીવીપી-છારોડી
• પ્રમુખસ્વામી મહારાજના જીવન અને બોધમાં મને ભક્તિપૂર્ણ સૌંદર્ય નીરખવા મળ્યું છે. ભારત અને વિશ્વભરમાં સુસંગતા પ્રસરાવવા માટેના તેમના અવિરત કાર્યમાં મને તે સૌંદર્ય દેખાય છે સૌને આવકારીને બદલો લેવાની ભાવનાનો ઇન્કાર કર્યો છે તે જ તેમનું આત્મિક સૌંદર્ય છે. - ડો. સેવન વિલિયમ્સ, આર્કબિશપ ઓફ કેન્ટબરી-ઇંગ્લેન્ડ
• પ્રમુખસ્વામી મહારાજે સમાજની અંદર વ્યાપેલા દુર્ગુણોને નાશ કરવાનું કાર્ય કર્યું છે. તેમણે પ્રજાને વ્યસનમુકિતનો માર્ગ બતાવી સમાજની ભૂલી શકાય તેવી સેવા કરી છે. - સોનિયા ગાંધી, અધ્યક્ષ, કોંગ્રેસ
• ભારતીય સંસ્કૃતિના ગૌરવમૂર્તિ સમાન સંત પ્રમુખસ્વામી મહારાજના નિધનથી પૂરી ન શકાય તેવી ખોટ પડી છે. તેમણે આધ્યાત્મિક ચેતનાને પ્રજ્જવલિત રાખવા જીવન અર્પિત કર્યુ હતું. - ઓ. પી. કોહલી, ગવર્નર
• પ્રમુખસ્વામી મહારાજના નિધનથી કદી ન પુરાય તેવી ખોટ પડી છે. ગુજરાતને બાપાની ખોટ સાલશે. - વિજય રૂપાણી, મુખ્ય પ્રધાન

• પ્રમુખસ્વામી સાચા સંત હતા અને સહુનું કલ્યાણ ઇચ્છતા હતા. પ્રમુખસ્વામીએ વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિનો ફેલાવો કર્યો અને લાખો લોકોને વ્યસનમુક્ત કર્યા. તેઓની ચિરવિદાય ભારતને માટે આઘાતજનક છે. - કૃષ્ણકાંત વખારીઆ અને વિષ્ણુ પંડ્યા, વિશ્વ ગુજરાતી સમાજ
• પ્રમુખસ્વામીના બ્રહ્મલીન થવાથી સમગ્ર માનવજાતને મોટું નુકસાન થયું છે. તેઓ એક એવા પ્રખર સંત હતા જેમણે પોતાની ફિલોસોફીથી વિશ્વને એકસૂત્રે બાંધ્યું હતું. - અરવિંદ કેજરીવાલ, મુખ્ય પ્રધાન, દિલ્હી
• કરોડો અનુયાયીઓના જીવન ઘડતરમાં માર્ગદર્શન આપનાર સ્વામીજી બ્રહ્મલીન થયાના સમાચાર આંચકાજનક છે. તેમણે કરોડો ભક્તોને જીવનનો નવો માર્ગ ચિંધ્યો હતો. - ભરતસિંહ સોલંકી, પ્રમુખ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ
• શિક્ષણ, આરોગ્ય અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં હજારો સંતોને દિક્ષિત કરીને માનવ મૂલ્યોનું જતન કર્યુ હતું. સમગ્ર જીવન સંતત્વમાં વ્યતિત કર્યુ હતું. - શંકરસિંહ વાઘેલા, વિધાનસભામાં વિપક્ષના નેતા
• પ્રમુખસ્વામીના અક્ષરધામગમનથી સમગ્ર વિશ્વએ મહાન આધ્યાત્મિક પથદર્શક ગુમાવ્યા છે. પ્રમુખસ્વામી મહારાજે આજીવન માનવજાતના કલ્યાણ માટે કાર્ય કર્યુ હતું. - હાર્દિક પટેલ, ‘પાસ’ કન્વિનર


comments powered by Disqus