લંડનઃ અમદાવાદઃ ગુરુપૂર્ણિમાનો પ્રમુખસ્વામી મહારાજ અને તેમના ગુરૂ શાસ્ત્રીજી મહારાજનો કિસ્સો જાણીતો છે. શાસ્ત્રીજી તેમના નારણ'દાને યાદ કરે છે તેવું માલૂમ થતા પ્રમુખસ્વામી મહારાજ મૂશળધાર વરસાદમાં ટ્રેનના ડબા પર લટકીને ગુરુજીને મળવા સારંગપુર પહોંચ્યા હતા. શાસ્ત્રીજી સારંગપુરમાં માંદગીની સારવાર લઈ રહ્યા હતા ત્યારે નારણ'દાને યાદ કર્યા છેલ્લે બોલ્યા કે, તે આવીને ભક્તચિંતામણિ સંભળાવે તો સારું થઈ જાય. વાતની જાણ થતા તેમણે મનોમન નક્કી કરી લીધું કે ગમે તે થાય મારે ગુરુજી પાસે પહોંચવું છે. ભારે વરસાદમાં વડોદરા સ્ટેશને સૌરાષ્ટ્ર મેલ આવી, પણ દરવાજા બંધ હતા. સ્વામી ટ્રેનના ફૂટબોર્ડ પર લટકી ગયા અને મુસાફરી કરી. ઝાપટાં પલાળતા હતા, શરીર ધ્રુજાવી નાખે તેવો ઠંડો પવન વાતો હતો. અમદાવાદ આવ્યા ત્યારે ખબર પડી કે, લાઈન તૂટવાથી ધંધુકા મેલ રદ થઈ છે. આથી વિરમગામ થઈને જતી ટ્રેનમાં બેસીને તે બોટાદ પહોંચ્યા હતા. ત્યાં પૂર આવ્યું હતું. તેમણે પાણી કાદવ ખૂંદીને ચાલતા સારંગપુર પહોંચી સીધા શાસ્ત્રીજી પાસે ગયા. શાસ્ત્રીજીએ પુછ્યું કે, કેવી રીતે આવ્યો? તો તેમણે જવાબ આપ્યો, ગુરુજી આપની આજ્ઞા હતી એટલે અવાયું!

