સ્વરાજને સુરાજમાં પરિવર્તિત કરવાની જવાબદારી આપણી છેઃ વડા પ્રધાન મોદી

Wednesday 17th August 2016 06:55 EDT
 
 

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના ૭૦મા સ્વતંત્રતા દિને લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. મોદીએ સ્વરાજ્ય અને સ્વતંત્રતા કાજે પોતાનું જીવન સમર્પિત કરનાર મહાત્મા ગાંધી, સરદાર પટેલ, પંડિત જવાહરલાલ નેહરુ તથા અનેક સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, હવે ૧૨૫ કરોડ ભારતીયો સ્વરાજ્યથી “સુરાજ”ની સફર ખેડશે. સ્વરાજને સુરાજમાં ફેરવવાની જવાબદારી મારી તમારી આપણી છે.
મોદીએ કહ્યું હતું કે, તેઓ સરકારની કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવા ઇચ્છતાં નથી, પણ તેની કામ કરવાની શૈલી, અભિગમ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર મુખ્ય હોસ્પિટલોમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન, આવકવેરાના રિફંડમાં ત્વરિતતા, પાસપોર્ટ ડિલિવરીની પ્રક્રિયામાં ઝડપ, કંપનીનું ઝડપી રજિસ્ટ્રેશન તથા સરકારમાં ગ્રૂપ સી અને ડી પોઝિશન માટે ઇન્ટરવ્યુ પ્રક્રિયાનો અંત લાવીને સુરાજ તરફ અગ્રેસર છે. શાસનના આવશ્યક ક્ષેત્રોમાં કામગીરી કરવાની ઝડપ કેવી રીતે વધી છે તેના વિશે તેમણે ગ્રામીણ માર્ગોનું નિર્માણ, નવીનીકરણ ઊર્જાના ઉત્પાદનની ક્ષમતા, ટ્રાન્સમિશન લાઇન પાથરવી અને રાંધણ ગેસ કનેક્શન વગેરે ઉદાહરણ આપ્યા હતા.
 મોદીએ ચોક્કસ ક્ષેત્રોમાં કામગીરી કેવી રીતે ઝડપથી આગળ વધી રહી છે તેના વિશે પણ વાત કરી હતી, જેમ કે જન ધન યોજના હેઠળ ૨૧ કરોડ બેંક ખાતાઓ ખોલવા, ગ્રામીણ વિસ્તારોમાં ૨ કરોડ શૌચાલયોનું નિર્માણ અને ટૂંકા ગાળાંમાં વીજળીની સુવિધાથી વંચિત ૧૦૦૦૦ ગામોને વીજળીની સુવિધા પૂરી પાડવી.
 એલઇડી બલ્બોનો વિષયે મોદીએ કહ્યું કે, સામાન્ય માણસ એલઇડીનો ઉપયોગ કરે એ માટે તેની કિંમત નોંધપાત્ર રીતે ઘટાડવામાં આવી છે. એલઇડી બલ્બોના વ્યાપક ઉપયોગથી વીજળીની મોટી બચત થશે.
સતત બે વર્ષ દુષ્કાળ પડવા છતાં અનાજના પર્યાપ્ત ઉત્પાદનની સુનિશ્ચિતતા કરવા તેમણે ખેડૂતોની પ્રશંસા કરી હતી.
વડા પ્રધાને અસરકારક રીતે કામગીરીનો ચિતાર આપતા શેરડીના એરિઅર્સની મંજૂરી, એલપીજીના નવા કનેક્શન્સ તથા એર ઇન્ડિયા અને બીએસએનએલ જેવી સરકારી કંપનીઓએ કાર્યકારી નફો નોંધાવ્યા છે વગેરે બાબતોનો ઉલ્લેખ કર્યો હતો. મોદીએ જણાવ્યું હતું કે, સરકારે મહિલાઓના કલ્યાણ માટે સંપૂર્ણ, સંકલિત અભિગમ હાથ ધર્યો છે, જેમાં બેટી બચાવો, બેટી પઢાઓ, સુકન્યા સમૃદ્ધિ યોજના અને ઉજ્જવલ યોજના જેવી યોજનાઓ સામેલ છે, જેનો ઉદ્દેશ મહિલાઓની શારીરિક, શૈક્ષણિક અને નાણાકીય સુખાકારી સુનિશ્ચિત કરવાનો છે. સરકારની વિવિધ પહેલો અને કાર્યક્રમો યુવા પેઢી માટે રોજગારી સાથે તેમણે જણાવ્યું હતું કે, મોડેલ શોપ અને સંસ્થા ધારો દરરોજ ૨૪ કલાક દુકાનો ખોલવાની સુવિધા આપશે.
મોદીએ કેટલીક નવી પહેલોની જાહેરાત પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે, સ્વતંત્રતા સેનાનીઓનું પેન્શન દર મહિને રૂ. ૨૫૦૦૦થી વધીને રૂ. ૩૦૦૦૦ થશે. સરકાર સમગ્ર દેશમાં આદિવાસી સ્વતંત્રતા સેનાઓના સંગ્રહાલયો અને સ્મારકો ઊભા કરવા માટે કામ કરશે. સરકાર ગરીબોને હોસ્પિટલમાં ભરતી થઈને સારવાર મેળવવા માટેનો ખર્ચ પૂર્ણ કરવા રૂ. એક લાખ સુધીની સહાય આપશે. વડા પ્રધાને આતંકવાદીઓને શહીદ ગણાવવાના પ્રયાસો કરતાં લોકોની આકરાં શબ્દોમાં ટીકા કરી હતી અને દેશવાસીઓને દેશને આગળ લઈ જવા, દેશની પ્રગતિ કરવા કામ કરવાની અપીલ કરી હતી.


comments powered by Disqus