આણંદઃ પ્રમુખસ્વામીજીએ જ્યાંથી બીએપીએસ સંસ્થાની શરૂઆત કરી તે બોચાસણમાં સ્વામી બ્રહ્મલીન થયાના સમાચાર મળતાં ગામમાં બંધ જેવો માહોલ હતો. સ્વામી બ્રહ્મલીન થયાના સમાચાર મળતાં જ મંદિરના કોઠારી સહિત તમામ હરિભક્તો ૧૩મીએ રાત્રે જ સારંગપુર જવા રવાના થયા હતા.
સ્વામીજી બાંકડે પણ સૂઈ જતા
પ્રમુખસ્વામી મહારાજ ધર્મના પ્રચાર માટેની સભાઓ અને લોકોને વ્યસન મુક્તિનો સંકલ્પ અપાવવા માટે સતત પરિભ્રમણ કરતા રહેતા હતા. કેટલીકવાર તો બહાર ભોજનની પણ ફરજ પડતી હતી. આ બધા કાર્યોને કારણે તેમને બોચાસણના મંદિરે પહોંચવામાં ઘણીવાર મોડું થઈ જતું. આવા સમયે મંદિરના દ્વાર બંધ થઈ ગયા હોય તો સ્વામીબાપા દ્વાર ખખડાવીને કોઈને જગાડવા કરતાં પોતે મંદિરની બહાર બાંકડા પર સૂઈ જતા હતા. સવારે મંદિર ખૂલે પછી તેઓ મંદિરમાં આવે અને દૈનિક ક્રિયાઓનો આરંભ કરતા હતા.
એકાઉન્ટમાં માસ્ટર બ્લાસ્ટર
બોચાસણ મંદિરના હરિભક્ત સુરેશભાઈએ જણાવ્યું હતું કે, પ્રમુખસ્વામી બાપા માત્ર ૬ ચોપડી જ ભણેલા હોવા છતાં એકાઉન્ટમાં માસ્ટર હતા અને મંદિરના હિસાબોમાં આવતી નાનામાં નાની ભૂલો પણ એક ઝાટકે પકડી પાડતા હતા. જોકે કોઈથી ભૂલ થઈ હોય તો તેને ખખડાવાની જગ્યાએ પ્રેમથી સમજાવતા હતા.

