ઈશરત જહાં તોઇબાની આત્મઘાતી આતંકવાદી હતીઃ હેડલી

Wednesday 17th February 2016 05:22 EST
 
અમદાવાદમાં ૨૦૦૪માં પોલીસ અથડાણ દરમિયાન ઠાર મરાયેલા ઇશરત જહાં (ઇનસેટ) સહિતના ચાર આતંકીઓના મૃતદેહ
 

અમદાવાદઃ શહેરમાં ૨૦૦૪માં ઈશરત જહાં અને સાથીદારોનું એન્કાઉન્ટર થયેલું જ પછીના વર્ષોમાં ચર્ચાસ્પદ બન્યું હતું. ગુજરાત પોલીસના અસંખ્ય અધિકારીઓ આ એન્કાઉન્ટ બાબતે જેલમાં ગયા પછી છૂટ્યા છે. આખોય મામલો રાજકીય આક્ષેપો પ્રતિ આક્ષેપોનો થયો હતો. પાકિસ્તાની-અમેરિકા આતંકવાદી ડેવિડ હેડલીએ જુબાનીમાં ઈશરતને તોયબાની આત્મઘાતી આતંકવાદી ગણાવી છે.
આવા ઘટસ્ફોટથી ગુજરાતની ભાજપ સરકાર ખુશ થઈ છે અને ગૃહ પ્રધાન રજનીકાંત પટેલે ખુલાસાને આવકાર્યો છે પણ એ એન્કાઉન્ટ માટે આરોપી ઠરેલા ગુજરાતના ભૂતપૂર્વ પોલીસ અધિકારીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે અમારે હેડલી પાસેથી સર્ટિફિકેટ મેળવવાની જરૂર રહેતી નથી! આમ એક બાજુ ગુજરાત સરકાર હેડલીના નિવેદનને પ્રમાણપત્ર તરીકે બિરદાવે છે પણ ગુજરાતના જ પૂર્વ પોલીસ અધિકારી સોઈ ઝાટકીને કહે છે કે આવા પ્રમાણપત્રની અમારે જરૂર નથી.
ઈશરત કેસમાં પાકિસ્તાની-અમેરિકન આતંકવાદી ડેવિડ હેડલીએ જુબાની આપ્યા બાદ ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી અને ઈશરત કેસમાં જામીન પર છૂટ્યા બાદ મુંબઈમાં રહેતા ગુજરાત પોલીસના ભૂતપૂર્વ પોલીસ વડા ડી. જી. વણઝારાએ જણાવ્યું હતું કે અમારે કોઈ હેડલી પાસેથી સર્ટિફિકેટ લેવાની જરૂર નથી.
ડી. જી. વણઝારાએ બારમી ફેબ્રુઆરીએ મુંબઈમાં મરાઠી પત્રકાર સંઘમાં પત્રકારો સાથે આ વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે ઈશરત બનાવટી એન્કાઉન્ટર કેસમાં લાંબા સમય સુધી જેલમાં રહ્યા બાદ કોર્ટે વણઝારાને ગુજરાતમાં પ્રવેશ ન કરવાના શરતી જામીન આપ્યા બાદથી એ મુંબઈમાં રહે છે. આ સમયે વણઝારાએ એમ પણ કહ્યું હતું કે ૨૦૦૪માં અસલી એન્કાઉન્ટરને નકલી ઠેરવી દેવાયું હતું. ગુજરાત પોલીસ કાવતરાંનો ભોગ બનતા અનેક અધિકારીઓએ જેલમાં જવું પડ્યું હતું. અનેક રાજ્યોમાં આવા એન્કાઉન્ટ થાય છે પણ ગુજરાતને નિશાન બનાવાયું હતું.
વણઝારાએ ઉમેર્યું હતું કે ઈશરતના પરિવારનો પોતાનો પક્ષ રજૂ કરવાનો અધિકારી હોવાનું હેડલીએ કહ્યું છે. જ્યારે ક્રોસ ફાયર થાય છે ત્યારે પોલીસ આરોપીની ધરપકડ કરે એવી સ્થિતિમાં ન હોય ત્યારે એન્કાઉન્ટર થાય છે. ગુજરાત સરકારને ખબર જ હતી કે ઈશરત સુસાઈડ બોમ્બર હતી. એના મૃત્યુ બાદ લશ્કરે તોયબાના મુખપત્રમાં એની શ્રદ્ધાંજલિ છપાઈ હતી.
ગૃહ પ્રધાન રજની પટેલે જણાવ્યું હતું કે હેડલીએ આપેલી જુબાનીથી ઈશરત ત્રાસવાદી હતી તે સાબિત થાય છે. ગુજરાત પોલીસે તમામ પ્રકારના ત્રાસવાદી કૃત્યો દબાવી દીધા છે અને તે દિશામાં કામ ચાલુ રાખથશે.
ભાજપના નેતા વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ઈશરત એન્કાઉન્ટર મુદ્દે કોંગ્રેસે વડા પ્રધાનની છબી ખરડવાનો પ્રયાસ કર્યો હતો અને જણાવ્યું હતું કે જ્યારે મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન અને અમિત શાહ ગૃહ પ્રધાન હતા ત્યારે તેમણે ત્રાસવાદને રોકવા મક્કમ પગલાં લીધા હતા અને કોંગ્રેસ ઈશરત જહાંના એન્કાઉન્ટરના મુદ્દાને રાજકીય બનાવ્યો હતો.
ઈશરત આતંકવાદી નહોતીઃ પરિવાર
ઈશરતના પરિવારના સભ્યો અને તેમના વકીલે હેડલીના નિવેદનનો વિરોધ કરીને જણાવ્યું હતું કે ઈશરતના નામનો કેટલાક મોટા માથે માટે ઉપયોગ થઈ રહ્યો છે. ઈશરતની બહેન મુસરત અને વકીલ વૃંદા ગ્રોવરે ઈશરતને ત્રાસવાદ સાથે કોઈ સંબંધ નહોતો. સુનાવણી દરમિયાન સરકારી વકીલ ઉજ્જવલ નિકમે હેડલીને મુંબઈ હુમલાને સંબંધ ન હોય તેમ પ્રશ્નો પૂછીને રાજકીય ચાલ રમી હોવાનો આક્ષેપ કર્યો હતો.
કોંગ્રેસ માફી માગેઃ ભાજપ
ભાજપે કોંગ્રેસ પાસે માગ કરી છે કે ઈશરત એન્કાઉન્ટરમાં મોદીને નિશાન બનાવવા બદલ કોંગ્રેસ માફી માગે. ૨૦૦૪માં ગુજરાતમાં એન્કાઉન્ટરમાં મૃત્યુ પામેલી ઈશરત જહાં લશ્કરે તોયબાની આતંકવાદી હતી તેવી જુબાની હેડલીએ આપ્યા પછી ભાજપ અને કોંગ્રેસે એકબીજા સામે પ્રહારો કર્યા છે. હેડલીના નિવેદન પછી ભાજપે માગ કરી છે કે રાષ્ટ્રીય સુરક્ષા માટે ઈશરતની કરાયેલી હત્યા માટે નરેન્દ્ર મોદીને નિશાન બનાવવા બદલ કોંગ્રેસ માફી માગે. માફીની માગ ફગાવતાં કોંગ્રેસે કહ્યું હતું કે હેડલીના નિવેદનથી ઈશરતનું એકાઉન્ટર સાચું સાબિત થતું નથી.
ભાજપે આક્ષેપ કર્યો છે કે મોદી વિરુદ્ધના વેરભાવને કારણે કોંગ્રેસ ઈશરતના એન્કાઉન્ટરને રાજકીય સ્વરૂપ આપ્યું હતુ. જો કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને ઉપપ્રમુખ રાહુલ ગાંધીમાં કોઈ શરમ બાકી હોય તો તેમણે દેશની માંગવી જ જોઈએ.
ભાજપ સચિવ શ્રીકાંત શર્માએ જણાવ્યું હતું કે યુપીએ સરકારે પોતાનો જીવ જોખમમાં મૂકીને આતંકવાદીઓ સામે લડનારા પોલીસકર્મીઓને જેલમાં ધકેલી દીધ હતા અને સીબીઆઈ તથા આઈબી જેવી સુરક્ષા એજન્સીઓનો પણ રાજકીય લાભ માટે ઉપયોગ કર્યો હતો.
સોનિયા ગાંધી દેશની માફી માંગે તેવી ભાજપની માંગને ફગાવી દેતાં કોંગ્રેસે જણાવ્યું હતું કે મૂળ પ્રશ્ન એ છે કે ઈશરત અને સાથીની નકલી એન્કાઉન્ટરમાં હત્યા કરવામાં આવી હતી કે નહીં? હેડલીના નિવેદનથી પૂરવાર થઈ જતું નથી કે નકલી એન્કાઉન્ટર યોગ્ય હતું.
એ તો પાકિસ્તાનનું નાટક હતુંઃ હેડલી
અમેરિકાથી મુંબઇની સ્પેશ્યલ કોર્ટ સમક્ષ વીડિયો કોન્ફરન્સિંગથી હાજર કરાયેલો ૨૬/૧૧ના આતંકવાદી ડેવિડ હેડલી એક પછી એક હુમલાની વિગતો આપી રહ્યો છે. તાજના સાક્ષી તરીકે જુબાની નોંધાવતાં તેણે ૧૪મી ફેબ્રુઆરીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાની એજન્સી અને ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એફડીએ)એ ૨૬/૧૧ના હુમલા બાદ કરેલી તપાસ માત્ર દેખાડો હતો અને લશ્કરે તોઇબા અને અલ કાઇદાના કમાન્ડરોને ખાતરી હતી કે જેમની સામે તપાસ થઇ રહી છે તેમને કંઇ જ નહીં થાય કે તેમની ધરપકડ પણ ફેડરલ એજન્સી કરશે નહીં.
ડેવિડ હેડલીએ ચોક્કસ દસ્તાવેજી પુરાવાને આધારે જુબાની નોંધાવી હતી. વિવિધ ઇ-મેઇલો પ્રત્યે તેનું ધ્યાન દોરાયું હતું. આ ઇ-મેઇલો કોડ ભાષામાં હોવાથી તેણે એ અંગે કહ્યું કે ઇમેઇલમાં હતું કે હાફિઝ સઇદ તેમજ ઝાકિઉર રહેમાન લખવીને કંઇ થશે નહીં.


comments powered by Disqus