કન્હૈયા કુમારઃ સામાન્ય પરિવારનો તેજસ્વી યુવાન

Wednesday 17th February 2016 05:18 EST
 
 

નવી દિલ્હીઃ જેએનયુના કેટલાંક વિદ્યાર્થીઓ સામે દેશદ્રોહનો કેસ દાખલ થવાનો વિવાદ હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ, ડાબેરીઓ પછી હવે મહાગઠબંધને પણ આ વિવાદમાં ઝુકાવ્યું છે. આ સમગ્ર વિવાદના કેન્દ્રમાં રહેલો કન્હૈયા કુમાર અચાનક લાઈમલાઈટમાં આવી ગયો છે. સંસદ પર હુમલાના કેસમાં ફાંસીની સજા પામેલા અફઝલ ગુરુનું સમર્થન કરવાનો આરોપ ધરાવતો કન્હૈયા કુમાર આગામી દિવસોમાં નવો રાજકીય ચહેરો બની શકે છે. તેની સામે નોંધાયેલા રાષ્ટ્રદ્રોહના કેસ અંગે માતાએ વલોપાત કરતા કહ્યું હતું કે મારા દેશને દેશદ્રોહી ન ગણાવો. તેણે કહ્યું હતું કે મારા દીકરાને રાજકારણના કારણે ફસાવવામાં આવ્યો છે.
જેએનયુ જેવી અતિ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં ઈન્ટરનેશનલ સ્ટડીઝ વિભાગમાં આફ્રિકન સ્ટડીઝ વિષય પર પીએચડી કરી રહેલો ૨૩ વર્ષીય કન્હૈયા કુમાર અત્યંત નિમ્ન મધ્યમ વર્ગીય પારીવારિક બેકગ્રાઉન્ડ ધરાવે છે. બિહારના બેગુસરાય જિલ્લાના બિહટ નામના સાવ નાનકડા ગામના વતની કન્હૈયાની માતા આંગણવાડી કાર્યકર છે અને તેના લકવાગ્રસ્ત પિતા પથારીવશ છે. કાચા મકાનમાં વસતા આ પરિવારનું ગુજરાન માતાના રૂ. ૩૦૦૦ના પગાર ઉપરાંત અન્ય બે ભાઈઓના મજૂરીકામની આવક ઉપર જ ચાલે છે.
બાળપણથી અત્યંત તેજસ્વી કન્હૈયા કુમાર આપબળે શિષ્યવૃત્તિ મેળવીને ભણ્યો છે અને સોશિયલ સ્ટડીઝમાં પટણા યુનિવર્સિટીમાં રેન્કર રહી ચૂક્યો છે. વિદ્યાર્થી અવસ્થાથી જ તે રાજનીતિમાં સક્રિય છે. જેએનયુમાં પ્રવેશ મેળવીને તરત તેણે ડાબેરી વિદ્યાર્થી સંગઠન ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ ફેડરેશનના સંગઠનમાં ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ ફેડરેશનના સંગઠનમાં સક્રિય કામગીરી બજાવી અને પ્રથમ વર્ષે જ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયનમાં ભારે બહુમતીથી વિજય મેળવ્યો હતો.
મંત્રમુગ્ધ કરી દે તેવું ભાષણ કરવામાં માહેર કન્હૈયા બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પણ પ્રચાર કરી ચૂક્યો છે અને હૈદરાબાદના દલિત વિદ્યાર્થી રોહિત વેમુલાની આત્મહત્યા પછી થયેલા આંદોલનમાં પણ સક્રિય હિસ્સો લઈ ચૂક્યો છે. હાલમાં રાષ્ટ્રવિરોધી સૂત્રોચ્ચાર કરવાના આરોપસર જેલમાં રહેલા કન્હૈયા કુમારના બચાવમાં તેની માતા એવું કહે છે કે અમે ગરીબ છીએ માટે મારા દીકરાને ફસાવી દેવાયો છે.


comments powered by Disqus