સરકારી કાગડા બધે કાળા! છ વર્ષ સુધી ઓફિસે ન ગયો છતાં પગાર ચાલુ રહ્યો

Wednesday 17th February 2016 05:48 EST
 

લંડનઃ સ્પેનનો એક સરકારી કર્મચારી છ વર્ષ સુધી નોકરી પર આવ્યો નહોતો. તેમ છતાં આ સમયગાળા દરમિયાન તેને પગાર મળતો રહ્યો, આ અંગે કોઇને ઓફિસમાં જાણ પણ થઈ નહોતી. આનાથી પણ વધુ આશ્ચર્યની વાત તો એ છે કે આ કર્મચારીની ગેરહાજરીનો ખુલાસો ત્યારે થયો જ્યારે વિભાગે તેને લાંબી નોકરી માટે એવોર્ડ આપવાનું નક્કી કર્યું. હકીકત સામે આવતાં તેને ૬૯ યુરોનો દંડ ફટકારાયો છે.
જોકિન ગાર્સિયા નામની આ વ્યક્તિ પોતાના ઉપરીઓ વચ્ચે ફેલાયેલી ગેરસમજનો ફાયદો ઉઠાવીને કામથી ભાગતો રહ્યો. જ્યારે તેના વિભાગે તેની લાંબી નોકરીના માનમાં તેને એવોર્ડ આપવાનું નક્કી કર્યું ત્યારે તેની પૂછપરછ થઈ અને વાસ્તવિકતા સામે આવી.
ગાર્સિયાને નોકરી પર રાખનારા કેડીઝ શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર જ્યોર્જ ફર્નાન્ડિસે કહ્યું કે અમને લાગ્યું કે વોટર કંપની તેને સુપરવાઇઝ કરી રહી હશે, પરંતુ એવું નહોતું. અમને જ્યારે વાસ્તવિકતાનો ખ્યાલ તે સમયે આવ્યો જ્યારે તેને ૨૦ વર્ષની નોકરી માટે સન્માનિત કરવાની વાત કરવામાં આવી. ઓન પેપર જ્યોર્જ ૧૯૯૫થી લઈને ૨૦૧૫ સુધી આ હોદ્દા પર રહ્યો હતો. કોર્ટે ગાર્સિયા પર ૨૭ હજાર યુરોનો દંડ ફટકાર્યો છે. આ રકમ તેમની ૧ વર્ષના પગાર પર લાગતા ટેક્સ બરાબર છે. કહેવાય છે કે તેણે ૨૦૦૭થી લઈને ૨૦૧૦ દરમિયાન ‘કોઈ કામ નથી કર્યું.’ આ દરમિયાન તે ‘ખાલી’ સમયમાં ફિલોસોફીનો અભ્યાસ કરતો રહ્યો.


comments powered by Disqus