વાઇબ્રન્ટ ગુજરાત ૨૦૧૭ઃ ૨૫,૫૭૮ સમજૂતી કરાર

Wednesday 18th January 2017 05:25 EST
 
 

ગાંધીનગરઃ પાટનગરના મહાત્મા મંદીરમાં યોજાયેલી ૮મી વાઈબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટમેન્ટ સમિટમાં વિક્રમજનક સંખ્યામાં ૨૫,૫૭૮ મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડીંગ (એમઓયુ - સમજૂતી કરાર) થયા છે. જે ગત વાઇબ્રન્ટ સમિટ કરતાં ૨૫૦૦ વધુ છે. અલબત્ત, આ વખતે એમઓયુ થકી ગુજરાતમાં આવનારા મૂડીરોકાણનો આંકડો જાહેર કરાયો નથી. ગુજરાત સરકારની ડિફેન્સ એન્ડ એરોસ્પેસ પોલીસી અંતર્ગત રિલાયન્સ ડિફેન્સ સહિતની સાત કંપનીએ ડિફેન્સ અને એરોસ્પેસ સેક્ટરમાં સરકાર સાથે રૂ. ૭૦૦૦ કરોડના એમઓયુ કર્યા છે.
આ પ્રસંગે સંરક્ષણ પ્રધાન મનોહર પર્રિકરે જણાવ્યું હતું કે, આગામી સમયમાં ગુજરાત ડિફેન્સ મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રનું હબ બની શકે છે. ગુજરાતને ૨૦ લાયસન્સ અપાયા છે. ફાઈટર પ્લેન, હેલિકોપ્ટરના ઉત્પાદનમાં ગુજરાતને સારી તક છે.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સમાપન સમારોહને સંબોધતા જણાવ્યું કે, વાઈબ્રન્ટથી ગુજરાતના બ્રાન્ડિંગ સાથે અન્ય દેશો સાથે બોન્ડીંગ પણ થયું છે. તેમણે કહ્યું હતું કે સ્વામી વિવેકાનંદનું સ્વપ્ન હતું કે ભારત માતા જગતજનની બને, હવે તે સ્વપ્ન પૂરું થવા જઈ રહ્યું છે. ગુજરાતના યુવાનો ક્યારેય નોબેલ લોરિયેટ્સને મળ્યા નહોતા. વાઇબ્રન્ટ સમિટ થકી તે શક્ય બન્યું. નવ નોબેલ લોરિએટ્સ અહીં આવ્યા અને સ્કૂલ-કોલેજમાં જઈને યુવાનો, બાળકોને મળ્યા. તેમની પાસેથી પ્રેરણા લઈને આપણા યુવાન નોબેલ લોરિએટ્સ બનીને આવે, તેવી સ્થિતિનું સર્જન થયું છે.
અનેકવિધ ક્ષેત્રે સમજૂતી કરારઃ નીતિન પટેલ
વાઈબ્રન્ટ સમિટના સમાપન સમારોહમાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ત્રણ દિવસ દરમિયાન ૨૫,૫૭૮ એમઓયુ થયા હોવાનું રિપોર્ટકાર્ડ જાહેર કર્યું હતું. જેમાં એમએસએમઇ સેક્ટરમાં ૧૮,૫૩૩, જ્યારે ૧૦૦ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ ધરાવતા સબ લાર્જ સેક્ટરમાં ૫,૯૩૮ અને ૪૦૦૦ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ ધરાવતા બાવન એમઓયુ થયા છે. જેમાં ફાઈનાન્સિયલ સર્વિસ સેક્ટરમાં ૧૨ પાવર, ઓઈલ અને ગેસમાં નવ કરારનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત મૂડીરોકાણ વગર માત્ર ટેકનોલોજી કે અન્ય સાંસ્કૃતિક સહકાર માટે સ્ટ્રેટિજિક પાર્ટનરશિપ માટે ૧૧૦૭ એમઓયુ કરાયા હોવાનું તેમણે ઉમેર્યું હતું. ત્રણ દિવસની સમિટમાં ૭૪,૦૧૦ ડેલિગેટ્સનું રજિસ્ટ્રેશન અને ૨,૭૩૪ ફોરેન ડેલિગેટ્સ આવ્યા હોવાનું પણ નાયબ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.
નોંધનીય છે કે, ૨૦૦૩થી દર બે વર્ષે યોજાતી વાઈબ્રન્ટ સમિટના અને તેના કરારોની સંખ્યાની સાથે સેક્ટરવાઈઝ મૂડીરોકાણ અને રોજગારની તકોના આંકડા જાહેર થતા હોય છે. જોકે આ વખતે તેમ કરવાનું સરકારે ટાળ્યું છે.
‘વાઇબ્રન્ટની જરૂર નહીં રહે’
સંરક્ષણ પ્રધાન મનોહર પર્રિકરે જણાવ્યું હતું કે, હવે આ વાઇબ્રન્ટ ગુજરાત વિકાસનો એક એવો મોટો પ્રતિસાદ બની ચૂક્યો છે કે સંભવતઃ હવે વાઇબ્રન્ટ ગુજરાત કરવાની જરૂર નહીં રહે કારણ કે જેટલી ઝડપથી એમઓયુ સાઇન થયા છે તેને અસરકારકતા અને પારદર્શિતા સાથે કાર્યરત કરવા માટે ખૂબ જ શક્તિની જરૂર પડે છે.
પર્રિકરે જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટનો દિવસ ગુજરાતના લાખો યુવાનો માટે રોજગારીની તકો લઈને આવ્યો છે. વાઇબ્રન્ટ સમિટે સંરક્ષણ ક્ષેત્રને ઔદ્યોગિક સ્વરૂપ આપવામાં એક મોટું ચાલકબળ બન્યું છે.
ગુજરાત સરકાર ઘણા કઠિન પરંતુ લાંબા ગાળે ફાયદાકારક નિર્ણયો લે છે. ગુજરાત ઉત્પાદનકર્તા રાજ્ય હોવાથી તેને જીએસટીના અમલીકરણથી ટૂંકા ગાળા માટે કોઈ લાભ નહીં થાય, પરંતુ લાંબા ગાળે ફાયદો મળશે. આમ છતાં રાજ્ય સરકારે જીએસટીના અમલીકરણનો ત્વરિત નિર્ણય લીધો.
આફ્રિકન ડેવલપમેન્ટ બેન્ક (એએફડીબી)ના સેક્રેટરી વિન્સેન્ટ એહેલે જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ સમિટ વિદેશી રોકાણકારો માટે એક અનોખું પ્લેટફોર્મ બન્યું છે. આફ્રિકન ડેવલપમેન્ટ બેન્કની આવતા મે મહિનામાં યોજાનારી એન્યુઅલ મિટીંગનું યજમાન ગુજરાત બન્યું છે, જે મહાત્મા મંદિરમાં યોજાશે. ઝાયડસ કેડિલાના ચેરમેન પંકજ પટેલે કહ્યું કે, વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત સૌથી ઝડપે વિકસી રહેલું અર્થતંત્ર બન્યું છે. ડિમોનેટાઇઝેશનના કારણે કેટલાક અવરોધ તો આવ્યા છે, પરંતુ તેણે નવી તકો પણ આપી છે, તે સારી બાબત છે. ગુજરાત મેન્યુફેક્ચરિંગ, ટેક્નોલોજી, કેમિકલ-પેટ્રોકેમિકલ, એગ્રો-ફૂડ પ્રોસેસિંગ, ફાર્મા અને હેવી એન્જિનિયરિંગ ક્ષેત્રે લીડર બન્યું છે. ટોરેન્ટ ગ્રૂપના સુધીર મહેતાએ કહ્યું કે અમે સમિટમાં ૧૧ હજાર કરોડ રૂપિયાથી વધુના કરાર કર્યા છે અને ગુજરાત હંમેશા અમારી પ્રાયોરિટીમાં રહેશે.
ગુજરાત શ્રેષ્ઠઃ મુખ્ય પ્રધાન
વાઇબ્રન્ટ સમિટના બીજા દિવસે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વિવિધ દેશોના મહાનુભાવો સાથે વન-ટુ-વન બેઠકો યોજી હતી. જેમાં તેમણે ગુજરાતમાં ઉભરતા જતાં ક્ષેત્રોમાં મૂડીરોકાણની શ્રેષ્ઠ તકો બાબતે વિદેશી મહાનુભાવોને માહિતગાર કર્યા હતા. ગ્લોબલ સીઈઓ સાથેની બેઠકમાં મુખ્ય પ્રધાને સ્માર્ટ સિટી, સ્કીલ ડેવલપમેન્ટ, લઘુ, મધ્યમ કક્ષાના ઉદ્યોગો અને મેન્યુફેકચરિંગ ક્ષેત્રે રોકાણો આકર્ષીને વધુ રોજગારીનું સર્જન કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
યુએસ કોન્સલ જનરલની આગેવાનીમાં ૨૪ સભ્યોના બિઝનેસ ડેલિગેશન સાથે મુખ્ય પ્રધાને બેઠક યોજીને ગુજરાતની નવી નીતિઓ અને ઈન્ફ્રાસ્ટ્રકચર અંગે માહિતી આપી હતી. કેનેડાના પ્રધાન અમરજીત સોહી અને કેનેડાની કંપનીના અધિકારીઓએ પણ મુખ્ય પ્રધાન સાથે બેઠક યોજીને રોકાણ સંદર્ભે ચર્ચા કરી હતી. તો જાપાનના રાજદૂત કેન્ઝી હિરામાત્સુ ૨૬ કંપનીઓના પ્રતિનિધિઓ સાથે મુખ્ય પ્રધાનને મળ્યા હતા.
ધોલેરામાં હેલિકોપ્ટર બનશે
વાઇબ્રન્ટ સમિટમાં ટોચની કંપનીઓએ ગુજરાતમાં રોકાણ માટે રસ દાખવ્યો છે. ફ્રાન્સની ખ્યાતનામ એરબસ કંપનીએ ધોલેરામાં એરોસ્પેસ અને ડિફેન્સ ક્લસ્ટર બનાવવા માટે ધોલેરા સિટી ડેવલપમેન્ટ કંપની સાથે કરાર કર્યા છે. કંપની ધોલેરામાં પ્રથમ તબક્કે હેલિકોપ્ટરનું ઉત્પાદન કરશે. કંપનીએ 'મેક ઇન ઇન્ડિયા'માં સહયોગ સાથે કરાર કર્યા છે. રશિયાની બે કંપનીએ રિલાયન્સ અને એસ્સાર સાથે જામનગરમાં રિફાઇનરી પ્રોજેક્ટ માટે કરાર કર્યા છે. ચીનની કંપની ટાઇસને ૧૭૦૦ કરોડના ફાઇબર ગ્લાસ પ્રોજેક્ટ માટે કરાર કર્યા છે. શીંગશેન કંપનીએ સ્ટેનલેસ સ્ટીલના પ્લાન્ટ માટે ૫૫૦૦ કરોડના કરાર કર્યા છે તેઓ આઠ હજાર રોજગારી આપશે.
જાપાનના પ્રધાનના નેતૃત્વ હેઠળના ડેલિગેશને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં કરાર કર્યા હતા. તેમણે ગુજરાતમાં કાર્યરત જાપાની કંપનીઓને સપોર્ટ મળે તે માટે ટાઉનશિપ સહિતની સુવિધાઓ ઉભી કરવાની પ્રપોઝલ મૂકી છે. જ્યારે રાજુ એન્જિનિયર્સ નામની કંપનીએ રાજકોટમાં બીટી પાર્ક બનાવવા માટે ૯૦૦ કરોડના કરાર કર્યા છે. સાઉદી અરેબિયાની કંપની અલ ફનારે ૪૦ મેગાવોટના સોલાર પ્લાન્ટ માટે એમઓયુ કર્યા છે.
રાજકોટમાં આઇસીડી ડેપો
સૌરાષ્ટ્ર પ્રદેશમાંથી નિકાસ કરતી કંપનીઓ માટે સારા સમાચાર છે. રાજકોટમાં ૧૦૦ કરોડના ખર્ચે આઇસીડી ડેપો બનાવાશે. આ માટે રેલવે મંત્રાલયે ગુજરાત ડેવલોપમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોર્ડ (જીઆઇડીબી) સાથે એમઓયુ કર્યા છે. આ ડેપો વાર્ષિક ૫૪ હજાર કન્ટેઇનરની હેન્ડલીંગની ક્ષમતા ધરાવશે. જ્યારે જીઆઇડીબીએ દહેજમાં પણ ૧૭૫ કરોડના ખર્ચે લોજિસ્ટિક પાર્ક ઉભુ કરવા એમઓયુ સાઇન કર્યા છે. આ જાયન્ટ લોજિસ્ટિક પાર્કમાં વાર્ષિક એક લાખ કન્ટેઇનરની ક્ષમતા હશે.
ટ્રેડ શોમાં ૧૬ લાખ મુલાકાતી
ગાંધીનગરના હેલિપેડ (સ્વર્ણિમ પાર્ક)માં યોજાયેલા ગ્લોબલ ટ્રેડ શોનો લાભ રાજ્યના ૧૬ લાખથી વધારે લોકોએ લીધો હતો. પાંચ દિવસના આ ટ્રેડ શોમાં વિશ્વભરના ઉત્પાદનોનું પ્રદર્શન યોજાયું હતું, જેનું ઉદ્ધાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આ પ્રદર્શન વાઈબ્રન્ટ સમિટના બે દિવસ મહાનુભાવો માટે તેમજ બે દિવસ જાહેર જનતા માટે ખૂલ્લું મૂકાયું હતું. ટ્રેડ શોનું મુખ્ય આકર્ષણ સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા હતી.
વાઈબ્રન્ટ સમિટઃ હાઈલાઈટ્સ
• ૧૨ કન્ટ્રી પાર્ટનર • ૧૬ કન્ટ્રી સેમિનાર • ૧૬ થીમ સેમિનાર • ત્રણ એક્શન સેમિનાર • ચાર રાજ્ય સેમિનાર • ૭૪૦૧૦ ડેલિગેટ્સનું રજીસ્ટ્રેશન • ૨૭૩૪ આંતરરાષ્ટ્રીય ડેલિગેશન • ૩૦૪થી વધુ બિઝનેસ ટુ બિઝનેસ મીટિંગ • ૨૦૧થી વધુ બિઝનેસ ટુ ગવર્મેન્ટ મીટિંગ • ૫૧ પ્રતિનિધિ મંડળો સાથે મુખ્ય પ્રધાનની બેઠક • ૩૫૦થી વધુ મહાનુભાવો સાથે ચર્ચા

સેક્ટર આધારિત સમજૂતી કરાર

એગ્રો-ફૂડ પ્રોસેસિંગ             ૩૮૧
કો-ઓપરેટિવ, એનિમલ        ૪૯૩
પેટ્રોકેમિકલ                      ૨૬૮
એજ્યુકેશન                       ૧૯૦
એન્જિ. ઓટોમોબાઈલ્સ           ૯૪
પર્યાવરણ                        ૨૫૯
ફાઈનાન્સિયલ                     ૯૩
હેલ્થ મેડિકલ                     ૨૮૫
ઈન્ડસ્ટ્રીયલ પાર્ક                 ૧૨૩
આઈટી-બાયોટેકનોલોજી         ૧૪૭
મિનરલ્સ                          ૪૦૯
પોર્ટ                                 ૮૭
પાવર                             ૪૨૫
રોડ-રેલ                             ૪૧
રુરલ ડેવલપમેન્ટ                 ૩૮૦
અર્બન હાઉસિંગ                   ૧૬૭
સ્કિલ ડેવલપમેન્ટ                   ૮૯
એસઆઈઆર                        ૨૮
ટેક્સ્ટાઈલ                          ૧૫૧
ટુરિઝમ                             ૧૪૫
અર્બન ડેવલપમેન્ટ               ૧૬૨૫
વોટર                                  ૫૧


comments powered by Disqus