વાઇબ્રન્ટ ગુજરાતઃ દિગ્ગજો કહે છે...

Wednesday 18th January 2017 04:56 EST
 
 

• ઇતિહાસ નરેન્દ્ર મોદીને યાદ રાખશે: મુકેશ અંબાણી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજીંગ ડાયરેકટર મુકેશ અંબાણીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મહાન પરિવર્તનના પ્રેરક નેતા ગણાવ્યા છે. ૨૦૦૩થી શરૂ કરીને અત્યાર સુધીની તમામ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ઉપસ્થિત રહેવાનું સદભાગ્ય સાંપડ્યું હોવાનું જણાવતાં મુકેશ અંબાણીએ ઉમેર્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ઇતિહાસ મહાન પરિવર્તન પ્રેરક નેતા તરીકે યાદ રાખશે. વડા પ્રધાન બનતાં પહેલાં ગુજરાતમાં પરિવર્તન લાવ્યા અને હવે વિવિધ ઐતિહાસિક તથા દૂરંદેશીભરી યોજનાઓ અને પગલાંઓ દ્વારા પહેલ કરીને સમગ્ર ભારતમાં પરિવર્તન લાવી રહ્યાં છે. વિશ્વના કોઇ પણ નેતા આટલા ઓછા સમયમાં આટલા બધા લોકોના વિચારોને બદલવામાં સફળ રહ્યાં નથી. સ્વચ્છ ભારત અભિયાન, મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, અને સ્કીલ ઇન્ડિયાએ તમામ ભારતીયોને પ્રેરકબળ પુરું પાડ્યું છે. આવા પગલાંઓથી તેમણે વિશ્વમાં ભારત માટે સન્માન પેદા કર્યું છે. પરિણામે ભારતમાં ઇતિહાસમાં સૌથી વધુ સીધુ વિદેશી મૂડીરોકાણ આવ્યું છે. ડિજિટલ ઇન્ડિયા અને અન્ય પગલાં ભારતને વિશ્વમાં સૌથી વધારે મજબૂત અને સૌથી સમૃદ્ધ દેશોમાં સ્થાન અપાવશે.
• ગુજરાત કારમેકિંગ હબ બનશેઃ રતન ટાટા
અગાઉની વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં મેં કહ્યું હતું કે, તમે ગુજરાતમાં ના હો તો તમે મુર્ખ છો. આજે ગુજરાત જે રીતે ઝડપથી દેશમાં વિકસતા જતાં રાજ્યમાં મોખરાનું સ્થાન ધરાવે છે ત્યારે ફરી હું મારા એ વાક્યને દોહરાવીશ કે જો તમે ગુજરાતમાં ન હોત તો તમે મુર્ખ છો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ભારતે નવા યુગમાં પ્રવેશ કર્યો છે. અને ગુજરાતમાં પણ મારી કારની કંપની છે. આગામી વર્ષોમાં ગુજરાત ‘હબ્સ ઓફ કારમેકિંગ’ રાજ્ય બનશે. વડા પ્રધાન હું પણ ગુજરાતી છું, અને અમે પાછા ગુજરાતમાં આવ્યાં છીએ
• ૪૯ હજાર કરોડનું રોકાણઃ ગૌતમ અદાણી
અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ ગુજરાતને કર્મભૂમિ ગણાવતાં કહ્યું કે, ૧૮ વર્ષ પહેલાથી અદાણી ગ્રૂપ ગુજરાતમાં સતત રોકાણ કરતું આવ્યું છે. આગામી પાંચ વર્ષમાં અદાણી ગ્રૂપ વિવિધ ક્ષેત્રમાં રૂ.૪૯,૦૦૦ કરોડનું રોકાણ કરશે જેમાં ૨૫,૦૦૦ સ્થાનિક લોકોને રોજગારી પૂરી પાડશે. ગ્લોબલ સમિટને સીમાચિહનરૂપ ગણાવતાં કહ્યું હતું કે, આગામી દશકામાં ભારત વિશ્વમાં પ્રગતિનો ઈતિહાસ સર્જશે. અદાણી ગ્રૂપ આગામી પાંચ વર્ષમાં મુંદ્રા, દહેજ, ટુંડા સહિત ચાર બંદરોના વિકાસમાં રૂ. ૧૬,૦૦૭ કરોડનું રોકાણ કરશે. વિશ્વનું સૌથી મોટું બિનપરંપરાગત ૪,૬૪૮ મેગાવોયનું વીજમથક ઊભું કરશે તેમજ ‘ફોર્ચ્યુન’ તેલ બ્રાન્ડનું ઉત્પાદન ડબલ કરાશે.
• ડેવિડ ફર્ (સીઇઓ, એમરસન)
ભારતમાં ૧૦ જેટલા મેન્યુફેક્ચરિંગ અને ૬ હજાર મહેનતુ કર્મચારીઓની મદદથી અમારી કંપનીનો મજબૂત પાયો નંખાયો છે. ભારતમાં વડા પ્રધાન મોદીની રાહબરી હેઠળ ઉદ્યોગમાં મંજૂરી લેવાનું વધુ સરળ બન્યું છે અને પારદર્શક નીતિ છે. જેના લીધે આગામી વર્ષ ૨૦૨૨માં વિશ્વભરમાંથી ભારતમાં પુષ્કળ રોકાણ થશે.
• તોશિહિરો સુઝુકી (સીઇઓ, સુઝુકી-જાપાન)
તોશિહિરો સુઝુકીએ વાઈબ્રન્ટ ગુજરાતમાં હાજર રહીને પ્રસન્નતા અનુભવતા હોવાનું જણાવીને કહ્યું હતું કે, ભારત સરકારના સહયોગથી ગુજરાતમાં આગામી સમયમાં ઓટોમોબાઈલ પ્લાન્ટ શરૂ કરવામાં આવશે અને ઉત્પાદન ૭૫૦ યુનિટ સુધી તેનું વિસ્તરણ કરાશે. ગુજરાતમાં જાપાન - ઈન્ડિયા ઈન્સ્ટિટયુટ ઓફ મેન્યુફેક્ચરિંગ સ્થાપવાનો નિર્ણય કર્યો છે.
• પીટર હંટ્સમેન (સીઇઓ, હંટ્સમેન કોર્પોરેશન-યુએસ)
હંટ્સમેનની એક કોમેન્ટથી ખુદ વડા પ્રધાન મોદી હસી પડયાં હતા. તેમણે કહ્યું હતું કે, જૂનમાં વડા પ્રધાન મોદી અમેરિકામાં જ રહી જાય અને નેતૃત્વ સંભાળી લે તેવું ઘણા અમેરીકનોએ ઈચ્છયું હતું. જો આમ થયું હોત તો એ ભારતે અમેરિકામાં કરેલી સૌથી મહાન એક્સપોર્ટ હોત. પીટર હંટ્સમેનની આ વાતને સૌએ તાળીએથી વધાવી લીધી હતી. તેમણે કહ્યું કે, બિઝનેસ નફા કે ધંધા માટે નહીં, પરંતુ સમાજને રહેવા લાયક બનાવવું જોઈએ અને ગુજરાતમાં રોકાણ કરવું તે અવસર છે.
• જેરેમી વિયેર (સીઈઓ, ટ્રાફિગુઆરા-નેધરલેન્ડ)
ભારતમાં ટેકનોલોજી ઝડપથી વિકસી રહી છે. જેથી આગામી વર્ષોમાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પોતાની પ્રોડક્ટનું વેચાણ મોટા પાયે કરી શકશે. અમારી કંપનીએ ૨૦૦૮માં ૨૫૦ મિલિયન ડોલરનું રોકાણ ગુજરાતમાં કર્યું હતું. આગામી વર્ષોમાં સંયુક્ત સાહસમાં રૂ. ૩,૦૧૮ કરોડનું રોકાણ કરવામાં આવશે અને સ્થાનિક લોકોને રોજગારી પ્રાપ્ત થશે.
• પ્રેમ વત્સા (સીઈઓ, ફેરફેક્સ કંપની-કેનેડા)
ભારતમાં છેલ્લા ૬૭ વર્ષમાં બિઝનેસ ફ્રેન્ડલી ગર્વમેન્ટ મળી હોય તે પ્રથમ વાર બન્યું છે. વત્સાએ કહ્યું કે, છેલ્લા ૩૧ વર્ષ પહેલા અમે કેનેડામાં બિઝનેસની શરૂઆત કરી અને વિશ્વના અનેક દેશમાં અમારો ધંધો પથરાયેલો છે. આખા વિશ્વમાં હું ફર્યો, પરંતુ સૌથી ઉત્તમ તક ભારતમાં મળી છે. અમે ભારત અને ગુજરાતમાં આગામી વર્ષોમાં પાંચ બિલિયન ડોલરનું રોકાણ કરીશું અને ૨૫,૦૦૦ લોકો માટે રોજગારીની તક ઊભી કરીશું.
• જ્હોન ચેમ્બર્સ (સીઈઓ, સિસ્કો-યુએસ)
વિશ્વના ત્રણ ઉત્તમ નેતાઓને મળ્યો તેમાંના એક એવા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી છે. આજથી અઢી વર્ષ પહેલા મોદીને અમેરિકામાં મળ્યો ત્યારે ડિજીટલ ઈન્ડિયા, મેઈક ઈન ઈન્ડિયાના આપેલ સ્લોગન હવે સાર્થક થયેલા દેખાય છે. લોકોની ટીકાઓ અને સમીક્ષાઓથી ગભરાયા વગર ભારતના ઉત્તમ ભવિષ્ય માટે જે કામ કર્યું છે તે કાબિલેદાદ છે. અમારી કંપની બે વર્ષમાં ભારતમાં ૨૭ બિલિયન ડોલરનું રોકાણ કરશે.
• જિન લિક્યુન (પ્રેસિડેન્ટ-એશિયન ઈન્ફાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બેન્ક)
અમારી બેંક વિકાસશીલ દેશોમાં આર્થિક અને સામાજિક વિકાસ માટે ઉદ્યોગોને મદદ કરે છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી મને મળ્યાં હતાં. ગુજરાતમાં ઈન્ફાસ્ટ્રક્ચરના વિકાસ માટે મદદ કરવાનું મેં પ્રોમિસ આપ્યું છે. આગામી વર્ષોમાં ભારત અને ગુજરાતમાં ૧૭૩ મિલિયન ડોલરનું રોકાણ કરશે.
• ડો. રશિદ અહેમદ બિન ફહાદ (પ્રધાન, યુએઈ)
ગુજરાતને મહાત્મા ગાંધી અને સરદારની સાથોસાથ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું હોવાનું જણાવતાં કહ્યું કે, યુએઈમાં વર્ષ ૨૦૧૫માં નરેન્દ્ર મોદી આવ્યાં હતા અને આગામી વર્ષોમાં યુએઈ સાથે ભારતની લાંબી ભાગીદારીના સબંધો બનશે. આગામી વર્ષમાં ૧૫ બિલિયન ડોલરનું ધંધાકીય રોકાણ અને ભાગીદારી ગુજરાત અને ભારતમાં કરાશે.
• યુરી એરિયલ (કૃષિ-ગ્રામવિકાસ પ્રધાન, ઈઝરાયલ)
ભારતના આર્થિક વિકાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવતાં કહ્યું કે, ભારત અને ઈઝરાયલ વચ્ચે ધંધાકીય ભાગીદારીની સારી તક રહી છે. વાઈબ્રન્ટ ગુજરાત ઈવેન્ટ યોજીને ગુજરાત અને ભારત સરકારે બિઝનેસને વધારવા માટે પ્લેટફોર્મ પુરું
પાડયું છે.
• લાર્સ ક્રિશ્ચયન (ઊર્જા-પર્યાવરણ પ્રધાન, ડેનમાર્ક)
સો દિવસ પહેલા મને અહીં આવવાનું આમંત્રણ મળ્યું તેનાથી અમને આનંદની અનુભૂતી થઈ તેમ જણાવતાં કહ્યું હતું કે ભારત અને ડેનમાર્કની મિત્રતા લાંબો સમય જળવાશે. ડેનમાર્ક ભારત સાથે વીન્ડપાવર ટેકનોલોજી, એગ્રિકલ્ચર તેમજ સ્માર્ટ સિટી બનાવવા ભાગીદારી કરશે.
• અન્ના એક્સ્ટ્રોમ (શિક્ષણ પ્રધાન, સ્વિડન)
સ્કિલ ડેવલોપમેન્ટ પર ભાર મૂકતાં અન્ના એક્સ્ટ્રોમે કહ્યું કે, સારા વિકાસ માટે શિક્ષણનું સ્તર સુધરવું જોઈએ અને તે માટે લોકોને યોગ્ય શિક્ષણ દ્વારા કેળવણી આપવી જોઈએ. આ સિવાય ભારત સાથે ઊર્જા, પર્યાવરણ, સિક્યુરિટી અને હેલ્થ ક્ષેત્રે ભાગીદારી કરી શકશે.
• અમરજિત સોહી (સીઇઓ, ઇન્ફ્રા કોમ્ય. કેનેડા)
નમસ્કાર... કેમ છો? એમ કહીને સંબોધનની શરૂઆત કરતાં અમરજિત સોહિએ જણાવ્યું કે, ભારત સાથે કેનેડાની લાંબા સમયથી ભાગીદારી ચાલે છે. કેનેડા સ્માર્ટ સિટી બનાવવા માટે જરૂરી ઈન્ફાસ્ટ્રક્ચર ક્ષેત્રે વધુ સહાય કરી શકશે.
• બેરી ઓ ફેરેલ (ઓસ્ટ્રેલિયા)
ઓસ્ટ્રેલિયામાં મોટી સંખ્યામાં ગુજરાતી વસતા હોવાનો ઉલ્લેખ કરીને બેરી ઓ ફેરેલે જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયા પાસે માઈનિંગ ટેકનોલોજી, કૃષિ તેમજ બાયોટેકના ક્ષેત્રમાં આધુનિક ટેકનોલોજી છે. આ ક્ષેત્રમાં ભારત સાથે ઓસ્ટ્રેલિયા આગામી વર્ષોમાં ભાગીદારી કરશે.


comments powered by Disqus