લંડનઃ ઈયુના આઠ મુખ્ય સભ્ય દેશો બેલ્જિયમ, ફ્રાન્સ, જર્મની, હંગેરી, ઈટાલી, પોલેન્ડ, સ્પેન અને સ્વીડનના ૪૫ ટકા મતદારોની ઈયુમાં રહેવું કે નહીં તે અંગે બ્રિટનની માફક રેફરન્ડમની માગ હોવાનું એક સર્વેમાં જણાયું છે. જે ૬,૦૦૦ લોકોનો સર્વે કરાયો તેમાંથી ત્રીજા ભાગના લોકોએ તક મળે તો યુરોપિયન યુનિયન છોડી દેવાનો વિકલ્પ પસંદ કર્યો હતો.
સર્વે પૈકી અડધા ભાગના લોકો માને છે કે રેફરન્ડમમાં બ્રિટન ઈયુ છોડવાની તરફેણમાં મત આપશે. બ્રિટનના તેવું માનનારા ૩૫ ટકા લોકો કરતાં પણ આ સંખ્યા વધુ છે. આઠ દેશો તેમજ બ્રિટનમાં કરાયેલા સર્વે મુજબ યુરોપના ખૂબ ઓછા મતદારો માને છે કે સત્તાનું કેન્દ્રીયકરણ થશે. સર્વેમાં અડધા લોકોએ જણાવ્યું હતું કે કથિત ‘બ્રેક્ઝિટ’ને લીધે ઈયુના અર્થતંત્રને નુક્સાન થશે. જ્યારે ૩૬ ટકા લોકો બ્રિટનના અર્થતંત્રને નુક્સાન થવાનું માને છે. રેફરન્ડમમાં બ્રિટન ઈયુ છોડવા માટે મતદાન કરશે તો અન્ય દેશો પણ તેમ જ કરશે તેવું સર્વેના ૪૮ ટકા લોકોનું માનવું છે.

