લંડનઃ યુએસએ, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડ સહિતના અંગ્રેજીભાષી દેશોની સરખામણીએ ઈંગ્લિશ યુનિવર્સિટીસના ગ્રેજ્યુએટ્સ અભ્યાસ પછી દેવાંના ડુંગર તળે દટાયેલા હોવાનું તારણ એક અભ્યાસના આધારે રજૂ થયું છે. સટન ટ્રસ્ટ દ્વારા હાથ ધરાયેલા અભ્યાસ અનુસાર, સૌથી ગરીબ બ્રિટિશ વિદ્યાર્થી તેનો ડિગ્રી અભ્યાસ પૂર્ણ કર્યા પછી ૫૦ હજાર પાઉન્ડ સુધીના દેવાંમાં ડૂબેલો હોય છે. જોકે, અભ્યાસ પછીની કમાણી સાથે પરત ચૂકવણી સંકળાયેલી છે તેવી સરકારી લોન્સ મેળવતાં વિદ્યાર્થીઓને આ સુવિધાથી લાભ અવશ્ય મળે છે.
પબ્લિક/પ્રાઇવેટ નોન-પ્રોફિટ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા યુએસ ગ્રેજ્યુએટ્સના માથે આશરે ૨૦,૫૦૦ પાઉન્ડનું દેવું હોય છે, જ્યારે ખાનગી ફોર-પ્રોફિટ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીના માથે ૨૯ હજાર પાઉન્ડનું દેવું હોય છે. આની સરખામણીએ ત્રણ વર્ષના કોર્સમાં વાર્ષિક ૯,૦૦૦ પાઉન્ડની ટ્યુશન ફી અને ઓછામાં ઓછાં ૫,૩૩૦ પાઉન્ડના નિર્વાહખર્ચ માટે લોન મેળવનારા વિદ્યાર્થીના માથે સરેરાશ ૪૪ હજાર પાઉન્ડના દેવાનો બોજ હોય છે. અંશતઃ ઉદાર સ્કોલરશિપ્સના કારણે આઈવી લીગ સહિત યુએસની ખાનગી નોન-પ્રોફિટ યુનિવર્સિટીઓમાં ચાર વર્ષનો કોર્સ હોવાં છતાં અભ્યાસના અંતે તેમના માથે ૨૩ હજાર પાઉન્ડનું જ દેવું હોય છે.
સટન ટ્રસ્ટને ચિંતા એ વાતની છે કે આગામી સપ્ટેમ્બરમાં સરકારી ભંડોળની ૧.૬ બિલિયન પાઉન્ડની મેન્ટેનન્સ ગ્રાન્ટ રદ થઇ રહી હોવાથી ગરીબ વિદ્યાર્થીઓના માથે દેવાંનો ડુંગર ૫૦ હજાર પાઉન્ડથી પણ વધી જવા શક્યતા છે. સરકારે ૨૧ હજાર પાઉન્ડની આવક સાથે લોનનું રિપેમેન્ટ શરૂ કરવાની મર્યાદાને પણ સ્થગિત કરી દીધી હોવાથી વિદ્યાર્થીઓને માસિક હપ્તા પેટે વધુ મોટી રકમ ચૂકવવી પડશે.
યુએસમાં હોમ સ્ટેટની પબ્લિક યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ માટે આશરે ૬,૬૦૦ પાઉન્ડ ફીની સરખામણીએ ઈંગ્લેન્ડમાં મહત્તમ ૯,૦૦૦ પાઉન્ડ ફી છે. જોકે, વેલ્સ અને સ્કોટલેન્ડ યુનિવર્સિટીઓમાં ફી અને ગ્રાન્ટનું ધોરણ અલગ છે.
સટન ટ્રસ્ટ એન્ડ એજ્યુકેશન એન્ડાઉમેન્ટ ફાઉન્ડેશનના ચેરમેન સર પીટર લેમ્પલે જણાવ્યું હતું કે, ‘યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાનો ખર્ચ એટલો બધો વધી ગયો છે કે હવે વધુને વધુ યુવાનોએ ડિગ્રી લેવલના બદલે ઉચ્ચ કક્ષાની એપ્રેન્ટિસશિપ માટે ગંભીરતાથી વિચારવું જોઈએ. આ રીતે તેઓ અભ્યાસની સાથે જ કમાણી કરી શકશે, દેવાનો બોજ પણ ઓછો રહેશે અને તેઓ વ્યાવસાયિક કૌશલ્ય પણ વિકસાવી શકશે.’

