લંડનઃ અલ્ઝાઈમર થતાં અગાઉ કથળતી યાદશક્તિનો સામનો કરવામાં યોગ અને ધ્યાનની પ્રવૃત્તિ ક્રોસવર્ડ્સ તેમજ યાદશક્તિ માટેની રમતો કરતાં વધુ અસરકારક પૂરવાર થતું હોવાનું ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ઓફ એડિલેડના વૈજ્ઞાનિકોના એક સંશોધનમાં જણાયું છે.
વૈજ્ઞાનિકોએ નામ અને ચહેરા ભૂલી જવાની, એપોઈન્ટમેન્ટ્સ ચૂકી જવાની અને વસ્તુઓ આડીઅવળી જગ્યાએ મૂકી દેવાની યાદશક્તિ અંગેની સમસ્યાથી પીડાતા ૫૫થી વધુની વયના ૨૫ લોકોને આ બન્ને પ્રકારની પ્રવૃત્તિમાં સામેલ કરીને તેમના પર થતી અસરનો અભ્યાસ કર્યો હતો. ત્રણ મહિના પછી જણાયું હતું કે નામ અને શબ્દો યાદ રાખવાની બાબતમાં બન્ને પ્રકારની પ્રવૃત્તિથી સારો સુધારો થયો હતો. પરંતુ, યોગને લીધે સ્થળલક્ષી માહિતી યાદ રાખવાનો વધારાનો ફાયદો થયો હતો.
૧૧ જણાને દર અઠવાડિયે યાદશક્તિ અંગે એક કલાકની ટ્રેનિંગ અપાઈ હતી અને ક્રોસવર્ડ્સ પઝલ્સથી લઈને કોમ્પ્યુટર આધારિત કામની કસરત કરાવાઈ હતી.
બાકીના ૧૪ જણાએ દર અઠવાડિયે એક કલાક યોગ કર્યો હતો અને ઘરે દરરોજ ૨૦ મિનિટ સુધી કિર્તન ક્રિયા ધ્યાન કર્યું હતું.

