લંડનઃ સ્થુળકાયની શ્રેણીમાં આવતા લાખો લોકોમાં તંદુરસ્ત લોકો કરતાં મોતનું ઓછું જોખમ હોવાનું જર્નલ JAMAમાં પ્રસિદ્ધ થયેલા અભ્યાસમાં જણાયું છે. સંશોધનમાં જણાવાયું છે કે '૭૦ના દાયકા પછી તંદુરસ્ત લોકોની સાઈઝના બોડી માસ ઈન્ડેક્સ (BMI)માં ૩.૩ પોઈન્ટનો વધારો થયો હોવાના સંશોધન બાદ ‘સ્થુળકાય’ની વ્યાખ્યામાં ફેરફારની જરૂર લાગે છે.
સ્થુળકાયની શ્રેણીમાં મૂકાયેલા ૨૭નો BMI ધરાવતા લોકોને હવે કોઈ પણ પરિસ્થિતિમાં મૃત્યુનું સૌથી ઓછું જોખમ છે. બ્રિટિશ પુરુષોનો સરેરાશ BMI ૨૭ અને મહિલાઓ માટે ૨૬.૯ છે. તેનો અર્થ એવો થાય કે હાલ સ્થુળકાયની શ્રેણીના મોટી સંખ્યાના બ્રિટિશ નાગરિકોનો BMI શ્રેષ્ઠ છે અને તેમને મોતનું જોખમ સૌથી ઓછું છે.
તેનાથી વિપરિત જે લોકો તંદુરસ્ત છે તેમને તેઓ વિચારે છે તે કરતાં મોતનું જોખમ વધુ હોઈ શકે. કોપનહેગન યુનિવર્સિટી હોસ્પિટલના ક્લિનિક બાયોકેમિસ્ટ્રી વિભાગના ચીફ ફિઝિશિયન ડો. બોર્જ નોર્ડેસ્ટગાર્ડે જણાવ્યું હતું કે '૭૦ના દાયકાની સરખામણીએ હાલના સ્થુળકાય લોકોનું મૃત્યુનું પ્રમાણ કહેવાતા સામાન્ય વજન ધરાવતા લોકો કરતાં ઓછું છે. તે દ્રષ્ટિએ આ અભ્યાસ મહત્ત્વનો છે. તેથી સ્થુળકાયની વ્યાખ્યા માટેની કેટેગરીમાં ફેરફારની જરૂર હોવાનો આ પરિણામો સંકેત આપે છે.
બોડી માસ ઈન્ડેક્સ વ્યક્તિના વજન અને ઉંચાઈ પર આધારિત છે. વર્ગીકરણની પદ્ધતિ મુજબ ૧૮.૫થી ઓછો BMI હોય તે ઓછા વજનવાળો, ૧૮.૫થી ૨૪.૯નો BMI ધરાવતી વ્યક્તિ ‘તંદુરસ્ત’ અને ૨૫ અથવા તેથી વધુની વ્યક્તિ ‘સ્થુળકાય’ જ્યારે ૩૦થી વધુના BMI વાળી વ્યક્તિ ‘અતિસ્થુળ’ની કેટેગરીમાં આવે છે.
આ નવા સંશોધનમાં '૭૦, '૯૦ અને ૨૦૦૦ના દાયકામાં ત્રણ જૂથ અભ્યાસમાં સંકળાયેલા અલગ વજનના ૧,૨૦,૦૦૦ કરતાં વધુ લોકોમાં મૃત્યુ દરમાં ફેરફારનો અભ્યાસ કરાયો હતો.

