પણજીઃ એક તરફ મહાસત્તા ચીને પાકિસ્તાનની તરફેણ કરીને ભારતને ડિંગો બતાવ્યો છે ત્યારે બીજી તરફ, ‘બિમસ્ટેક’એ સોમવારે જારી કરેલાં નિવેદનમાં આતંકવાદીઓને શહીદનો દરજ્જો આપવો જોઈએ નહીં તેવી સ્પષ્ટ લાગણી વ્યક્ત કરીને ભારતના વલણને સમર્થન આપ્યું છે.
સાઉથ એશિયા અને સાઉથ ઇસ્ટ એશિયન દેશોના બનેલા આંતરરાષ્ટ્રીય સંગઠન બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી-સેક્ટરલ ટેક્નિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન (બિમસ્ટેક)ની બેઠક ‘બ્રિક્સ’ સમિટની સમાંતરે જ યોજાઇ હતી. રવિવારે ‘બિમસ્ટેક’ના સભ્ય રાષ્ટ્રો - ભારત, બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન, શ્રીલંકા, મ્યાનમાર અને થાઇલેન્ડના વડાઓ રવિવારે ‘બ્રિક્સ’ના નેતાઓને મળ્યા હતા.
બાદમાં ‘બિમસ્ટેક’ના નેતાઓ દ્વારા જારી સંયુક્ત નિવેદનમાં જણાવાયું હતું કે આતંકવાદીઓને શહીદનો દરજ્જો આપવો જોઇએ નહીં. આ નિવેદનમાં પાકિસ્તાન પ્રેરિત સરહદ પારના આતંકવાદનો ભલે ઉલ્લેખ ન હોય, પણ ભારત માટે આ નિવેદન રાહતસમાન છે. નેતાઓએ જણાવ્યું હતું કે અમે માનીએ છીએ કે, આતંકને પ્રોત્સાહક, સમર્થન અને કોઇ પણ પ્રકારે આર્થિક કે લશ્કરી સહાય આપતા આતંકીઓના સ્વર્ગસમાન દેશોને ઓળખી કાઢીને જવાબદાર ઠેરવવા જોઇએ.

