ટ્રેન લેટ થશે તો વળતર મળશે

Wednesday 19th October 2016 06:21 EDT
 
 

લંડનઃ યુકેમાં ટ્રેન મોડી પડે તે વાતની હવે કોઇને નવાઈ રહી નથી. સધર્ન રેલવેની ટ્રેનો તો મોડાં પડવા માટે બહુ જાણીતી છે. જોકે, ટ્રેન ૧૫ મિનિટથી વધુ મોડી પડે તો વળતર તરીકે સંપૂર્ણ ભાડાંની રકમ પાછી મળે તે દિવસો પણ હવે દૂર નથી. ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ક્રિસ ગ્રેલિંગ આગામી સ્પ્રિંગ સુધી ‘Delay Repay’ યોજના સધર્ન રેલવેમાં દાખલ કરશે અને તે પછી તબક્કાવાર સમગ્ર દેશમાં તેનો અમલ કરાશે.
નવી યોજના થોડા જ મહિનામાં સધર્ન સહિત ગોવિઆ થેમ્સલિન્ક રેલવે સર્વિસીસમાં લાગુ કરાશે. આ પછી, તેને સાઉથ વેસ્ટર્ન, વેસ્ટ મિડલેન્ડ્સ અને સાઉથ ઈસ્ટર્ન ફ્રેન્ચાઈસીસમાં લાગુ કરાશે. આ યોજના અનુસાર, જો ટ્રેન ૧૫થી ૨૯ મિનિટ સુધી મોડી પડે તો પેસેન્જર્સ સિંગલ ફેરના ૨૫ ટકા સુધીના વળતરનો ક્લેઈમ કરી શકશે. અડધા કલાકના વિલંબ પછી પ્રવાસીઓ ભાડાંની ૫૦ ટકા રકમ પરત મેળવવા દાવો કરી શકશે. જો ટ્રેન એક કલાકથી વધુ મોડી પડે તો પેસેન્જર્સ સંપૂર્ણ ભાડું પરત મેળવવા ક્લેઈમ
કરી શકશે.
ટ્રાન્સપોર્ટ વોચડોગના આંકડા મુજબ ગયા વર્ષે ૯૪,૨૦૧ રેલસેવા ૧૫થી ૩૦ મિનિટ સુધી મોડી પડી હતી, જ્યારે ૨૬,૨૪૧ રેલસેવા અડધા કલાકથી વધુ સમય મોડી પડી હતી અને ૨૩૨,૨૬૭ રેલસેવા સંપૂર્ણપણે રદ કરાઈ હતી. હડતાળ અને સતત નબળી સેવાએ સધર્ન રેલ અને પ્રવાસીઓ માટે ભારે સમસ્યાઓ ખડી કરી છે.


comments powered by Disqus