પણજીઃ ભારતની ખાનગી ક્ષેત્રની બીજા નંબરની સૌથી મોટી રિફાઈનરી એસ્સાર ઓઈલ કોર્પોરેશનના ૪૯ ટકા શેર રશિયાની રોઝનેફ્ટ કંપની ૧૩ બિલિયન ડોલરમાં ખરીદશે. સોદાના ભાગરૂપે એસ્સાર ઓઈલના માલિકો રુઈયા બ્રધર્સ કંપનીના ૯૮ ટકા શેર વેચવાનું નકકી કર્યું છે. આમ આખી જ કંપની વેચાઈ જશે.
નવા મેનેજમેન્ટમાં રોઝનેફ્ટ પાસે એસ્સાર ઓઈલના ૪૯ ટકા શેર રહેશે, જ્યારે બીજા ૪૯ ટકા શેર નેધરલેન્ડની ટ્રાફીગુઆરા અને રશિયાની એક ઈન્વેસ્ટમેન્ટ કંપની સમાન ભાગે ખરીદશે. બાકીના બે ટકા શેર શેરધારકો પાસે જ રહેશે.
વિદેશી હૂંડિયાણના દર અનુસાર આ સોદાનું મૂલ્ય અંદાજે ૮૭ હજાર કરોડ રૂપિયા થાય છે. ભારતના ઈતિહાસનું આ સૌથી મોટું સીધું વિદેશી મૂડીરોકાણ (ફોરેન ડિરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ) છે. બીજી તરફ, રશિયાની કોઈ કંપની દ્વારા વિદેશમાં થયેલો આ સૌથી મોટો સોદો છે.
ડીલ પૂર્ણ થયે એસ્સારના તમામ પેટ્રોલ પંપ, પેટ્રોલિયમ સાથે સંકળાયેલા તમામ અન્ય સાહસો રોઝનેફ્ટના થઇ જશે. આ સોદામાં એસ્સારના લેણા અને દેણાનો પણ સમાવેશ થાય છે. એસ્સાર પાસે ગુજરાતના વાડીનાર પાસે રોજનું ૪.૦૫ લાખ બેરલ ઓઈલ રિફાઈન કરવાની ક્ષમતા ધરાવતી તોતિંગ રિફાઈનરી છે. આ રિફાઈનરી પાસે પોતાના જ બંદર અને પાવર પ્લાન્ટ સહિતની સુવિધાઓ છે.
એસ્સારના ડિરેક્ટર પ્રશાંત રુઇયાએ સોદા અંગે કહ્યું હતું કે અમારા આ સોદાથી ભારતમાં આવી રહેલા વિદેશી મૂડીરોકાણને પ્રચંડ વેગ મળશે. જ્યારે રોઝનેફ્ટના સીઈઓ ઈગોર સેચિને કહ્યું હતું કે પેટ્રોલિયમના વપરાશમાં ભારત સૌથી ઝડપે આગળ વધતો દેશ છે. તેના માર્કેટમાં પ્રવેશવું એ અમારા માટે ગૌરવ છે.
ગોવામાં રશિયાના પ્રમુખ પુતિન અને વડા પ્રધાન મોદીની ઉપસ્થિતિમાં આ ડીલ પર સહી-સિક્કા થયા હતા. ભારતમાં કોઈ એક કંપની દ્વારા આવી રહેલું ઈતિહાસનું આ સૌથી મોટું વિદેશી મૂડીરોકાણ છે. ૨૦૧૭ના પહેલા ત્રિમાસિક ગાળામાં જ આ સોદો પૂર્ણ થાય એવી શક્યતા છે.
રોઝનેફ્ટની માલિકી સરકારી
રોઝનેફ્ટ એ ખરેખર તો રશિયન સરકારની માલિકીની કંપની છે. આમ એસ્સાર હવે રશિયાની માલિકી ધરાવતી કંપની બનશે એમ કહી શકાય. હાલ તો રોઝનેફ્ટે જાહેર કર્યા પ્રમાણે નામ એસ્સાર જ રહેશે, પરંતુ ભવિષ્યમાં કંપની ઈચ્છે તો નામ બદલી પણ શકે.
સન ૧૯૯૩માં સ્થપાયેલી રોઝનેફ્ટ હાલ રશિયાની સૌથી મોટી પેટ્રોલિયમ કંપની છે. કંપનીના ૭૦ ટકા શેર રશિયાની સરકાર પાસે જ્યારે ૧૯ ટકા જેટલા બ્રિટિશ પેટ્રોલિયમ પાસે છે. રશિયા જગતના સૌથી વધુ પેટ્રોલિયમ પેદા કરતા દેશોની યાદીમાં સ્થાન ધરાવે છે.
એક લાખથી વધારે કર્મચારીઓ ધરાવતી રોઝનેફ્ટ વિશ્વની સૌથી મોટી પેટ્રોલિયમ કંપનીઓમાં પણ સ્થાન ધરાવે છે. ૨૦૧૪ના છેલ્લા ત્રણ મહિનામાં જ કંપનીની રેવન્યુ ૯૨ બિલિયન ડોલર જેટલી નોંધાઈ હતી. રોઝનેફ્ટની દૈનિક ક્ષમતા ૨૬ લાખ બેરલ પેટ્રોલિય ઉત્પાદનની છે.
ટ્રાફીગુઆરાનું તોતિંગ નેટવર્ક
૨૪.૫ ટકા શેર જેના હાથમાં રહેવાના છે તે નેધરલેન્ડની ટ્રાફીગુઆરાની સ્થાપના પણ ૧૯૯૩માં જ થયેલી છે. ઓઈલ અને કોમોડિટી એ ટ્રાફીગુઆરાનો મુખ્ય વેપાર છે અને આ પ્રકારનો વેપાર કરતી જગતની ત્રીજી મોટી કંપની છે.
આ કંપની પેટ્રોલિયમ પ્લાન્ટ્સ માટે પાઈપલાઈન પાથરી આપવાનું, ખાણકામ કરવાનું, બંદરો અને બંદરકાંઠાના વિસ્તારોમાં પેટ્રોલિયમ સ્ટોરેજ તૈયાર કરી આપવા સહિતના પ્રોજેક્ટ હાથ પર છે. આશરે ૫૫૦૦ કર્મચારીઓ ધરાવતી આ કંપનીની ૨૦૧૩માં આવક ૨.૨ બિલિયન ડોલર નોંધાઈ હતી.
યુનાઈટેડ કેપિટલ પાર્ટનર્સનું કામ તેના નામ પ્રમાણે જ કેપિટલ મેનેજમેન્ટનું છે. દુનિયાની અનેક મોટી કંપનીઓમાં પણ તેનું રોકાણ છે.

