એક પોકાર, હજારો મદદગારઃ નવજાત શિશુને પેટ ભરાવવા હજારો માતા તૈયાર

Thursday 14th April 2016 09:06 EDT
 
 

કોર્નવોલ (બ્રિટન)ઃ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી ૨૬ વર્ષીય માતા રોન્જા વિડનોબેક દવાઓની સાઇડ ઇફેક્ટ્સના કારણે પોતાના ૧૦ માસના ભૂખ્યા પુત્રને સ્તનપાન કરાવી શકે તેમ નહોતી. ભૂખ્યા પુત્રનો વલવલાટ જોઇ ન શકેલી રોન્જાએ ફેસબુક પર પોતાની મુશ્કેલી પોસ્ટ કરી અને દેશભરમાંથી હજારો માતાઓએ તેના દીકરાને પીવડાવવાની ઓફર કરી છે. 
રોન્જાની હૃદયદ્રાવક પોસ્ટ વાંચીને એક અજાણી મહિલા તો એક જ કલાકમાં હોસ્પિટલ પહોંચી ગઈ અને રિયોને દૂધ પીવડાવવા લાગી હતી. આ જોઈને રોન્જાને આશ્ચર્ય થયું. ખુશીથી તેની આંખો ભીની થઈ ગઈ.
એક સપ્તાહ રોન્જા હોસ્પિટલમાં રહી તે દરમિાન પાંચ અજાણી મહિલાઓએ રિયોને સ્તનપાન કરાવ્યું. એટલું જ નહીં, તેની સારસંભાળ પણ પોતાના બાળકની જેમ જ રાખી. તેમાંની બે મહિલાઓ તો રિયોને સારસંભાળ માટે એક-એક દિવસ પોતાની સાથે પોતાના ઘરે પણ લઈ ગઈ હતી.
રોન્જાને ગર્ભાશયમાં ગાંઠ હોવાને કારણે તેને કોર્નવોલની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેને વધારે ચિંતા એટલા માટે હતી કે રિયો બોટલથી કે ફોર્મ્યુલા મિલ્ક પીતો નહોતો. આથી રોન્જાએ વેટ નર્સિસ (એવી મહિલાઓ કે જે બાળકને સ્તનપાન કરાવી શકે)ની મદદ માગી. દેશભરમાંથી મળી રહેલી મદદથી તે નવાઈ પામી હતી. તેણે વિચાર્યું પણ નહોતું કે તેના દીકરાને કોઈ આવી રીતે પેટ ભરાવશે.
રોન્જા કહે છે કે ‘મને લાગતું હતું કે અજાણી સ્ત્રીઓ સાથે રિયો ભળી શકશે કે નહીં. મને આવી કલ્પના પણ નહોતી. જોકે તેણે પહેલી મહિલાનું દૂધ આરામથી પીધું તો મને રાહત થઈ અને ખુશી પણ.’ પેન્જેસમાં રહેનારી રોન્જા મોડેલિંગ કરે છે અને સિંગલ મધર છે. તેને છ વર્ષની દીકરી લીલી પણ છે. તેની પહેલા દિવસની ચિંતા મિશેલ નોદર્ટને દૂર કરી હતી. તે ત્રણ સંતાનોની માતા છે અને તેનું એક બાળક તો માત્ર પાંચ મહિનાનું છે.
મિશેલે જણાવ્યું હતું કે જ્યારે મેં રોન્જાની પોસ્ટ વાંચી તો મારાથી રહેવાયું નહીં. હું કોઈનાં બાળકને ભૂખ્યું નથી જોઈ શકતી. આમ પણ મને ઘણી વખત દૂધ વધારે આવતું હોવાને કારણે હું તેને કાઢી નાખતી હતી. તે કોઈ બાળકના કામમાં આવ્યું તેનાથી વધુ સારી વાત બીજી કઈ હોઈ શકે. આટલી માતાઓએ રોન્જાને ઓફર કરી તે જાણીને સારું લાગ્યું. આ ગ્રૂપ મહિલાઓ માટે ‘મમ્મી પાવર’ સમાન છે.
રોન્જાને હોસ્પિટલમાંથી રજા તો આપી દેવામાં આવી છે, પરંતુ ડોક્ટરોએ હજી તેને સ્તનપાન નહીં કરાવવા જણાવ્યું છે. આથી અત્યારે પણ આ ‘ટેમ્પરરી માતાઓ’ જ રિયોનું ધ્યાન રાખે છે.


comments powered by Disqus