લંડનઃ જનરલ પ્રેક્ટીશનર્સના કામકાજ અંગે દર્દીઓના સંતોષના પ્રમાણમાં ભારે ઘટાડો નોંધાયો છે. લોકોની ફરિયાદ છે કે તેમને એપોઈન્ટમેન્ટ મેળવવા માટે ખૂબ તકલીફ વેઠવી પડે છે. અન્ય એક સર્વે મુજબ જીપીની એપોઈન્ટમેન્ટ ચૂકી જતા લોકોને દંડ થવો જોઈએ તેવું દર દસમાંથી સાત લોકોનું માનવું છે.
બ્રિટિશ સોશિયલ એટીટ્યુડ્સ સર્વે મુજબ નેશનલ હેલ્થ સર્વિસ પ્રત્યે એકંદરે અસંતોષના પ્રમાણમાં આઠ ટકાનો વધારો નોંધાયો હતો. ૨,૦૦૦ લોકોના સર્વેમાં ૨૩ ટકા લોકોએ હેલ્થ સર્વિસ અંગે નારાજગી હોવાનું જયારે ૬૦ ટકા લોકોએ સંતોષ હોવાનું જણાવ્યું હતું. સંતુષ્ટ લોકોની ટકાવારીમાં ૨૦૧૪ની સરખામણીએ પાંચ પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો.
જ્યારે એક ફાર્માસ્યુટિકલ કંપની ‘એસ્ટેલાસ’ દ્વારા કરાયેલા ૫૦૭ લોકોના સર્વે મુજબ જીપીની એપોઈન્ટમેન્ટ ચૂકી જતા લોકોને દંડ કરવાની વાતને દસમાંથી સાત લોકોએ સમર્થન આપ્યું હતું.
રોયલ કોલેજ ઓફ જનરલ પ્રેક્ટીશનર્સના ચેરવુમન ડો. માઉરીન બેકરે જણાવ્યું હતું કે દર વર્ષે દર્દીઓ ૧૨ મિલિયન એપોઈન્ટમેન્ટ ચૂકી જાય છે. તેનાથી જીપી નિરાશ થાય છે. પરંતુ તેને માટે ચાર્જ વસૂલવો એ કોઈ ઉકેલ નથી.

