ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી દ્વારા ગઈ ૧૬મી એપ્રિલે નેહરુ સેન્ટર ખાતે ‘ડેવલપમેન્ટ વિઝન ફોર ઈન્ડિયા’ ચર્ચાનું આયોજન કરાયું હતું. સ્વામી વિવેકાનંદ યુથ મુવમેન્ટના સ્થાપક પ્રમુખ તરીકે જાણીતા ડો. બાલાસુબ્રમણ્યમ તેના મુખ્ય વક્તા હતા. આ પ્રસંગે ભાજપના પ્રમુખ શ્રી લાભુભાઈ પારેખ અને એશિયન વોઈસ તથા ગુજરાત સમાચાર- એશિયન વોઈસના પ્રકાશક-તંત્રી શ્રી સીબી પટેલે તેમનું સન્માન કર્યું હતું.
ડો. બાલુએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આર્થિક વિકાસની બાબતે ભારત આગળ વધી રહ્યું છે પરંતુ ઘણાં સામાજિક સૂચકોની ખામીને લીધે તે વિક્સિત દેશ બનવાથી દૂર છે. ઘણાં દેશોનો જીડીપી ખૂબ ઓછો હોય છે, સાક્ષરતાનું પ્રમાણ ઉંચું હોતું નથી, પાણી અને સેનિટેશનની પરિસ્થિતિ નબળી હોય છે તેવાં દેશો કરતાં પણ ભારતમાં કેવી રીતે કુપોષિત લોકોનું પ્રમાણ ખૂબ ઉંચુ રહ્યું છે તેની ડો. બાલાસુબ્રમણ્યમે સમજ આપી હતી. મહત્ત્વના માનવ અને સામાજિક વિકાસ વિનાના માત્ર આવક અને જીડીપી વિકાસ દેશને જે લાભોની જરૂર છે તે અપાવી શકશે નહીં.
આ ચર્ચા ‘વિકાસ’ને કેવી રીતે માનવ ક્ષમતાના સતત વિસ્તરણ તરીકે જોવાની જરૂર છે તેના ખ્યાલની આસપાસ રહી હતી. તમામ માટે આ વિસ્તરણ કેવી રીતે આર્થિક લાભમાં પરિણમે તેની પણ તેમણે છણાવટ કરી હતી.

