લંડનઃ સોશિયલ મીડિયાની ૨૪ x ૭ જીવનશૈલીમાં મશગૂલ ઘણાં ટીનેજર્સ મધરાત પછી સૂતા હોવાથી પૂરતી ઉંઘ લઈ શકતા નથી. તેનાથી તેમનું ભણતર જોખમમાં મૂકાતું હોવાની ચેતવણી હેડ ટીચર્સ અને ઓક્સફર્ડના વૈજ્ઞાનિકોએ ઉચ્ચારી છે. અન્ય દેશોના અલગ ટાઈમ ઝોનવાળા દેશોના બાળકો સાથે મોડે સુધી કોમ્પ્યુટર ગેમ્સ રમવાને લીધે અથવા તો અન્ય પ્રવૃત્તિથી તેઓ અનિદ્રાનો ભોગ બને છે.
‘ટીનસ્લીપ’ અંતર્ગત બ્રિટનની ૧૦૦ સ્કૂલોના ૩૨,૦૦૦ વિદ્યાર્થીઓની સૂવાની ટેવનો અભ્યાસ કરી રહેલા ક્રિસ્ટોફર હાર્વીએ જણાવ્યું હતું કે ટીનેજર્સે દરરોજ નવ કલાકની ઉંઘ લેવી જ જોઈએ. સવારે ૭ વાગ્યાની સ્કૂલ હોય તેવા બાળકોએ રાત્રે ૧૦ વાગે સૂઈ જવું જોઈએ. અભ્યાસમાં ભાગ લઈ રહેલી સ્કૂલોને ચાર ગ્રૂપમાં વહેંચી દેવાશે. કેટલીક સ્કૂલો પ્રાયોગિક ધોરણે તેનો સમય સવારે ૧૦ વાગ્યાનો રાખશે. અન્યને સ્લીપ એજ્યુકેશન અપાશે. તેનો ઉદ્દેશ ટીનેજર્સનું પરીક્ષાનું પરિણામ અને માનસિક સ્વાસ્થ્ય સુધારવાનો છે.
આ પ્રોજેક્ટમાં સંકળાયેલા ઓક્સફર્ડના ન્યૂરોસાયન્ટિસ્ટ રસેલ ફોસ્ટરે જણાવ્યું હતું કે કેટલાંક ટીનેજર્સને પૂરતી ઉંઘ ન મળતાં તેમને સ્લીપિંગ પીલ્સ લેવી પડે છે. લીવરપુલના ૧૩ વર્ષીય ટીનેજર્સ તેની મમ્મીની સ્લીપિંગ પિલ્સ લેતો હોવાનું અને દિવસે સ્ફુર્તિ માટે રેડબુલના બે કેન પીતો હોવાનું જણાવ્યું હતું. અમેરિકામાં ટીનેજરો પૈકીના ૨૫ ટકા તો માંડ સાડા છ કલાક જ ઉંઘતા હોય છે.
નોર્થમ્બરલેન્ડ ચર્ચ ઓફ ઈંગ્લેન્ડ અકેડેમીના પ્રિન્સિપાલ સ્ટીવ ગિબ્સને જણાવ્યું હતું કે ટીનેજરોના રૂમ અત્યારે એન્ટરટેઈનમેન્ટ ઝોન જેવા બની ગયા છે.

