રાજગાદી પર રહીને ૯૦મી બર્થડે ઉજવનારા પ્રથમ મહારાણી

રુપાંજના દત્તા Wednesday 20th April 2016 06:40 EDT
 
 

લંડનઃ ક્વીન એલિઝાબેથ દ્વિતીય ૨૧મી એપ્રિલે તેમની ૯૦મી વર્ષગાંઠ ઉજવશે. રાજગાદી પર રહેતા આટલી વયે પહોંચનારા તેઓ પ્રથમ શાસક બનશે. અગાઉ જ્યોર્જ તૃતીય અને ક્વીન વિક્ટોરિયા ૮૧ વર્ષે મૃત્યુ પામ્યા હતા.
ઈપ્સોસ મોરી અને કિંગ્સ કોલેજ લંડનના સંશોધનમાં જણાયું છે કે અત્યારે ક્વીનની લોકપ્રિયતા ચરમસીમાએ પહોંચી ગઈ છે અને મોટાભાગના દેશવાસીઓ માને છે કે તેમણે શાસનના વડાનું પદ જાળવી રાખવું જોઈએ. '૮૦ના દાયકામાં અડધાથી વધુ બ્રિટનવાસીઓ માનતા હતા કે તેમણે ગાદી છોડી દેવી જોઈએ. પરંતુ શાહી પરિવારમાં ત્રણ દાયકાના લગ્નો અને જન્મ તેમજ ક્વીનની ડાયમન્ડ જ્યુબિલી જેવા પ્રસંગોથી શાહી પરિવાર પ્રત્યે દેશમાં ફરી સ્નેહભાવ વધ્યો છે. ક્વીન ૧૦૦ વર્ષમાં આયરલેન્ડની મુલાકાત લેનારા પ્રથમ બ્રિટિશ સામ્રાજ્ઞી બન્યા હતા.
ક્વીનનું સંઘર્ષમય જીવન
ક્વીનનું જીવન સતત ઉતાર-ચઢાવ અને પડકારોથી ભરેલું રહ્યું છે. તેઓ ૨૫ વર્ષના હતા ત્યારે તેમણે શાસન સંભાળ્યું હતું. તેમને વિન્સ્ટન ચર્ચિલની નિર્ધારિત સમય કરતાં વધુ સમય સુધી સત્તા પર રહેવાની જીદ સામે સંઘર્ષ કરવો પડ્યો હતો. સુએઝ કટોકટી દરમિયાન એન્થની એડનના કપટને લીધે શાહી પરિવારમાં ભંગાણ પડ્યું હતું. સિસ્ટર માર્ગારેટની મુશ્કેલી ભરી અને કરુણ લવ લાઈફ તથા આઈરીશ, ઓસ્ટ્રેલિયન અને કેનેડિયન ગણતંત્રવાદ, અપમાનજનક યુગાન્ડા, રહોડેશિયા અને દક્ષિણ આફ્રિકાની કટોકટી ઉપરાંત તેમના જીવનમાં ઘણી ઘટના બની હતી.
ઓબામા ક્વીન સાથે લંચ લેશે
ક્વીન એલિઝાબેથ દ્વિતીયના ૯૦મા બર્થ ડેની મે મહિનામાં લંડનમાં વિસ્તૃત તથા જૂનમાં સત્તાવાર ઉજવણી અગાઉ ક્વીન વિન્ડસરમાં ૨૧ એપ્રિલથી ત્રણ દિવસ સુધી નાના પ્રસંગો સાથે તેમનો જન્મદિન ઉજવશે. ૨૨ એપ્રિલે વિન્ડસર કેસલ ખાતે અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા અને તેમના પત્ની મિશેલ ક્વીન એલિઝાબેથ દ્વિતીય સાથે લંચ લેવા ખાસ યુકે પહોંચશે.
ગુરુવારે વિન્ડસરના ગિલ્ડહોલ ખાતે ક્વીનના બર્થ ડે લંચ માટે ‘ગ્રેટ બ્રિટીશ બેક ઓફ’ની વિજેતા નાદિયા હુસૈન ઓરેન્જ કર્ડ અને ઓરેન્જ ક્રીમ સાથે સ્પેશિયલ ઓરેન્જ ડ્રીઝલ કેક તૈયાર કરશે.
વિન્ડસરમાં બર્થ ડે નિમિત્તે કાર્યક્રમો
ક્વીન ગુરુવારે કેસલ હિલની તળેટીમાં ક્વીન્સ વોક વે તરીકે જાણીતા ચાર માઈલના સેલ્ફ ગાઈડેડ વોક-વે પર તક્તીનું અનાવરણ કરશે. સૌથી લાંબો સમય એટલે કે ૬૩થી વધુ વર્ષ સુધી શાસનની ક્વીનની સિદ્ધિની સ્મૃતિમાં ૨૦૧૫માં બનાવાયેલા શહેરના ૬૩ જાણીતા સ્થળોને આ વોક-વે સાંકળે છે. તે પછી ક્વીન અને ડ્યુક ઓફ એડિનબરા લોકોને મળશે.
લંડનમાં હાઉસ ઓફ કોમન્સમાં સ્પેશિયલ ડિબેટ અગાઉ એક ભાવપૂર્ણ સંબોધન સાથે ડેવિડ કેમરનના નેતૃત્વ હેઠળ ક્વીનને જન્મદિનની શુભેચ્છા અપાશે.
ક્વીનને હાઈડ પાર્કમાં ૪૧ તોપોની અને ટાવર ઓફ લંડન ખાતે ૬૨ તોપોની સલામી અપાશે.
સાંજે ડ્યુક ઓફ એડિનબરા, પ્રિન્સ ઓફ વેલ્સ અને ડચેસ ઓફ કોર્નવોલની સાથે ક્વીન  દેશ અને વિશ્વભરમાં તૈયાર કરાયેલા એક હજારથી વધુ પ્રકાશસ્તંભની શ્રુંખલાના પ્રથમ સ્તંભને પ્રજ્વલિત કરશે. મોડેથી તેઓ વિન્ડસર કેસલમાં અંગત ઉજવણી માટે ડ્યુક એન્ડ ડચેસ ઓફ કેમ્બ્રીજ સહિત રોયલ ફેમિલી સાથે જોડાશે.
વિન્ડસરના હોમ પાર્ક ખાતે ૧૨થી ૧૫ મે દરમિયાન ક્વીનના ૯૦મા જન્મદિનની ઉજવણીનાં કાર્યક્રમમાં ૯૦૦ અશ્વ ઉપરાંત કેથેરિન જેન્કિન્સ ભાગ લેશે. જૂનમાં હાઉસ હોલ્ડ ડિવિઝન ટ્રૂપીંગ ઓફ કલર રજૂ કરશે. ક્વીન અને ડ્યુક ઓફ એડિનબરાની ઉપસ્થિતિમાં ૧૦મી જૂને સેન્ટ પોલ કેથેડ્રલ ખાતે  થેન્કસ ગીવીંગ સર્વિસ યોજાશે.
૧૧મી જૂને હોર્સ ગાર્ડ્સ પરેડ ગ્રાઉન્ડ ખાતે ક્વીન્સ બર્થ ડે પરેડ યોજાશે. ૧૨મી જૂને મોલ ખાતે સ્ટ્રીટ પાર્ટીનું આયોજન કરાયું છે.


comments powered by Disqus