લંડનઃ અસાધારણ શક્તિ ધરાવતા બાળકોને નોબેલ વિજેતા બનાવવાનું સ્વપ્ન સેવતા હઠાગ્રહી માતાપિતાને લીધે તેમની કલ્પનાશક્તિ રૂંધાઈ જાય છે અને અંતે તેઓ ‘મહત્ત્વાકાંક્ષી રોબોટ’ જેવા બની જતા હોવાનો દાવો પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીના સૌથી યુવા પ્રોફેસર એડમ ગ્રાન્ટે સર્જનાત્મકતા અને ઓરિજિનલ આઈડિયાના મહત્ત્વ વિશેના તેમના નવા પુસ્તકમાં કર્યો છે.
તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા ‘Originals: How Non-Conformists Move the World’ પુસ્તકમાં તેમણે જણાવ્યું છે કે પ્રતિભાશાળી બાળકોમાંથી ઘણાં ઓછાં બાળકો પુખ્તવયના થાય ત્યારે વિશ્વમાં પરિવર્તન લાવી શકે તેવા જીનિયસ બને છે. બાળકો વિશ્વમાં ઓરિજિનલ આઈડિયા પ્રચલિત બનાવે તેવું ઈચ્છતા માતાપિતાએ પોતાનું ધાર્યું કરાવવાને બદલે તેમની કલ્પના મુજબ વર્તવા દેવા જોઈએ.
એક સંશોધનનું તારણ રજૂ કરતાં ગ્રાન્ટે જણાવ્યું હતું કે સૌથી કલ્પનાશીલ બાળકો મોટા થઈને શિક્ષકોના સૌથી ઓછાં લાડકાં વિદ્યાર્થી બનતા હોય છે. અસાધારણ પ્રતિભા ધરાવતા ૨,૦૦૦ ટીનેજરો અમેરિકામાં વેસ્ટિંગહાઉસ સાયન્સ ટેલેન્ટ સર્ચ તરીકે જાણીતી સ્પર્ધાની ફાઈનલમાં પહોંચ્યા હતા, તેમાંથી માત્ર એક ટકા ટીનેજરો જ પુખ્ત બન્યા બાદ અમેરિકાના ટોચના વૈજ્ઞાનિકોની હરોળમાં પહોંચ્યા હતા. તેમાંથી જે નેશનલ અકેડેમી ઓફ સાયન્સીસના સભ્યો બન્યા તે પૈકી આઠ નોબેલ પ્રાઈઝ વિજેતા બન્યા હતા.
બ્રિટિશ સાયકોલોજિસ્ટ જોન ફ્રીમેને જણાવ્યું હતું કે ઉંમરના પ્રમાણમાં વધુ હોંશિયાર હોવાની બાબત માત્ર બાળકોને જ લાગુ પડે છે. પુખ્તોનું મૂલ્યાંકન ઉંચા આઈક્યુથી નહીં પરંતુ તેમની સર્જનાત્મક શક્તિ અને વિશ્વમાં તેમના યોગદાનથી થાય છે.

