લંડનઃ બ્રિટિશ એરવેઝની ૧૩૭ વ્યક્તિ સાથેની જીનિવાથી આવી રહેલી ફ્લાઈટ બીએ ૭૨૭ હિથ્રો એરપોર્ટ પર ટર્મિનલ પાંચ પર લેન્ડિંગ કરવા જઈ રહી હતી ત્યારે તેની સાથે એક ડ્રોન ટકરાયું હતું. જોકે, તેનાથી વિમાનને કોઈ નુક્સાન થયું નહોતું.
એરપોર્ટ પર ડ્રોનને લગતી આ સૌથી તાજી અને ગંભીર ઘટના હતી. બ્રિટિશ એરવેઝના પ્રવક્તાએ જણાવ્યું હતું કે એરબસ એ ૩૨૦ વિમાને સહીસલામત ઉતરાણ કર્યું હતું અને એન્જિનિયરોએ પૂરી ચકાસણી બાદ વિમાનને ફરી ઉડ્યનની મંજૂરી આપી હતી. આ ઘટનામાં કોઈની ધરપકડ કરાઈ નહોતી.
આ ઘટનાથી ખાસ કરીને એરપોર્ટ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનના નિયંત્રણ માટેનો મુદ્દો ઉભો થયો છે. ગયા મહિને જારી કરાયેલા અહેવાલમાં જણાવાયું હતું કે ગયા વર્ષે એપ્રિલ અને ઓક્ટોબરના છ મહિનાના ગાળામાં ડ્રોન અને વિમાન સહેજમાં ટકરાતા બચી ગયા હોય તેવા હિથ્રો ખાતે બે સહિત કુલ ૨૩ બનાવ બન્યા હતા.
બ્રિટિશ એરલાઈન પાઈલોટ્સ એસોસિએશનના ફ્લાઈટ સેફ્ટી સ્પેશિયાલિસ્ટ સ્ટીવ લેન્ડલ્સે જણાવ્યું હતું કે થોડીક ક્ષણોનો જ સવાલ હતો. નજીકના વિસ્તારોમાં એમેચ્યોર્સ લોકો જોખમ અને નિયમોને સમજ્યા વિના સંખ્યાબંધ ડ્રોન ઉડાડતા હોય છે. તેમણે ઉમેર્યું હતું કે હિથ્રોની એવિએશન પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.
સિવિલ એવિએશન ઓથોરિટીએ જણાવ્યું હતું કે ‘ડ્રોન કોડ’ મુજબ ડ્રોનને ૪૦૦ ફૂટથી વધુ ઉંચાઈએ ઉડાડી શકાય નહીં અને વિમાનો, હેલિકોપ્ટરો, એરપોર્ટસ અને એરફીલ્ડથી તેને દૂર રાખવું પડે.

