જમ્મુઃ છેલ્લા અઢી દસકાથી પોતાના જ પ્રદેશમાંથી હકાલપટ્ટીનો સામનો કરી રહેલા કાશ્મીરી પંડિતોએ મંગળવારે જમ્મુમાં રાજ ભવન સમક્ષ ધરણાં-પ્રદર્શન યોજીને પોતાની દસકાઓ જૂની પીડાને વધુ એક વખત વાચા આપી હતી. ધરતી પરના સ્વર્ગ તરીકે જાણીતા જમ્મુ-કાશ્મીરમાં ત્રાસવાદે માથું ઊંચક્યા બાદ ૧૯૯૦માં કાશ્મીરી પંડિત પરિવારોને તેમના ઘરબાર-માલમિલકત છોડીને પહેર્યા કપડાં સાથે કાશ્મીર ખીણ પ્રદેશમાંથી બળજબરીથી હાંકી કાઢવામાં આવ્યા હતા. આ ઘટનાને ૧૯ જાન્યુઆરીએ ૨૫ વર્ષ પૂરા થયા હોવાથી પંડિત પરિવારોએ દેશના વિવિધ ભાગોમાં વિરોધ પ્રદર્શનો યોજીને તેમના પુનઃ સ્થાપન માટે માગણી ઉઠાવી હતી.
ખીણ પ્રદેશમાં પંડિતોની હિજરતની ઘટનાને ‘સામૂહિક કત્લેઆમનો દિવસ’ ગણાવતા આ પ્રદર્શનકારીઓએ ગવર્નર એન. એન. વ્હોરાને આવેદન પત્ર સુપરત કરીને સમગ્ર સમુદાયની હકાલપટ્ટી સંદર્ભે જ્યુડિશ્યલ તપાસ યોજવાની માગણી કરી હતી.
ઓલ સ્ટેટ કાશ્મીરી પંડિત કોન્ફરન્સના પ્રમુખ રવિન્દર રૈનાએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું, ‘આ સામૂહિક હકાલપટ્ટી માટે જવાબદાર તમામ લોકોના નામ જાહેર થવા જ જોઇએ.’
એક અંદાજ પ્રમાણે નેવુંના દાયકાની શરૂઆતમાં ૫૭ હજારથી વધુ પરિવારોને તેમના ઘરબાર છોડવાની ફરજ પડી હતી. આમાંના મોટા ભાગના લોકો જમ્મુ, દિલ્હી સહિત દેશના વિવિધ ભાગોમાં વસે છે. માત્ર કેટલાક હજાર પંડિતોનો ખીણપ્રદેશમાં પુનઃવસવાટ કરાવવામાં આવ્યો છે. દેશના પાટનગર દિલ્હીમાં તો અનેક પંડિત પરિવારો સરકારી આવાસોમાં જીવન વીતાવી રહ્યા છે. તો કેટલાક કામચલાઉ આવાસોમાં દિવસો પસાર કરી રહ્યા છે.
એક પ્રદર્શનકારી અગ્નિ શેખરે કહ્યું હતું કે અલગતાવાદીઓએ ‘આઝાદી’ના નામે અમને અમારા ઘરબાર છોડવા ફરજ પાડી હતી. આ ઘટનાને ધાર્મિક નરસંહાર તરીકે ઓળખાવીને સંસદે આ મુદ્દે ખરડો પસાર કરવો જોઇએ.
પંડિત સમુદાયના અગ્રણી અજય ચરુન્ગુ કહે છે કે આ ધરણાં અને વિરોધ પ્રદર્શન યોજવાનું એક કારણ એ પણ હતું કે અમે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમારી સતત ઉપેક્ષા થઇ રહી છે તે બાબત પ્રત્યે લોકોનું ધ્યાન ખેંચવા માગતા હતા.
વીતેલા વર્ષોમાં ત્રાસવાદ-સંબંધિત હિંસક ઘટનાઓમાં ઘટાડો નોંધાયો છે ત્યારે ભારત સરકારે સરકારી નોકરીઓ, ખીણ પ્રદેશમાં પરિવારોનું પુનઃસ્થાપન સહિતના શ્રેણીબદ્ધ પગલાં જાહેર કરવા જોઇએ. જોકે આવું કરવામાં કોઇને રસ જણાતો નથી.
વિરોધ પ્રદર્શનમાં જોડાયેલાં કેટલાક પંડિત પરિવારોએ એવી પણ લાગણી વ્યક્ત કરી હતી કે જો તેમના વસવાટ માટે ‘સિક્યોર ઝોન’ (સુરક્ષિત વિસ્તાર)ની માગણી સ્વીકારવામાં નહીં આવે તો તેઓ વતનમાં પાછા ફરવાની દરખાસ્ત સ્વીકારશે નહીં. એક વર્ગે ખીણ પ્રદેશમાં જ કેન્દ્રશાસિત પ્રદેશના દરજ્જા સાથે અલગ વિસ્તારની માગણી કરી હતી.
પ્રદર્શનકારીઓએ વિવિધ સ્થળોએ યોજેલા દેખાવો દરમિયાન દર્શાવેલા પોસ્ટર્સમાં સૂત્રો લખીને તેમની પીડાને વાચા આપવા પ્રયાસ કર્યો હતો.

