BBCના વિમેન્સ અવર પાવર લિસ્ટમાં ધર્મજના જયાબહેન દેસાઇ

Wednesday 21st December 2016 05:33 EST
 
 

લંડનઃ બીબીસી રેડિયો-૪ના વિમેન્સ અવર કાર્યક્રમને ૭૦ વર્ષ થયા તે પ્રસંગે છેલ્લાં ૭૦ વર્ષમાં સૌથી પ્રભાવશાળી સાત મહિલાઓની યાદી વિમેન્સ અવર પાવર લિસ્ટ જાહેર થયું છે, જેમાં ગુજરાતના આણંદ જિલ્લાના ધર્મજના વતની જયાબહેન દેસાઈનો પણ સમાવેશ થયો છે. યાદીમાં આયર્ન લેડી તરીકે જાણીતા બ્રિટનના પૂર્વ વડા પ્રધાન માર્ગારેટ થેચર પ્રથમ સ્થાને છે. જોકે, લિસ્ટમાં સામેલ અન્ય કોઈને ક્રમાંક અપાયો નથી. જયાબહેન દેસાઈ ૧૯૭૬માં ઓછાં વેતન અને ખરાબ હાલતમાં કામ કરવાની ફરજ પડતાં મહિલા કામદારોને ન્યાય અપાવવા ચલાવેલી ગ્રુનવીક હડતાળથી પ્રસિદ્ધ થયાં હતાં. આ લડત બે વર્ષ ચાલી હતી.
પ્રભાવશાળી મહિલાઓની યાદીમાં બ્રિટનના પ્રથમ મહિલા વડા પ્રધાન (૧૯૭૯-૧૯૯૦) માર્ગરેટ થેચર અને જયાબહેન દેસાઈ ઉપરાંત, ૧૯૭૦માં ઈક્વલ પે એક્ટ લાવનારાં બ્લેકબર્નના લેબર સાંસદ બાર્બરા કેસલ, ૧૯૬૪માં અપરીણિત મહિલાઓને ગર્ભનિરોધની સલાહ આપતા બ્રૂક એડવાઈઝરી સેન્ટર્સ શરૂ કરનારાં હેલન બ્રૂક, નારીવાદી વિદ્વાન તથા ઓસ્ટ્રેલિયન લેખિકા જર્મેઈન ગ્રીર, હેલન ફિલ્ડિંગ દ્વારા લિખિત ‘બ્રિજેટ જોન્સ ડાયરી’ની નાયિકા બ્રિજેટ જોન્સ, રચનાત્મક નારીવાદી સંદેશો ફેલાવનાર અમેરિકન ગાયિકા અને કવયિત્રી બીયોન્સનો સમાવેશ કરાયો છે.
યાદીના પેનલિસ્ટ અને લેબર પાર્ટીના ભારતીય મૂળના પૂર્વ સલાહકાર આયેશા હઝારિકાએ જણાવ્યું હતું કે, ‘જયાબહેને બહારથી આવેલા તમામ લોકો અને મહિલાઓનાં ઉત્થાન માટે સારી કામગીરી કરી હતી.’ કદ-કાઠીએ વામન, પરંતુ કાર્યોથી વિરાટ એવાં જયાબહેન દેસાઈએ ૧૯૭૬ના સમરમાં મોટા ભાગની મહિલા સહિત એશિયન વર્કરોના ગ્રૂપના નેતૃત્વમાં ગ્રુનવીક ફિલ્મ પ્રોસેસીંગ લેબોરેટરી ખાતે ઐતિહાસિક હડતાળની આગેવાની લીધી હતી. અન્યાયી માલિકો સામે સંગઠિત વર્કરો દ્વારા બ્રિટિશ ઈતિહાસમાં સૌથી લાંબા અને અતિ મહત્ત્વના ઓદ્યોગિક વિવાદો પૈકી એક વિવાદનો આરંભ થયો હતો.
ગ્રુનવીક સ્ટ્રાઈકે બીબાંઢાળ પદ્ધતિને પડકારી ટ્રેડ યુનિયનોની સીકલ બદલી નાખી હતી અને લોકોને અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે પ્રેરણા પૂરી પાડી હતી. ૨૦ ઓગસ્ટ, ૧૯૭૬ને શુક્રવારે દેવશી ભૂડિયાની બરતરફી બાદ જયાબેન દેસાઈએ હડતાળનું નેતૃત્વ સંભાળ્યું હતું. તેઓ અને તેમના પુત્ર સુનિલ નોકરીમાંથી છૂટા કરી દેવાયેલા ચાર વર્કરો સાથે ફેક્ટરી બહાર પિકેટીંગમાં જોડાયાં હતાં. શરૂઆતમાં, છ વર્કર સામેલ થયા અને બાદમાં ટ્રેડ યુનિયન APEXની હડતાળના સમર્થનમાં પિકેટીંગમાં જોડાયેલા વર્કરોની સંખ્યા વધીને ૧૩૭ સુધી પહોંચી હતી. દેખાવો ચરમસીમાએ પહોંચ્યા ત્યારે ગ્રૂનવીક ખાતે માત્ર એક જ સ્થળે પિકેટીંગ માટે ૨૦ હજાર લોકો એકત્ર થયા હતા.
આ સ્ટ્રાઈકમાં જેમણે ભાગ લીધો હતો તેમને તો આજે પણ આ નિવેદન યાદ છે, ‘તમે ફેક્ટરી નથી ચલાવતા, આ તો ઝૂ છે. પરંતુ, ઝૂમાં ઘણી જાતના પ્રાણીઓ હોય છે. કેટલાક વાનરો હોય છે, જે તમારી આંગળીઓના ઈશારે નાચે છે. બાકીના સિંહ હોય છે, જે તમને કરડી જાય. મિ. મેનેજર, વી આર ધ લાયન્સ - અમે સિંહ છીએ.’ હડતાળના ૬૯૦ દિવસ બાદ, ૧૪ જુલાઈ, ૧૯૭૮ના રોજ હડતાળ સમિતિએ આંદોલન સમેટ્યું હતું.
જયાબહેન દેસાઈનું ૨૩ ડિસેમ્બર,૨૦૧૦માં ૭૭ વર્ષની વયે નિધન થયું હતું. તેમના ભત્રીજા સમીરભાઈ પટેલે જણાવ્યું હતું કે તેઓ વર્ષોથી લંડનમાં રહેતાં હોવાં છતાં, દર વર્ષે અચૂક વતનની મુલાકાત લેતાં હતાં.


comments powered by Disqus