તાલાલાઃ મીઠી મધુર સુગંધીદાર ગીર પંથકની કેસર કેરીનાં પાક માટેનો પ્રથમ તબકકો ગીરમાં શરૂ થઇ ચૂકયો છે. કેરીનાં આંબામાં મોર ફૂટવાની પ્રક્રિયા શરૂ થઇ હોઈ સાનુકૂળ વાતાવરણથી મોરનું આવરણ શરૂ થવા લાગતા આંબાવાડીઓમાં કેરીનાં મોર શોભા બની રહયાં છે.
કેસર કેરીનો ગઢ ગણાતા તાલાળા તાલુકાની મુખ્ય ખેત પેદાશ કેસર કેરી જ છે. કેસર કેરી તેનાં કલર -સ્વાદ સુગંધ અને મીઠાશથી વિશ્વભરમાં સ્વાદ આમ્ર રસિકોની પ્રિય છે. નવેમ્બર માસનાં અંતથી કેરીનાં આંબામાં મોર ફૂટવાનો પ્રથમ તબકકો શરૂ થતો હોઈ હાલમાં ગીરની આંબાવાડીઓમાં મોરનું આવરણ શરૂ થયું છે. ખેત તજજ્ઞો મુજબ સાનુકૂળ વાતાવરણમાં આંબે મોર ફૂટવાની પ્રક્રિયા એ સારી માત્રામાં પાક ઉતરવાની નિશાની છે. આ ઉપરથી કહી શકાય કે આ વર્ષે કેરીનો પાક સારો રહેશે.

