નવી દિલ્હીઃ નોટબંધી પછી કેન્દ્ર સરકારે દેશમાં કેશલેસ લેવડદેવડ પર ભાર આપતાં આ દિશામાં અનેક પગલાં લેવાનું એલાન કરી દીધું છે. વળી બીજી બાજુ રિઝર્વ બેંકે જણાવ્યું છે કે, રૂ. ૫,૦૦૦થી વધુની રૂ. ૫૦૦ અને રૂ. ૧,૦૦૦ની જૂની રદ નોટો ૩૦મી ડિસેમ્બર સુધી એક બેંકખાતામાં એક જ વાર જમા કરાવી શકાશે. જોકે વડા પ્રધાન ગરીબ કલ્યાણ યોજનામાં ગમે તેટલી જૂની નોટો જમા કરાવી શકાશે. આજ સુધી નોટબદલી અને રોકડ કેશ માટે દેશ લાઈન લગાવે છે ત્યાં કેશલેસ ઇકોનોમી તરફ દેશની પ્રજાનું વલણ હકારાત્મક હોવા અંગે શંકા ઉપજે છે. જોકે કેશલેસ વ્યવહારો માટે સરકારે કમર કસી જ લીધી છે. પેટ્રોલપંપથી માંડીને વીમા પોલીસી ખરીદવા પર ડિસ્કાઉન્ટ જાહેર કરાયું છે. આ જાહેરાતો પાછળનો ઉદ્દેશ માત્ર એટલો છે કે લોકો નોટોથી ચાલતો વ્યવહાર ઓછો કરીને મોબાઈલ, ઇન્ટરનેટ અથવા પ્લાસ્ટિક કાર્ડનો ઉપયોગ કરે.
૧૦૦MB ડેટા ફ્રી
ગ્રામીણ વિસ્તારોમાં કેશલેશને પ્રોત્સાહન આપવા ટેલિકોમ નિયંત્રક ટ્રાઇએ પહેલ કરી છે. ટ્રાઇએ કહ્યું કે, ગ્રામીણ યુઝર્સને દર મહિને ૧૦૦ MB કે યોગ્ય પ્રમાણમાં મફત ડેટા આપવો જોઈએ અને તે માટે જે ખર્ચ થાય તેની ચુકવણી યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડમાંથી થાય.
સ્વાઈપ મશીનોની અછત
૮ ડિસેમ્બરે નાણા પ્રધાન અરુણ જેટલીએ કહ્યું કે દેશની દર ૧૦ હજારની વસ્તી ધરાવતા ૧ લાખ ગામમાં ૨૦૨ પીઓએસ મશીન અપાશે. જેથી આશરે ૭૫ કરોડ લોકો કેશલેસ લેવડદેવડ કરી શકશે. આનાથી એ વાત સ્પષ્ટ છે કે સરકારની દૃષ્ટિએ ૭૫ લાખ લોકો કેશલેસ ટ્રાન્ઝેક્શન કરતા નથી.
ATM નેટવર્ક પણ નબળું
દેશમાં એટીએમ સંખ્યા પણ અન્ય દેશોની તુલનામાં ખૂબ જ ઓછી છે ત્યાં કેશલેસ આર્થિક વ્યવહારની વાત તો ક્યાં કરવી? અમુક ગામોમાં તો હજી પણ બેંક જ નથી.
ત્યાં લોકોને એટીએમની સુવિધા મળવી પણ મુશ્કેલ જ છે. સૌથી મોટો પડકાર સાઈબર સુરક્ષાનો છે. આંકડા મુજબ છેલ્લા અમુક દિવસોમાં દેશમાં ડેટા ચોરીના બનાવો ખૂબ જ વધ્યા છે.
•••
ડિજિટલાઈઝેશનના પડકારો
• વિશ્વમાં ભારત વસતીની દૃષ્ટિએ બીજા ક્રમે છે. દેશમાં યુવાનોની સંખ્યા ભલે વસતીની ૫૦% જેટલી છે, પરંતુ આંકડાઓ મુજબ માત્ર ૩૪ કરોડ લોકો સુધી જ ઇન્ટરનેટ પહોંચ્યું છે. • વિશ્વમાં ભારત સ્માર્ટ ફોન યુઝર્સની સંખ્યામાં મામલે બીજા નંબરે આવે છે, પરંતુ આમાંથી મોટાભાગના લોકો સતત ઇન્ટરનેટનો ઉપયોગ કરતા નથી. • ભારતમાં આશરે ૧૫% લોકો પાસે બ્રોડબ્રેન્ડ સુવિધા છે. • સ્વિડન, બેલ્જિયમ અને બ્રિટન જેવી સ્થિતિ લાવવા માટે ખૂબ કામ કરવાની જરૂરી પડશે. આ એવા દેશો છે જ્યાં મોટાભાગના વ્યવહારો કેશલેસ થાય છે.
માત્ર ૨% ડિજિટલ પેમેન્ટ
• ભારતીય અર્થવ્યવસ્થામાં માત્ર બે ટકા પેમેન્ટ જ ડિજિટલી થાય છે. જેમાંય મોટાભાગના લોકો ૧૦૦ રૂપિયા સુધીનું જ પેમેન્ટ ઇન્ટરનેટ કે કાર્ડ દ્વારા કરે છે. • ભારતમાં ૮૬% વ્યવહાર રોકડમાં થાય છે. • 4G આવ્યા છતાં નેટની ધીમી ગતિ છે. વિકસિત દેશોની તુલનામાં ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ સ્વાઇપ મશીન પણ ભારતમાં ઓછા છે. • પ્રતિ ૧૦ લાખ લોકો વચ્ચે ૮૮૯ મશીનો જ ઉપલબ્ધ છે.
કરન્સી સર્ક્યુલેશન અને ડેબિટ કાર્ડ
• આંકડાઓ મુજબ ગત પાંચ વર્ષોમાં કરન્સી સર્ક્યુલેશન ૧૫%ના દરે વધ્યું છે. દેશમાં રોડ અને જીડીપીનો ગુણોત્તર પણ વધુ છે.
• દેશમાં દર ૧૦ લાખની વસતીમાં ૧૦૮ બેન્ક શાખા, ૧૪૯ એટીએમ અને ૮૮૯ પોઇન્ટ ઓફ સેલ (સ્વાઈપ મશીન) છે. • દેશમાં રૂપિયા અને ડેબિટ કાર્ડનો ઉપયોગ એટીએમ દ્વારા કેશ વિડ્રો કરવા માટે થાય છે.

