ભારતીય ડાયાસ્પોરાને ચલણી નોટો પર પ્રતિબંધ અંગે અવઢવ

Wednesday 21st December 2016 07:15 EST
 
 

લંડનઃ યુકેસ્થિત ભારતીય ડાયાસ્પોરા હજુ તેમની પાસે રહેલી જુની રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની બેંકનોટ્સ વિશે ભારે ચિંતામાં છે. કારણ કે રોકડ જમા કરાવવાની મર્યાદા (૩૦ ડિસેમ્બર) નજીક આવી રહી છે. જુની ચલણી નોટો અહીં જમા કરાવી શકાય તેવી વ્યવસ્થા માટે વડાપ્રધાન નમોની ખાસ વિચારણાની તેઓ રાહ જોઈ રહ્યા છે.
આપણે જાણીએ છીએ તેમ બ્રિટિશ ભારતીય વ્યક્તિદીઠ રૂ. ૨૫૦૦૦ સાથે ભારત છોડી શકે છે. વ્યક્તિગત રીતે આ નાની રકમ છે પરંતુ સામુહિક (વાર્ષિક ૨,૦૦,૦૦૦ મુલાકાતી) રીતે જોઈએ તો આ રકમ પાંચ વર્ષના ગાળામાં રૂ. ૨૫૦૦ કરોડ (૨૫૦ મિલિયન પાઉન્ડ) થાય છે. ‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ’ દ્વારા જણાવાયું હતું કે ભારત સરકારે બ્રિટિશ ભારતીય અને NRI'sને તેમના નાણા યોગ્ય ચકાસણી (તેમના છેલ્લા ભારત પ્રવાસના પુરાવા વગેરે સહિત) પછી યુકેસ્થિત ભારતીય બેંકોમાં જમા કરાવવા દેવા જોઈએ. તેઓ નજીકના ભવિષ્યમાં જ્યારે પણ ભારતની મુલાકાત લે ત્યારે પોતાની ડિપોઝિટ પહોંચો દર્શાવીને પોતાના NRO એકાઉન્ટમાંથી એમાઉન્ટ ઉપાડી શકે.
RBI દ્વારા પણ જણાવાયું છે કે ભારતની મુલાકાત લેનારા કોઈપણ વ્યક્તિ આજે પણ રૂ. ૨૫૦૦૦ (નવી નોટના) કાયદેસર નાણા સાથે ભારત છોડી શકે છે.
લેબર સાંસદ કીથ વાઝે ‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ’ને જણાવ્યું હતું કે ‘નવેમ્બરમાં યુકે સ્થિત કાર્યકારી ભારતીય હાઈકમિશનર દિનેશ પટનાયક સાથે બેઠક પછી મેં વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો હતો. જેમાં મેં ૩ પગલાની દરખાસ્ત કરી હતી. જેનાથી ડાયસ્પોરાની ચિંતાનો નિકાલ આવી શકે.
(૧) વિદેશ રહેતા ભારતીયો માટે રૂપિયાના વિનિમયની સમય મર્યાદા ૨૦૧૭ના ઉનાળાની રજાઓ સુધી લંબાવવી.
(૨) બ્રિટિશ ભારતીયોને યુકેની ભારતીય બેંકોમાં ચલણી નોટોનું ડિપોઝીટ અને એક્સચેન્જ કરી શકાય તેવી છૂટ આપવી.
(૩) ભારતીય હાઈકમિશનમાં બ્રિટિશ ભારતીય ડાયસ્પોરા માટે ખાસ દૂતની નિમણૂંક કરવી.
યુનાઈટેડ કિંગડમમાં રહેલી ભારતીય બેંકોમાં ચલણના એક્સચેન્જ સંબંધે બેંક ઓફ ઇંગ્લેન્ડના ગર્વનર માર્ક કાર્ની પાસેથી મને પ્રતિભાવ પણ મળ્યો છે. ગર્વનરે આ મુદ્દે ઊંડાણથી તપાસ કરી છે અને તેમણે સ્પષ્ટ કર્યું છે કે આ દરખાસ્ત સંબંધે તમામ શક્ય અવરોધો હવે દૂર કરી દેવાયા છે અને ભારત સરકાર તેની ઇચ્છાનુસાર યુકેમાં કરન્સી એક્સચેન્જની છૂટ આપવાનો નિર્ણય લઈ શકે છે. આથી મે વડાપ્રધાન મોદીને તેમજ નાણાપ્રધાન અરૂણ જેટલીને પત્ર લખી યુનાઈટેડ કિંગડમમાં કરન્સી એક્સચેન્જ કરવાની છૂટ આપવા માટે તેઓ વિચારે તેમ જણાવ્યું છે.’
હાલમાં NRIએ નોટ્સ એક્સચેન્જ કરાવવા જાતે ભારત જવું પડે અથવા તેમના બદલે આમ કરવા કોઈને સત્તા આપવી પડે. જાહેર અને ખાનગી ક્ષેત્રની ભારતીય બેંકોની વિદેશી શાખાઓ અત્યારે દેશની બહાર રોકડ રકમ સ્વીકારતી નથી. જો ૯ નવેમ્બર ૨૦૧૬થી ૩૦ ડિસેમ્બર ૨૦૧૬ વચ્ચે NRI ભારતનો પ્રવાસ કરી રહ્યા હોય તો તેઓ પોતાના NRO એકાઉન્ટમાં નાણા બદલાવી કે ડિપોઝીટ કરાવી શકે છે. જો ૨ જાન્યુઆરી ૨૦૧૭થી ૩૧ માર્ચ ૨૦૧૭ વચ્ચે NRI ભારતનો પ્રવાસ કરી રહ્યા હોય તો તેઓ દેશની બહાર હતા તેમ પુરવાર કરતાં 017આવશ્યક દસ્તાવેજો પાસપોર્ટ અને વિઝાની વિગતો સાથે RBI દ્વારા નિર્ધારિત ચોક્કસ ઓફિસમાં જઈ નોટ્સ બદલાવી શકે છે. જોકે નાણા સ્વીકારનાર RBI ઓફિસોની યાદી હજુ અસ્પષ્ટ છે.
જો NRI ભારતમાં બેંક નોટ્સ ધરાવતા હોય તો તેઓ ભારતમાં રહેલા અન્ય કોઈ વ્યક્તિને લેખિતમાં સત્તા આપી તેમના બેંક અકાઉન્ટમાં નોટ્સ ડિપોઝીટ કરાવી શકે છે.
આ ઓથોરાઇઝ્ડ વ્યક્તિએ ચલણી નોટો, તમારા દ્વારા અપાયેલો ઓથોરિટી લેટર તેમજ માન્ય ઓળખના પુરાવા સાથે તમારા વતી બેંકની શાખામાં રકમ ડીપોઝીટ કરાવવા જવાનું રહેશે. જો NRI વિદેશમાં નાણા ધરાવતા હોય તે કોઈ વિશ્વાસુ વ્યક્તિ મારફત ભારત નાણા મોકલી શકે છે અને તેમના વતી નાણા ડિપોઝીટ કરવાની સત્તા પણ આપી શકે છે.
કેટલાક સુત્રો અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગંભીરપણે આ દરખાસ્ત પર વિચાર કરી રહ્યાં છે અને આ અખબારને આશા છે કે ભારતીય કરન્સીને બદલાવવાની સમય મર્યાદા વધારાશે એટલું જ નહીં, યુકેસ્થિત ભારતીય બેંકોને વિનંતી અનુસાર અહીં જ આ કરન્સી ડીપોઝીટ કરવાની છૂટ પણ અપાશે. આના કારણે આ મુદ્દે કોઈ હિલચાલ હોય તો તેની જાણકારી મેળવવા તમારી સ્થાનિક ભારતીય  બેંકની શાખાના સંપર્કમાં રહેવું હિતાવહ છે.


comments powered by Disqus