રાજુબહેન શ્વાન પમીના મૃતદેહની રોજ પૂજા કરે છે

Wednesday 21st December 2016 07:28 EST
 
 

રાજકોટઃ જામનગરના . નરેશભાઇ મહેતા જૈનમ જાદુગરના નામે પ્રખ્યાત છે. ૧૧ વર્ષ પહેલાં તેમણે જાદુગર મંગલ પાસેથી પોમેરીયન સ્પીટ્સ બ્રીડની માદા શ્વાન ખરીદી હતી. તેને નામ આપ્યું પમી. પમીની ઉંમર તે સમયે સાડા ચાર મહિનાની હતી. જાદુગર અને તેમનાં પત્ની રાજુબહેને પમીને પોતાના સંતાનની જેમ ઉછેરી હતી. જૈનમ જાદુગરના શોમાં પમી સ્ટેજ પર કલા-કારીગરી કરી બતાવતી. ૧૨મી ઓક્ટોબર, ૨૦૧૬ના રોજ પમીનું મૃત્યુ થયું હતું. પરિવાર પળના પણ વિલંબ વગર મૃતદેહને આઇસબોક્સમાં મૂકીને મુંબઇ પહોંચ્યો. ત્યાં ગોરેગાંવ વેટરનરી કોલેજના ડોક્ટર સંતોષ ગાયકવાડ શ્વાનના મૃતદેહ પર ડેક્સીડર્મી સર્જરી ટ્રીટમેન્ટ કરવા માટે પ્રખ્યાત છે. ડોક્ટરે એક મહિના સુધી મૃતદેહ રાખ્યો. અંદરના ભાગમાંથી તમામ અંગ, અવયવો બહાર કાઢી મહેતા દંપતીને સોપ્યા. જેની દંપતીએ વિધિવત દફનવિધિ કરી. એક મહિના બાદ ચોક્કસ પ્રક્રિયા કરી પમીનો મૃતદેહ પરત કર્યો. મૃતદેહમાં માત્ર આંખ અને જીભ કૃત્રિમ છે.
પમીને જોઇને કોઇને લાગે નહીં કે તે જીવંત નથી. રાજુબહેને કાચની મોટી પેટીમાં મૃતદેહ રાખ્યો છે. દરરોજ તેની પૂજા કરે છે. મૃતદેહ ૫૦ વર્ષ સુધી સચવાઇ રહેશે. દર મહિને વ્હાઇટ પેટ્રોલથી સાફ કરવા સિવાય બીજું કંઇ કરવાની જરૂર નહીં પડે.
રાજુબહેન કહે છે કે, અમે અત્યારે પણ અમારી પ્રિય એવી પમીની હાજરી ઘરમાં જ મહેસૂસ કરીએ છીએ. તેમના કહેવા મુજબ ગુજરાતમાં પ્રકારની શ્વાનના મૃતદેહ પરની ટ્રીટમેન્ટનો આ સૌ પ્રથમ બનાવ છે. પમી મૃત્યુ પામી પણ તેમ છતાં 'સદેહે' અત્યારે પણ સાથે છે. એવું રાજુબહેન કહે છે.


comments powered by Disqus