રૂ. ૧૨૨૫ કરોડઃ સુરતના ભજીયાવાળા પાસેથી આટલી બેનામી સંપત્તિ ઝડપાઇ

Wednesday 21st December 2016 04:56 EST
 
 

સુરતઃ શહેરના ઉધના વિસ્તારનો બહુચર્ચિત ફાયનાન્સર કિશોર મંગલ ભજિયાવાળા પરિવાર રાતોરાત દેશભરમાં જાણીતો થઇ ગયો છે. આવકવેરા વિભાગની ડિરેક્ટોરેટ ઓફ ઇન્વેસ્ટિગેશન વિંગે છ દિવસની તપાસમાં આ પરિવારની કુલ ૧૨૨૫ કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ શોધી કાઢી છે. આવકવેરા વિભાગને તેની બે ઓફિસ, સુરત પીપલ્સ બેન્કની ઉધના શાખાના લોકર્સ સહિત ૪૦થી વધુ સ્થળે તપાસ દરમિયાન રોકડ, ઝરઝવેરાત, જમીન-મકાનના દસ્તાવેજો, ફિક્સ્ડ ડિપોઝિટ સહિતનો અધધધ દલ્લો મળ્યો છે.
૩૧ વર્ષ પહેલાં ઉધનામાં ચા-ભજીયાની લારી ચલાવતા અને સમયાંતરે ફાયનાન્સર તથા જ્વેલર બનેલા કિશોર ભજિયાવાળાના વિશાળ આર્થિક સામ્રાજ્યનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અમદાવાદના એક મોટા ગજાના બિલ્ડર સહિત સુરતના ૧૫ જેટલા મોટા બિલ્ડર તેને દર મહિને ૪.૫૦ કરોડથી વધુની રકમ માત્ર વ્યાજ પેટે ચૂકવે છે. ભજિયાવાળાનો દીકરો વટભેર કહેતો કે ઉધનામાં જ્યાં હાથ મૂકો ત્યાં ભજિયાની મિલકત હોય.
આવકવેરા વિભાગે ૧૩ ડિસેમ્બરથી શરૂ કરેલી તપાસમાં ભજિયાવાળાની મુંબઇની ૨૦૦ કરોડની જમીન, ઉધના ઉદ્યોગનગર સંઘની ૧૨૫ કરોડની મિલકતો, નવસારીનું ૨૫ કરોડનું ફાર્મ હાઉસ, વેસુનો ૨૫ કરોડનો બંગલો, પીપલોદ-ભરથાણાના ૩૦ કરોડના ફ્લેટ્સ સહિતની મિલકતો શોધી કાઢી છે.
ઇન્ક્મટેક્સના સૂત્રોના જણાવ્યા મુજબ આ તપાસ દરમિયાન સુરત અને મુંબઇ ઉપરાંત વલસાડ, અમદાવાદ, વતન અમરેલી, સૌરાષ્ટ્ર સહિતના સ્થળે અલગ-અલગ મિલકતો હોવાના દસ્તાવેજો મળ્યા છે.
કિશોર ભજિયાવાળા પરિવાર અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ઈંગોરાળાનો વતની છે. જોકે કેટલાક દસકાથી તેઓ સુરતમાં સ્થાયી થયા છે.
ભજિયાવાળાની તમામ મિલકતોની સંખ્યા ૪૦૦થી વધુ હોવાની શક્યતા છે. આમાંથી ૮૦ ટકા મિલકતોના દસ્તાવેજ આવકવેરા વિભાગે જપ્ત કર્યા છે. આ તમામ દસ્તાવેજોની સંખ્યા ૧૨,૦૦૦થી વધુ થાય છે. ભજિયાવાળાને જુદી જુદી મિલકતોના ભાડાપેટે મહિને ત્રણેક કરોડ રૂપિયાની બેઠી આવક છે.
આ ઉપરાંત રૂ. એક કરોડથી રકમની રોકડ, સુરત પીપલ્સ બેન્કની ઉધના શાખાના લોકરમાંથી ૧.૫૦ કરોડની કિંમતના ૫૫૦ કેરેટના હિરાના ઝરઝવેરાત, ૪ કરોડનું ૧૬.૫ કિલોગ્રામ સોનું, ૩૩૫ કિલોગ્રામ ચાંદી જપ્ત કરવામાં આવી છે.
રૂ. ૨૫ લાખની રાડો ઘડિયાળ
એક સમયે લારી પર ચા અને ભજિયા વેચતા કિશોર મંગલ ભજિયાવાળાને મિલકતો ખરીદવાનો, સિગારેટ પીવાનો અને સોનાની ઘડિયાળ પહેરવાનો શોખ છે. આવકવેરા વિભાગની તપાસ દરમિયાન ભજિયાવાળા અધિકારીઓની સામે પણ સિગારેટ ફૂંક્યા કરતો હતો. અધિકારીઓને ભજિયાવાળા પાસેથી ૨૫ લાખ રૂપિયાની રાડો સહિત ૧૨ સોનાની ઘડિયાળો મળી છે. આ તમામ ઘડિયાળો જપ્ત કરાઇ છે.
હજુ ચાર લોકરની તપાસ બાકી
આવકવેરા વિભાગ પાસે હજુ ભજિયાવાળાના ચાર લોકરની માહિતી છે. આમાંથી બે લોકર સુરત પીપલ્સની પારસી શેરી અને ખટોદરા શાખાના છે. જ્યારે એક અન્ય બેન્કનું લોકર કડોદરા શાખામાં છે. આ સિવાય અન્ય એક લોકરની માહિતી મળી છે. જે ચારેય લોકરની આગામી દિવસોમાં તપાસ કરાશે. ઉલ્લેખનીય છે કે સુરત પીપલ્સના આ બન્ને લોકર્સ બેનામી છે અને તે છેલ્લાં ૧૮ વર્ષથી ઓપરેટ કરે છે. આ લોકર્સમાંથી પણ મોટો દલ્લો નીકળશે તેવું આવકવેરા વિભાગનું માનવું છે.
ભજિયાવાળાનું સૌરાષ્ટ્ર કનેક્શન
સુરતના કરોડપતિ ભજીયાવાળા કિશોર વડેરાનું સૌરાષ્ટ્ર સાથે કનેકશન ખુલ્યું છે. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ઇંગોરાળા ગામે તેના વડીલોપાર્જિત જમીન-મકાન હોવાનું બહાર આવ્યું છે. ૬૦ વર્ષ પહેલા તેના વડવાઓ નાના એવા ગામમાં વ્યાજે નાણા આપીને કડક ઉઘરાણી કરતા હોવાનું અને રાતોરાત ગામ છોડીને નીકળી ગયાનું ગ્રામજનો કહે છે. કિશોર ભજીયાવાળાનું આખું સાચું નામ કિશોર મંગળજીદાસ વડેરા છે. તેના પિતા અને દાદા સહિતના વડવાઓ મૂળ અમરેલી જિલ્લાના ખાંભાથી ૧૫ કિલોમીટર દૂર આવેલા નાના એવા ઇંગોરાળાના વતની છે.
ગ્રામજનોના કહેવા મુજબ કિશોર વડેરાએ તાજેતરમાં ગામમાં બનેલી એક હવેલીમાં અઢી લાખ રૂપિયાનું દાન કર્યું ત્યારે તે અહીંનો વતની હોવાની લોકોને ખબર પડી હતી. કિશોરના પિતા મંગળજીદાસ વડેરા સહિતના ૧૪ સભ્યોના નામે ગામમાં જમીન છે.
વિવિધ વિભાગોને રિપોર્ટ કરાયો
દેશભરમાં ચકચારી બનેલા આ દરોડની કામગીરીમાં છ દિવસની સ્થળતપાસ પૂરી થયા બાદ આવકવેરા વિભાગે જપ્ત મિલકતો અને દસ્તાવેજો અંગે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સીસ (સીબીડીટી)થી માંડીને રેવન્યૂ સેક્રેટરી, સીબીઆઇ, રિઝર્વ બેન્ક ઓફ ઇંડિયા, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સહિતની અન્ય એજન્સીઓને મોકલ્યાના અહેવાલ છે. આગામી દિવસોમાં વિવિધ વિભાગો દ્વારા દસ્તાવેજોનું ક્રોસ વેરિફિકેશન થશે પછી ટેક્સ વસૂલવાની કાર્યવાહી થશે.


comments powered by Disqus