૧૫૦ વર્ષમાં પહેલી વખત ભારતીય અર્થતંત્ર યુકેને આંબી ગયું!

Wednesday 21st December 2016 05:03 EST
 
 

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઝડપી આર્થિક સુધારાઓ અને વિકાસ પંથે હરણફાળ જ્યારે બ્રિટનને નડી રહેલી બ્રેક્ઝિટની સમસ્યાઓને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને ફાયદો થયો છે. લગભગ ૧૫૦ વર્ષના ઈતિહાસમાં પહેલી વખત ભારતીય અર્થતંત્ર યુનાઈટેડ કિંગડમના અર્થતંત્રને આંબી ગયું છે.
વિખ્યાત બિઝનેસ મેગેઝિન ‘ફોર્બ્સ’માં તાજેતરમાં પ્રકાશિત અહેવાલમાં ભારતનાં અર્થતંત્ર અંગે રોમાંચક ખુલાસો કરવામાં આવ્યો હતો. તેમાં જણાવાયું છે કે, છેલ્લાં ૨૫ વર્ષમાં ભારતનાં અર્થતંત્રે જે ઝડપે પ્રગતિ કરી છે અને બીજી તરફ છેલ્લાં ૧૨ મહિનામાં પાઉન્ડના ભાવ જે રીતે ગગડયા છે તેનાં કારણે ભારતીય અર્થતંત્રને ઘણો લાભ થયો છે.
ભારતનો વિકાસ દર બ્રિટન કરતાં વધુ
‘ફોર્બ્સ’ અહેવાલમાં જણાવ્યા પ્રમાણે ભારત જે રીતે આર્થિક વિકાસ સાધી રહ્યો છે તે જોતાં ૨૦૨૦માં સ્થિતિ કંઈક અલગ જ હશે તેમ ધારણા બાંધવામાં આવી રહી છે. બજારોના જાણકારોના મતે ભારત હાલમાં પ્રતિ વર્ષ ૬થી ૮ ટકાના દરે વિકાસ હાંસલ કરી રહ્યો છે. તેની સરખામણીમાં યુનાઈટેડ કિંગડમ ૧થી ૨ ટકાના દરે આગળ વધી રહ્યું છે. આ રીતે જ જો બન્ને દેશોનો વિકાસદર આગળ વધતો રહ્યો અને બન્ને દેશોના ચલણના ભાવમાં મોટો તફાવત ન આવ્યો તો ભારત અને યુકેનાં અર્થતંત્ર વચ્ચે મોટો તફાવત જોવા મળશે. ભારત ૨૦૨૦ સુધીમાં યુનાઈટેડ કિંગડમ કરતાં ઘણો આગળ નીકળી જશે.
અંદાજ કરતાં ૪ વર્ષ વહેલાં...
બજારના જાણકારો જણાવે છે કે, આમ જોવા જઈએ તો ભારતનું અર્થતંત્ર ૨૦૨૦માં યુનાઈટેડ કિંગડમને આંબી જાય તેવી શક્યતા હતી પણ છેલ્લાં ૧૨ મહિનામાં પાઉન્ડની કિંમતમાં ૨૦ ટકાના ઘટાડાએ ભારતને લાભ કરાવ્યો હતો. ઈકોનોમિક થિંક ટેન્ક સેન્ટર ફોર ઈકોનોમિક્સ એન્ડ બિઝનેસ રિસર્ચ (સીઈબીઆર)એ ડિસેમ્બર ૨૦૧૧માં જ જણાવ્યું હતું કે, ૨૦૨૦ સુધીમાં ભારત વિશ્વની પાંચમા ક્રમની સૌથી શક્તિશાળી આર્થિક મહાસત્તા બની જશે. ભારતે આ લક્ષ્યાંક ઘણો વહેલો હાંસલ કરી લીધો છે.
આ રીતે સમજીએ ભારતની આગેકૂચને
યુકેના ૨૦૧૬ જીડીપીના ૧.૮૭ ટ્રિલિયન જીડીપીને ડોલરમાં ફેરવીએ તો એક્સચેન્જ દર પ્રમાણે પ્રતિ ડોલર સામે ૦.૮૧ પાઉન્ડ ગણીએ તો તેની કિંમત ૨.૨૯ ટ્રિલિયન ડોલર થાય. તેવી જ રીતે એક્સચેન્જ દર પ્રમાણે ભારતના ૧૫૩ ટ્રિલિયન ડોલરના જીડીપીને ૬૬.૬ રૂપિયા પ્રતિ ડોલર પ્રમાણે ગણીએ તો તેની કિંમત ૨.૩૦ ટ્રિલિયન ડોલર થાય છે. આમ, એક સમયે બ્રિટનનો ગુલામ રહી ચૂકેલા ભારતે અર્થતંત્રના મામલે અંગ્રેજોને પાછળ પાડી દીધા છે. ભારતના ઝડપી આર્થિક સુધારાએ વિકાસની ગાડીને પૂરપાટ દોડાવી છે.
ભારત માટે ગર્વની વાત: રિજીજૂ
મોદી સરકારના પ્રધાન કિરણ રિજીજૂએ જણાવ્યું કે, યુનાઈટેડ કિંગડમને પાછળ છોડીને ભારતીય અર્થતંત્ર આગળ વધી ગયું તે ખૂબ જ ગર્વની વાત છે. દેશવાસીઓ માટે આનંદના સમાચાર છે કે આપણે આગળ નીકળી ગયા છીએ. આપણા માટે સૌથી મોટી બાબત એ છે કે, યુકેને પછાડીને અમેરિકા, ચીન, જાપાન અને જર્મની બાદ ભારત દુનિયાનું પાંચમા ક્રમનું અર્થતંત્ર બન્યું છે. આઈએમએફ દ્વારા આ વર્ષે ઓક્ટોબરમાં જ ભવિષ્ય ભાખવામાં આવ્યું હતું કે, ભારતીય અર્થતંત્ર ટૂંક સમયમાં યુનાઈટેડ કિંગડમને પાછળ છોડી દેશે જે હવે સિદ્ધ થઈ ગયું છે.


comments powered by Disqus